લખનઉના ચૌધરી ચરણ સિંહ (અમૌસી) એરપોર્ટ પર રેડિયોએક્ટિવ લીક થયું છે. 2 કર્મચારી બેભાન થઈ ગયા છે. ટર્મિનલ-3 CISF અને NDRFને સોંપવામાં આવ્યું છે. 1.5 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવાયો છે. લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ફ્લાઈટ લખનઉથી ગુવાહાટી જઈ રહી હતી. દરમિયાન એરપોર્ટ ટર્મિનલ-3 પર સ્કેનિંગ દરમિયાન મશીને બીપનો અવાજ કર્યો. આ બોક્સમાં કેન્સરવિરોધી દવાઓ લાકડાંના બોક્સમાં પેક હતી.
એમાં રેડિયોએક્ટિવ તત્ત્વો હોય છે. કર્મચારીઓએ બોક્સ ખોલતાંની સાથે જ ઝડપથી ગેસ નીકળ્યો હતો, જેના કારણે બે કર્મચારી બેભાન થઇ ગયા હતા. કર્મચારીઓ બેભાન થતાં જ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. આ વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો.
એરપોર્ટ પ્રશાસને કહ્યું- ટર્મિનલ-3 પાસે કાર્ગોમાંથી ગેસ લીકેજની માહિતી મળી છે. ફાયર સર્વિસ, NDRF, SDRFની 3 ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ટીમો કામ કરી રહી છે. કેટલીક દવાઓનાંx બોક્સમાંથી ફ્લોરિન ગેસ લીક થયો છે. ટીમ આ ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીના ભાગરૂપે એ વિસ્તારમાં ન જવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એરપોર્ટના પ્રવક્તાએ કહ્યું- એરપોર્ટ પર કામગીરી પ્રભાવિત નથી.
ગેસ લીક થયા બાદ ત્યાં હાજર લોકોની આંખો બળવા લાગી હતી. લોકો ગભરાઈ ગયા. લખનઉની લોકબંધુ હોસ્પિટલના એનેસ્થેસિયાના નિષ્ણાત ડૉ. સુરેશ કૌશલે જણાવ્યું કે રેડિયો એક્ટિવની અસરને કારણે બેભાન થવું, આંખોમાં બળતરા અને લો બ્લડ પ્રેશર થઈ શકે છે.
શરીરમાં રેસીઝ, અચાનક તીવ્ર ઉધરસ શરૂ થાય છે. એટલું જ નહીં, એની અસર ફેફસાં પર પણ પડે છે. કિડનીને પણ અસર થાય છે. ફ્લોરિન ગેસનો ઉપયોગ ઘણા એક્સ-રે અને તબીબી સંબંધિત પરીક્ષણોમાં થાય છે. કેટલીક દવાઓના તાપમાનને સુરક્ષિત રાખવા માટે પણ ફ્લોરિનનો ઉપયોગ થાય છે.