ગાંધીનગરનાં સેકટર – 13 લીંબચ માતાના મંદિર પાસેથી ઓગસ્ટ – 2022માં 12 વર્ષને સાત મહિનાની સગીરાને ફરવા લઈ જવાની લાલચ આપી પેથાપુર-મહુડી હાઇવે પરના ગેસ્ટ હાઉસમાં કુકર્મ આચરનાર સેકટર – 13 નાં 32 વર્ષીય નરાધમને ગાંધીનગર પોકસો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા તેમજ 15 હજારનો દંડ ફટકાર્યો છે.
ગાંધીનગરનાં સેકટર – 13 પ્લોટ નંબર – 278/1 માં રહેતો
જયેશ મહેન્દ્રભાઇ રાઠોડ રીક્ષામાં એકવખત સગીરાના
ઈજાગ્રસ્ત નાના ભાઈને સારવાર અર્થે લેવા મૂકવા આવતો
જતો હતો. ત્યારથી જયેશ રાઠોડ સગીરાના સંપર્કમાં આવ્યો
હતો. ત્યારે સગીરા 30 ઓગસ્ટ – 2022 ના રોજ સ્કૂલે
જવાનું કહીને ઘરેથી ગઈ હતી. પરંતુ બહેનપણીઓ થકી
દીકરી સ્કૂલમાં ગઈ નહીં હોવાની માતાને જાણ થઈ હતી.
આથી તેમણે સ્કૂલમાં તપાસ કરતા ક્લાસ ટીચરે પણ સગીરા
સ્કૂલમાં આવી નહીં હોવાની કેફિયત વર્ણવી હતી. બાદમાં
આશરે ચાર વાગે સગીરા ઘરે પહોંચી હતી. જેને વિશ્વાસમાં
લઈને પૂછતાંછ કરતાં સગીરાએ કબૂલાત કરેલી કે, ત્રણેક
મહિના પહેલા નાનો ભાઈ પડી ગયેલો એ વખતે જયેશ
રાઠોડ રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો.
ત્યારથી અવાર નવાર સારવાર અર્થે લેવા મુકવા માટે જયેશ
આવતો અને લગ્નની લાલચ આપતો હતો.
આજે સવારે પોતે સ્કૂલે જઈ રહી હતી. ત્યારે લીંબચમાતાના મંદિર પાસે ગાડી લઈને જયેશ આવ્યો હતો અને બગીચામાં ફરવા લઈ જવાનું કહીને પેથાપુર મહુડી હાઇવે ઉપર આવેલ એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. બાદમાં ઘરે બધાને જાણ કરી દેવાની તેમજ નાના ભાઈને મારી નાંખવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પાછો મંદિર નજીક ઉતારીને જતો રહ્યો હોવાની વધુમાં સગીરાએ કબૂલાત કરી હતી.
જે અંગે સેકટર – 7 પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે કેસ ગાંધીનગર સ્પે. પોક્સો કોર્ટમાં બીજા એડી. સેશન્સ જજ એસ. ડી. મેહતાની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ સુનીલ એસ પંડયાએ દલીલો કરેલી કે, આરોપીએ ભોગબનનાર દીકરીની મરજી વિરુધ્ધ સંબંધ બાંધેલો હતો. સમાજમાં આવા ગુનાઓ રોજ-બરોજ બને છે અને જેથી આવા ગુનાના આરોપીઓને ગુનાઓમાં વધુમાં વધુ સજા અને દંડ કરવામાં આવે તો નવા ગુના કરતાં લોકો અટકે અને સમાજમાં દાખલો બેસે. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી જયેશ રાઠોડને 20 વર્ષની સખ્ત કેદ અને 15 હજારનો દંડ ફટકાર્યો છે.