અમદાવાદમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય, તેમ હત્યા, ચોરી, લૂંટ, છેડતી જેવા ગુનાઓને બિન્દાસ્ત અંજામ આપી રહ્યા છે. દિવાળીના તહેવારો સમયે આવો જ એક હત્યાનો બનાવ શાહીબાગ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં જૂની અદાવતમાં 4-5 ઇસમોએ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં બેઠેલા યુવકને બહાર ખેંચીને રહેંસી નાંખ્યો છે.
આ અંગે શહેરના મેમ્કો વિસ્તારમાં આવેલ સહકારનગરમાં રહેતા બિટ્ટી દેવીએ શાહીબાગ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે રાતના સમયે તેમના 24 વર્ષીય પુત્ર આલોકને પ્રેમનગરમાં રહેતા પુષ્પન્દ્ર ઉર્ફે છોટું તોમર, દિપુ તોમર અને બબલુ ઉર્ફે બચ્ચુ તોમર નામના ઈસમો સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.
જેનો ખાર રાખીને આ ચારેક ઈસમો ચપ્પા અને તલવારો લઈને તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને મારામારી કરવા લાગ્યા હતા. આ સમયે વચ્ચે પડતાં ગોપાલ તોમરે ફરિયાદી બિટ્ટી દેવીને માથામાં લાકડી ફટકારી દેતા તેમને ઈજા પહોંચી હતી.
આથી આલોકે 108 બોલાવીને બિટ્ટીદેવીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં માતા અને પુત્ર સિટી સ્કેન કરાવીને સિવિલમાં ટ્રોમા સેન્ટર તરફ જઈ રહ્યા હતા. આ સમયે ફરીથી છોટું તોમર ડથિયારો લઈને પોતાના સાગરિતો સાથે ધસી આવ્યો હતો. જેણે એમ્બ્યુલન્સમાં ફરિયાદી સાથે બેઠેલા તેના પુત્ર આલોકને બહાર ખેંચીને આડેધર છરીના ઘા ઝીંકી દીધા હતા. આ સમયે બૂમાબૂમ થતાં આરોપીઓ બાઈક પર ભાગી છૂટયા હતા.
જે બાદ બિટ્ટીદેવી પોતાના ઈજાગ્રસ્ત પુત્રને તાત્કાલિક સારવાર અર્થે ટ્રોમા સેન્ટર લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમના પુત્ર આલોકને મૃત જાહેર કર્યો હતો. આ મામલે બિટ્ટી દેવીની ફરિયાદના આધારે શાડીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.