મૂળ નેપાળની વતની અને છેલ્લા એક મહિનાથી રાજકોટના ભગવતીપરામાં પરિણીત પ્રેમી અને તેની પત્ની સાથે રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ભગવતીપરામાં આવેલ સમન્વય હાઈટ્સમાં રહેતી અનિતા ટમટા (28) નામની નેપાળી પરિણીતાએ ગત રાતે સાડા 11 વાગ્યાની આસપાસ ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં પહોંચેલી 108ના EMT યાસિનભાઈએ અનિતાને મૃત જાહેર કરી હતી. જે બાદ બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૂળ નેપાળની વતની અનિતા ટમટા અહીં પોતાના પરિણીત પ્રેમી દિપક સાથે રહેતી હતી. મૃતક અનિતાનો પતિ સુરત રહે છે અને તેના થકી સંતાનમાં તેને એક દીકરી પણ છે. આજથી એક મહિના અગાઉ દિપક અનિતાને સુરતથી ભગાડીને રાજકોટ લેતો આવ્યો હતો. અહીં સમન્વય હાઈટ્સમાં દિપક અને તેની પત્ની અને બે સંતાનો સાથે અનિતા પણ રહેતી હતી.
અનિતાએ જાતે જ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હોવાનું દિપક અને તેની પત્ની રટણ કરી રહ્યા છે. જો કે હાલ તો પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે અનિતાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.