રૂપાલ વરદાયિની માતાની પલ્લીમાં ઘીના અભિષેકનો મહિમા છે. તેને લઈ ઘીના 40 સ્ટોલ લાગ્યા છે. જિલ્લા તંત્ર પણ સ્થિતિ પર નજર રાખવા માટે રૂપાલ ખાતે સાંજથી તૈનાત થઈ ગયું છે.
સાંજ સુધીમાં ઘીના સવાસોથી પણ વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 93 સેમ્પલની ઓન ધ સ્પોટ ચકાસણી કરાઈ હતી. જોકે એક પણ નમૂનો સબ સ્ટાન્ડર્ડ નથી આવ્યો તેવી વિગતો છે.
આ સિવાય પણ ફુડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા અમૂલ, મધૂર, રજવાડી સહિતના બ્રાન્ડેડ ઘીના અલગથી બીજા વધુ 14 જેટલા ફોર્મલ સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.રૂપાલની પલ્લી વિશ્વ પ્રસિધ્ધ બની છે. નવરાત્રી દરમિયાન અત્યારસુધીમાં ચારેક લાખ લોકો માતાજીના દર્શન કરી ચૂક્યા છે. આજે દિવસભર વરદાયિની માતાના મંદિરે ભક્તોની ભીડ રહી હતી. બપોર સુધીમાં 50 હજારથી પણ વધુ ભક્તો માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. જોકે પલ્લીને લઈને આજે મોડી રાત સુધીમાં ભક્તોનો મહીસાગર ઉમટી પડશે. મંદિરના ટ્રસ્ટી નિતીન પટેલના જણાવ્યાનુસાર 8થી10 લાખ લોકો પલ્લીના દર્શન માટે રૂપાલ ખાતે ઉમટી પડશે. એક જ રાતમાં અહીં પલ્લી ઉપર ચારેક કરોડના ઘીનો અભિષેક થતો હોય છે. આજે બપોર બાદ ગામમાં ઘીના ટ્રેક્ટરો ગોઠવાઈ ગયા હતા. મોડી સાંજે આઠેક વાગ્યાના અરસામાં માતાની પલ્લી બનાવવાનું શરૂ કરાશે. માતાની પલ્લી ઉપર ચડાવાના ઘીનો અભિષેક થતો હોય છે. લોકો ત્યાંને ત્યાં ઘી ખરીદી શકે તે માટે ઘીના સ્ટોલ લાગતા હોય છે. આ વખતે પણ 40 જેટલા ઘીના સ્ટોલ લાગ્યા છે. ગામના લોકો દૂધ ભરાવાનું બંધ કરી દઈ તે દૂધમાંથી ઘી બનાવતા હોય છે. આમ ગામના લોકો પણ ઘીનું વેચાણ કરતા હોય છે. ભેળસેળીયા ઘીનું વેચાણ ના થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ સખત પહેરો ગોઠવ્યો છે.
મંદિર પાસે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે 11 અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમ ત્યાં હાજર છે. પ્રાપ્ત વિગતમાં અત્યારસુધીમાં એકસોથી પણ વધુ ઘીના નમૂના લેવામાં આવ્યા છે. જે પૈકી 93 નમૂના ચકાસવામાં આવ્યા છે. જોકે એકપણ નમૂનો સબસ્ટાન્ડર્ડ નથી આવ્યો, બ્રાન્ડેડ ઘીના અલગથી 14 ફોર્મલ નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી અપાયા છે. જેના રિપોર્ટની પણ પલ્લી પછી પણ નોંધ લેવામાં આવશે.
રૂપાલ મંદિરના ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં દાળ-ભાત-શાક-પૂરી-મોહનથાળ ભક્તોને પીરસવામાં આવશે. અંદાજે અઢી લાખ જેટલા ભક્તો જમી શકે તે પ્રકારે મંદિર દ્વારા પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ દિવસે ભક્તો વિનામૂલ્યે પ્રસાદને આરોગી શકશે.