મુખ્યમંત્રીશ્રીએ દિક્ષાંત સમારોહ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત આજે ૭૦થી વધુ યુનિવર્સિટીઓ કાર્યરત છે જેના પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં શિક્ષણના હબ તરીકે પ્રસ્થાપિત થયું છે. શિક્ષણ થકી માનવી અને દેશના કલ્યાણ માટે તત્પર રહીએ તેવો સંકલ્પ કરવા પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ સિદ્ધપુર ખાતે સંપન્ન થયો. જેમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે ૩૦૫ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોકુલ ફાઉન્ડેશન સુવર્ણ પદક તેમજ પદવી એનાયત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં શ્રેષ્ઠ શૈક્ષણિક પરંપરા- સંસ્કૃતિ પ્રાચીન સમયથી પ્રસ્થાપિત થઈ છે. સિદ્ધપુરમાં ઋષિમુનિઓના આશ્રમ એક વિશ્વ વિદ્યાલયો હતાં તે જમાનામાં રાજાઓના રાજકુમારો આશ્રમમાં શિક્ષા લેવા માટે આવતા હતા. પદવીદાન ક્રિયાકાંડ ન બને તે જરૂરી છે. સૌના સુખે સુખી અને દુ:ખે દુ:ખીનો ભાવ કેળવીને રાષ્ટ્ર માટે કેમ સમર્પિત- ઉપયોગી થવું તેનો વિચાર કરવો પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ કહ્યું હતું કે, દિક્ષા એટલે બીજાને મદદરૂપ થવાના સંકલ્પ સાથે કારકિર્દીનો પ્રારંભ કરવો. ભારતીય શિક્ષામાં માનવજાત- માનવતાનું કલ્યાણ કેન્દ્ર સ્થાને રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત જ્યારે આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે પણ તેમાં મહત્તમ પ્રદાન આપીને ભારત માતાને જગત જનની બનાવીએ. આપણે વિશ્વના આંખમાં આંખ મિલાવી શકીએ તેવો આત્મ વિશ્વાસ કેળવવો પડશે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતમાં વર્ષો પછી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થયો છે ત્યારે આજનો યુવાન મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, સ્કીલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી જોબ સિકર નહી પણ જોબ ગિવર બને તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, અગાઉ કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં માત્ર ૯ યુનિવર્સિટીઓ હતી જ્યારે આજે ૭૦થી વધુ યુનિવર્સિટીઓ થકી ગુજરાત શિક્ષણનું હબ પ્રસ્થાપિત થયું છે. ગુજરાતના વિદ્યાર્થીને અભ્યાસ માટે બહાર જવું પડતું નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં IIT, IIM, AIIMS, મરીન, રેલવે, કૃષિ, રક્ષા, PDPU, ટ્રાયબલ જેવી અનેક વિશ્વ વિદ્યાલયો કાર્યરત છે. અગાઉ તક્ષશીલા અને નાલંદા જેવી પ્રાચીન વિશ્વ વિદ્યાલય ભારતમાં હતી તે રીતે આજે પણ વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ ગુજરાતમાં ઉપલબ્ધ છે. સ્ટડી ઇન ગુજરાત હેઠળ વિદેશના ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ ગુજરાતમાં શિક્ષણ લઈ રહ્યા છે. વલ્લભીપુર, વડનગર અને લોથલની વિરાસત આપણે પરત લાવવાની છે.
મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેઠળ આજે ગણપત યુનિવર્સિટી, સાંકળચંદ યુનિવર્સિટી, ગોકુલ જેવી યુનિવર્સિટીઓ કાર્યરત છે. અગાઉ ગુજરાતમાં ૯૦૦ બેઠકોને સામે આજે ૬,૫૦૦ મેડિકલ બેઠકો ઉપલબ્ધ છે. આ પ્રસંગે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે મેડિકલ કોલેજ શરૂ કરવા પણ મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, વિકાસ માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણ વિના વિકાસ શક્ય નથી. ગુજરાતના યુવાનો શિક્ષણમાં વિશ્વને માર્ગદર્શન કરે તે પ્રકારે તૈયાર થાય તે દિશામાં કામ કરે તે સમયની માંગ છે. જીવન પર્યન્ત આપણે વિદ્યાર્થી બનીને શિખતા રહીએ તો જ આપણે સફળતા મેળવી શકીશું.
તેમણે કહ્યું હતું કે, કોરોના નિયંત્રણમાં સમગ્ર વિશ્વમાં ભારત અને ગુજરાતે નોંધપાત્ર કામગીરી કરી છે. આજે ગુજરાતનો રિકવરી રેટ ૯૪ ટકા છે. વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે કોરોના હારશે અને ગુજરાત જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત આજે સમગ્ર દેશમાં રોકાણ માટે બેસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે ત્યારે ગુજરાતના યુવાનો શ્રેષ્ઠ પ્રદાન આપીને પોતાના અધ્યાપકો, યુનિવર્સિટી અને ગુજરાતનું નામ રોશન કરે તેવી આપ સૌ પદવી પ્રાપ્ત યુવાનો પાસે અપેક્ષા છે. મુખ્યમંત્રીશ્રીએ ગોલ્ડ મેડલ અને પદવીદાન પ્રાપ્ત વિદ્યાર્થીઓને આ પ્રસંગે અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગોલ્ડ મેડલ અને પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું હતું કે, આજે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે રાજ્યનું ૩૦મું SSIP કેન્દ્ર મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ કરવામાં આવ્યું છે જે ખૂબ જ સરાહનીય છે. આવનાર સમયમાં આપણે રાજ્યની તમામ ૭૦ યુનિવર્સિટીઓમાં SSIP કેન્દ્ર શરૂ કરવાનું લક્ષ્યાંક છે. પ્રામણિકતા, શિસ્ત, પરિશ્રમ અને સંસ્કારના ગુણો થકી આપણી જીવનમાં સફળતા મેળવી શકીશું. આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવા આપણે લોકલ ફોર વોકલ બનવું પડશે. આપણે જીવન જરૂરિયાત વસ્તુઓમાં સ્વદેશીપણું લાવવું પડશે. આપણે સાચા અર્થમાં આત્મનિર્ભર બનવું પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી પ્રમુખશ્રી બલવંતસિંહ રાજપુત એ યુનિવર્સિટીની માન્યતા માટે રાજ્ય સરકારનો આભાર માનતાં જણાવ્યું કે હતું કે, રાજ્ય સરકારના પ્રયત્નોથી આજે સિદ્ધપુર શિક્ષણનું હબ બન્યું છે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા બાલમંદિરથી ડૉક્ટરેટ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. યુવાનોને રોજગારી ઉપલબ્ધ થાય તેવા હેતુથી સ્કીલ ડેવલપમેન્ટ ઉપર ભાર મુકવામાં આવે છે તેમ જણાવી તમામ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને સફળ કારર્કિદી માટે શુભેચ્છાઓ આપી હતી.
ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રસિંહ રાજપુતે આભારવિધી કરી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી ભરતસિંહ ડાભી, રાજ્યસભાના સાંસદશ્રી નરહરિ અમીન, ધારાસભ્યશ્રી આશાબેન પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રીશ્રી કે. સી. પટેલ, પાટણ અને બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરશ્રીઓ, કુલપતિ શ્રી વેદવ્યાસ દ્વિવેદી, વિવિધ મહાનુભાવો, અધ્યાપકો તેમજ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.