કોલેજમાં અભ્યાસ કરવા જતાં સંતાનો પર નજર રાખવા મજબૂર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચીખલી તાલુકામાં રહેતા કોલેજીયન યુવક અને યુવતી નવસારીની એક હોટલમાં શરીરસુખ માણવા આવ્યા હતા. શરીરસુખ વેળાએ યુવતીને શરીરમાં આંતરિક ઇજા થતા લોહી વહેવા લાગ્યું હતું, જે ન અટકતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
નવસારીમાં પીએમ બાદ યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પરિવારજનોએ હત્યાની આશંકાએ ન્યાની માગ કરી હતી.
ચીખલીની યુવતી સવારે 9 વાગ્યે ઘરેથી કોલેજ માટે જાઉં છું તેમ કહી તેના યુવક મિત્ર સાથે નવસારીની હોટલમાં આવી હતી. તેણીનુ મોત થયું તેના જ મોબાઈલ પરથી અજાણ્યાએ તેણીના પિતાને જણાવ્યું કે તમારી દીકરી સિવિલ હોસ્પિટલમાં છે પણ પિતાએ કહ્યું કે, મારી દીકરી ચીખલી કોલેજમાં ગઈ છે પણ તેઓએ નવસારી આવી જોયું તો દીકરી મૃત હાલતમાં હતી. પિતાએ જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી હતી.
હોટલના રૂમમાં બન્ને યુવા હૈયાઓએ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અચાનક યુવતીને રક્તસ્ત્રાવ શરૂ થયો હતો. જે બંધ થતો નહોતો. આથી હાથવગા ઉપાયો બાદ યુવકે તેના મિત્રને જાણ કરતા મિત્ર નવસારી આવ્યો હતો. ત્યારબાદ યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તપાસ કરી હતી. પરંતુ ગંભીરતા વધુ દેખાવાની સાથે શંકાસ્પદ કેસ લાગતા તેમણે સિવિલમાં રિફર કર્યા હતાં. બાદમાં બન્ને સિવિલ લઈ ગયા હતાં. જ્યાં યુવતીને મૃત જાહેર કરાઈ હતી. પરિવારને જાણ થયા બાદ ટોળું સિવિલ એકઠું થઈ ગયું હતું. ન્યાયની માગ કરવામાં આવી હતી. બાદમાં યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.