રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તળાવો સોંપવામાં આવે છે. શહેરમાં 110થી વધુ તળાવ અત્યાર સુધીમાં કોર્પોરેશનને સોંપવામાં આવ્યા છે. શહેરમાં આવેલા તળાવો અને ભવિષ્યમાં આયોજનમાં રહેલા તળાવોના વિકાસ થાય તેના માટે હવે ત્રણ કમિટીઓની નિમણૂક મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે. પ્રોજેક્ટ, ઝોનલ અને સબ ઝોનલ લેવલે બનાવેલી કમિટીમાં મ્યુનિસિપલ કમિશનરથી લઈ પોલીસ અધિકારીઓ કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓ કોર્પોરેટરો અને સોસાયટીના ચેરમેન-સેક્રેટરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટીએ દર અઠવાડિયે અને મહિને તેનો રીવ્યુ કરવાનો રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલા તળાવો અને ભવિષ્યમાં સરકાર તરફથી મળનારા તળાવની સાર-સંભાળ અને વિકાસ કરવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે ત્યારે હવે પ્રોજેક્ટ લેવલની કમિટી બનાવવામાં આવી છે, જેમાં સરકાર તરફથી મળેલા અને મળનારા તળાવોના પઝેશન અંગે સંબંધિત વિભાગ સાથે સંકલન કરવાનું રહેશે. જે તળાવો PPP ધોરણે ડેવલોપ કરી શકાય એવા તળાવો અંગે જરૂરી કાર્યવાહી અને સંકલન કરવાનું રહેશે. તળાવમાં જેટલી પણ સ્ટ્રોમ વોટર લાઈનમાં ગટરના લાઇનના કનેક્શન આવેલા છે, તે તમામ કનેક્શન 31 માર્ચ, 2025 સુધીમાં દૂર કરવાના રહેશે. ચોમાસા દરમિયાન તળાવો વરસાદી પાણીથી ભરાઈ રહે તે મુજબનું તેમજ જો STP આવેલા હોય તો તેના ઓપરેશન મેન્ટેનન્સની જવાબદારી પણ STPની રહેશે. CCTV કેમેરા અને સિક્યુરિટી પણ રાખવાના રહેશે.
સબ ઝોનલ કમિટી દ્વારા જેટલા પણ તળાવો આવેલા છે, તેમાં ક્યાંય પણ દબાણ હોય તો એસ્ટેટ વિભાગ સાથે સંકલન કરી તાત્કાલિક ધોરણે દબાણો દૂર કરી તળાવને ખાલી કરાવવાની કાર્યવાહી કરવાની રહેશે. તળાવના વિકાસ માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા કરવાની રહેશે. તળાવમાં આવતી વરસાદી પાણીની લાઈનો સાફ કરવાની રહેશે અને મહત્તમ વરસાદી પાણીથી ભરાઈ રહે તો તળાવમાં સફાઈ અંગેનું આયોજન કરવાનું રહેશે. તળાવમાં તેમજ તળાવની આસપાસના વિસ્તારમાં લાઈટ વિભાગ દ્વારા લાઈટ નાખવાની વ્યવસ્થા કરવાની રહેશે.
સબ ઝોનલ કમિટીની અઠવાડિક રીવ્યુ કમિટીની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં વોર્ડના સ્થાનિક કોર્પોરેટરો અને સોસાયટીના ચેરમેન સેક્રેટરી અને નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓએ તળાવના આસપાસના વિકાસ અંગે સૂચનો આપવાના રહેશે. તળાવોની પાસમાં વૃક્ષારોપણ અને તેને જાળવણી કરવામાં આવે તેનું ગાર્ડન વિભાગ દ્વારા કરવાનું રહેશે. કોઈપણ તળાવમાં ડ્રેનેજ કનેક્શન ના થાય તેની તકેદારી રાખવાની રહેશે. આ કમિટી દ્વારા દર અઠવાડિયે રીવ્યુ કરવાનો રહેશે