ખાસ લેખ : ઉમંગ બારોટ
પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
અત્યાધુનિક ગ્રીન બિલ્ડિંગ અને દાંડીયાત્રાની થીમ સાથેનું મુરાલ ધરાવતું સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ ‘વિકાસ ભી, વિરાસત ભી’નું પ્રતીક બની રહેશે
અમદાવાદ
દેશની પહેલી બુલેટ ટ્રેનનું ટર્મિનલ સ્ટેશન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસે જ બનાવવામાં આવ્યું છે. મુંબઈ – અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલ કોરિડોર અને બુલેટ ટ્રેનનું સંચાલન કરનારી સંસ્થા નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને બુલેટ ટ્રેનના આ ટર્મિનલ સ્ટેશનની નજીક મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ વિકસાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની ૨૩ વર્ષની વિકાસ યાત્રાને સમગ્ર રાજ્ય વિકાસ સપ્તાહ તરીકે ઊજવી રહ્યું છે, ત્યારે અમદાવાદનું આઇકોનિક સ્ટ્રક્ચર ‘સાબરમતી મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ’ સૌના ધ્યાનાકર્ષણનું કારણ બન્યું છે.સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આ મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ હબની બિલ્ડિંગનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે, જેથી તે હાઇ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) સ્ટેશન, સાબરમતી રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડને પરસ્પર જોડે છે. મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ બિલ્ડિંગમાં ત્રણ ફૂટ ઓવરબ્રિજ આવેલા છે, જે પેસેન્જરને સીધા રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ જવામાં માટે સરળતા કરી આપશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૭માં જાપાનના વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં ભારતની પહેલી બુલેટ ટ્રેન માટેના હાઈ સ્પીડ રેલ કોરિડોરનું ખાતમુહૂર્ત અમદાવાદમાં કર્યું હતું. અમદાવાદથી મુંબઇ વચ્ચેનો હાઇ સ્પીડ રેલ કોરીડોર નિર્માણાધીન છે. સાબરમતી હાઇ સ્પીડ રેલ (HSR) સ્ટેશન એ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું ટર્મિનલ સ્ટેશન છે, જેની બાજુમાં આ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબનું નિર્માણ થયું છે.
સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બિલ્ડિંગની વિશેષતાઓ
હબ બિલ્ડિંગ એક જોડિયા માળખા તરીકે બાંધવામાં આવ્યું છે, જેમાં ઓફિસ, કોમર્શિયલ ડેવલપમેન્ટ અને મુસાફરો માટે રિટેલ આઉટલેટ, હોટેલ વગેરે માટે જગ્યા નિર્ધારિત કરવામાં આવી છે.સૂચિત હબ બિલ્ડિંગ HSR સ્ટેશન, બંને બાજુનાં વેસ્ટર્ન રેલ્વે સ્ટેશનો, મેટ્રો સ્ટેશન અને BRTSને FOB દ્વારા સિમલેસ કનેક્ટિવિટી પૂરી પાડે છે.
• ફૂટ ઓવર બ્રીજ- FOB 1: હબ બિલ્ડિંગને સાબરમતી (મીટરગેજ) રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેન (HSR) સ્ટેશન સાથે જોડે છે. મુસાફરોની સુવિધા માટે FOB પર ટ્રાવેલેટર્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે.
• ફૂટ ઓવર બ્રીજ- FOB 2 હબ બિલ્ડિંગના અનપેડ કોન્કોર્સ અને મેટ્રો સ્ટેશનના અનપેઇડ કોન્કોર્સ અને BRTS સ્ટેન્ડ વચ્ચે કનેક્ટિવિટી પૂરી પાડે છે.
• ફૂટ ઓવર બ્રીજ- FOB 3 સાબરમતી (બ્રોડગેજ) રેલ્વે સ્ટેશનના રેલ્વે પ્લેટફોર્મ સાથે બુલેટ ટ્રેન (HSR) સ્ટેશનોના અનપેડ કોન્સર્સને જોડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બિલ્ડિંગમાં સરળતાથી પહોંચવા માટે, ખાનગી કાર, ટેક્સી, બસ, ઓટો, ટુ વ્હીલર માટે પૂરતી પાર્કિંગ જગ્યા તેમજ સમર્પિત પિક અપ અને ડ્રોપ ઓફ બે બનાવવામાં આવ્યા છે. આ બુલેટ ટ્રેન સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર અને ટ્રાફિકને સુનિશ્ચિત કરશે.
હબ બિલ્ડિંગમાં મુસાફરો, રિટેલ સ્ટોર અને રેસ્ટોરાં માટેના વેઇટિંગ એરિયા જેવી અન્ય સુવિધાઓ સાથે સમર્પિત કોન્કોર્સ ફ્લોર ધરાવે છે.કોન્કોર્સ ફ્લોરની ઉપર બિલ્ડિંગ બ્લોક્સ બે અલગ-અલગ બ્લોક્સ A અને Bમાં બે સ્તરો પર એકબીજા સાથે જોડાયેલા ટેરેસ સાથે વિભાજિત છે. બ્લોક Aમાં ભાવિ ઓફિસ સ્પેસ માટે આરક્ષિત કોન્કોર્સ ઉપર 6 માળ છે. બ્લોક બીમાં 4 માળનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હોટેલની સુવિધાઓ સાથે મીટિંગ રૂમ, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સ રૂમ, સ્વિમિંગ પૂલ, રેસ્ટોરન્ટ વગેરે છે.ભારતીય રેલ્વે અને બુલેટ ટ્રેન (HSR) વચ્ચે મુસાફરોના આદાનપ્રદાન માટે હબ કોન્કોર્સમાં ભારતીય રેલ્વે માટે ટિકિટ કાઉન્ટર પ્રદાન કરવામાં આવ્યું છે.સાબરમતીના ઐતિહાસિક સંદર્ભને ધ્યાને રાખીને બિલ્ડિંગના દક્ષિણ તરફના ભાગમાં પ્રખ્યાત દાંડી માર્ચ ચળવળને દર્શાવતું એક વિશાળ સ્ટેનલેસ સ્ટીલ ભીંતચિત્ર- દાંડી માર્ચ મ્યુરલ ઊભું કરવામાં આવ્યું છે.વડાપ્રધાનશ્રીના ગ્રીન ગ્રોથના વિઝનને સાકાર કરવા આ સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબને વિવિધ ગ્રીન બિલ્ડિંગ ફીચર્સ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઇમારતની છત પર સોલાર પેનલ, વિશાળ લેન્ડસ્કેપ ટેરેસ અને બગીચા, ઊર્જા કાર્યક્ષમ એર કન્ડીશનિંગ અને લાઇટિંગ ફિક્સર સાથે કાર્યક્ષમ પાણીના ફિક્સરનો સમાવેશ થાય છે. સમગ્ર બિલ્ડિંગના મોટાભાગના વિસ્તારોમાં પૂરતો કુદરતી પ્રકાશ ઉપલબ્ધ છે અને આસપાસના સુંદર દૃશ્યો જોઇ શકાય છે.દેશની પહેલી બુલેટ ટ્રેન સ્ટેશનની નજીક બનેલુ ‘સાબરમતી મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ’ એક સાથે ચાર (બુલેટ ટ્રેન, રેલવે ટ્રેન, મેટ્રો ટ્રેન અને BRTS બસ) ટ્રાન્સપોર્ટ મોડનું સમન્વય સ્થળ બન્યું છે તેમજ અમદાવાદના વૈશ્વિક વિકાસનું દ્યોતક પુરવાર થયું છે.