બંગાળની ખાડીમાં સર્જાયેલો લૉ-પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે અને તેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં 25 ઑગસ્ટની આસપાસ આવેલી ડીપ ડિપ્રેશનની સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, વડોદરા, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છના ઘણા વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી.
આ સિસ્ટમ કચ્છ પરથી આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચી હતી અને આ વર્ષનું ‘અસના’ નામનું વાવાઝોડું બન્યું હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ એક ભાગ્યે જ બનતી ઘટના હતી. સામાન્ય રીતે ચોમાસામાં આપણે ત્યાં વાવાઝોડાં સર્જાતાં નથી.
હાલ બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે. એકાદ બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચે એવી શક્યતા છે.
તો આ સિસ્ટમ કઈ તરફ જશે, કયાં રાજ્યોને વધારે અસર કરશે અને ગુજરાતમાં તેની અસર થશે કે નહીં તેના વિશે આપણે અહીં માહિતી મેળવીશું.
IMDહવામાન વિભાગના કહેવા પ્રમાણે 9 સપ્ટેમ્બરના રોજ જ તે ઓડિશાના પુરીના દરિયાકાંઠેથી જમીન પર આવશે અને આગળ વધશે અને ભારતનાં કેટલાંક રાજ્યો પર તેની અસર જોવા મળશે
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ ડીપ ડિપ્રેશન ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે, 9 સપ્ટેમ્બરના બપોર સુધીમાં તે 6 કલાકમાં 8થી 10 કિલોમીટર આગળ વધ્યું હતું. હાલ તે ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા નજીક છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 9 સપ્ટેમ્બરના રોજ જ તે ઓડિશાના પુરીના દરિયાકાંઠેથી જમીન પર આવશે અને આગળ વધશે અને ભારતનાં કેટલાંક રાજ્યો પર તેની અસર જોવા મળશે.
ઓડિશા પર આ સિસ્ટમ આવ્યા બાદ તે આગળ વધીને આગામી 24 કલાક સુધીમાં છત્તીસગઢ પર પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે. જે બાદ તે સિસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતી રહે તેવી સંભાવના છે.
આ સિસ્ટમ છત્તીસગઢથી આગળ વધીને ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ પર પહોંચશે અને ત્યાંથી ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે. જોકે, ઓડિશા પરથી આગળ વધવાની સાથે જ આ સિસ્ટમ થોડી નબળી પડશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી સંભાવના છે.
આ સિસ્ટમ ગુજરાત પર તાજેતરમાં આજ આવેલી સિસ્ટમની જેમ લાંબો સમય સુધી મજબૂત રહે તેવી સંભાવના ખૂબ ઓછી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમને કારણે પવનની ગતિ 55 કિમી પ્રતિકલાકથી લઈને 75 કિમી પ્રતિકલાક સુધીની છે.
આ સિસ્ટમ ગુજરાત પર આવવાની શક્યતા નથી એટલે કે તે મધ્ય પ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ આગળ વધી જશે. જોકે, તેમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.
ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને ઝારખંડમાં આ સિસ્ટમને લઈને ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
IMDહવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાત રીજનમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદનું પ્રમાણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે
ગુજરાતમાં હાલ વરસાદને લઈને બે પ્રકારની સ્થિતિ છે, કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ છે અને તડકો નીકળી ગયો છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે પરંતુ હવે અત્યંત ભારે વરસાદ થઈ રહ્યો નથી.
બંગાળની ખાડીની આ સિસ્ટમ આગળ વધીને જ્યારે મધ્ય પ્રદેશ પર પહોંચશે ત્યારે ગુજરાતમાં તેની થોડી અસર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાત રીજનમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદનું પ્રમાણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ તથા ખેડા જિલ્લામાં ફરીથી વરસાદનું પ્રમાણ થોડું વધતું જોવા મળી શકે છે. આ જિલ્લાઓના કોઈ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે.
અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ હળવાથી મધ્ય પ્રકારનો છુટોછવાયો વરસાદ થઈ શકે છે.
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ પશ્ચિમ મધ્ય પ્રદેશ પર જશે, જો તે ગુજરાતની વધારે નજીક આવે તો કેટલાક વધારે જિલ્લામાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યારસુધીમાં સરેરાશ કરતાં 49 ટકા જેટલો વધારે વરસાદ થયો છે અને સૌથી વધારે સરેરાશ વરસાદ દેવભૂમિ દ્વારકા તથા પોરબંદરમાં થયો છે.