અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયના સમાચારથી બુધવારે સ્ટોક માર્કેટમાં આવેલો ઊછાળો બીજા દિવસે એટલે કે ગુરુવારે ધોવાઈ ગયો હતો. વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ગુરુવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો. નફાકારક વેચવાલી, વિદેશી રોકાણકારોની વેચવાલી અને બીજા ક્વાર્ટરમાં કંપનીઓના નબળા પરિણામોને કારણે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બીએસઈનો 30 શેરો વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ગુરુવારે વધારા સાથે 80,563.42 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો. પરંતુ થોડા સમય પછી તેમાં 900 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. અંતે ગુરુવારે કામકાજ પૂરું થવાના સમયે સેન્સેક્સ 1.04% અથવા 836.34 પોઈન્ટના ઘટાડા સાથે 79,541.79 પર બંધ થયો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી-50 પણ 1.16 ટકા અથવા 284.70 પોઈન્ટના ઘટાડા સાથે 24,199.35ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સની ત્રીસ કંપનીઓમાંથી માત્ર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ટીસીએસના શેરમાં જ તેજી જોવા મળી હતી જ્યારે બાકીના શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
નિફ્ટી-50 કંપનીઓમાં અપોલો હોસ્પિટલ અને ટાટા સ્ટીલ સિવાય ઇન્ડેક્સના અન્ય તમામ શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઈઝ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટી 50માં ટોપ ગેઇનર હતા. અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળેલી લીડ બાદ બજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ તેજીનો લાભ લઈને ઘણા રોકાણકારોએ પ્રોફિટ બુક કરાવ્યો હતો જેના કારણે બજાર નીચા સ્તરે બંધ થયું હતું. આ સિવાય અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ આજે વ્યાજ દરો અંગે પોતાનો નિર્ણય આપશે. ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા રોકાણકારો સાવચેતીભર્યું અભિગમ અપનાવી રહ્યા છે. તે જ સમયે, વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારોમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ રાખી છે, જેના કારણે બજારના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. વિદેશી રોકાણકારોએ ગયા મહિને ભારતીય ઈક્વિટીમાંથી વિક્રમી 11.2 અબજ ડોલર પાછું ખેંચ્યું હતું. સ્થાનિક કંપનીઓના બીજા ક્વાર્ટરના પરિણામો અપેક્ષા મુજબ ન આવવાને કારણે પણ બજાર નીચે આવ્યું છે. આજે જાહેર થયેલા હિન્દાલ્કો અને ટ્રેન્ટના પરિણામો પણ આ વલણ ચાલુ રાખે છે. ભારતીય શેરબજારોમાંથી વિદેશી રોકાણકારો દ્વારા વેચાણની પ્રક્રિયા ચાલુ છે. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIl) એ બુધવારે રૂ. 4,445.59 કરોડની ઇક્વિટી વેચી હતી.