અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજાનનો લાભ લઈને મોતનો વેપાર ચલાવે છે. 10 નવેમ્બર 2024ના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. મફત સારવાર બાદ વધુ સારવાર અર્થે લાભાર્થીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. જે બાદ બોરીસણા ગામમાંથી 19 લાભાર્થીઓને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. જ્યાં કોઈપણ પ્રકારની જાણ વિના 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતનો ગ્રામજનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે. આ સાથે બોરીસણાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરકારી યોજનાના નામે મોતનો વેપલો ચાલતો હોય તેમ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતુ. દર્દીઓના સગાઓએ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં તોડફોડ કરી છે.
જોકે ખ્યાતિ હોસ્પિટલ પર કૌભાંડનો આ પહેલો આક્ષેપ નથી, આ પહેલા પણ વર્ષ 2022માં આવી જ રીતે હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં સાણંદના તેલાવ ગામમાં આરોગ્ય કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવ્યા હતા. જેમાં પણ ત્રણ દર્દીનું મોત થયું હતું. જોકે ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 2022માં દર્દીના પરિવારજનોએ આવો જ આરોપ મૂકી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જોકે, તે વિશે કંઈ નક્કર માહિતી સામે આવી દર્દીઓને ન્યાય મળે તે પહેલાં જ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફરી કેમ્પ યોજી આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. હાલ આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યાં છે અને દર્દીઓને ન્યાય અપાવવાનું આશ્વાસન પણ આપ્યું છે. જોકે, સત્ય હકીકત શું છે અને દર્દીના મોતનું કારણ તો તપાસ બાદ જ સામે આવશે.
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલી બેદરકારીને લઈને મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયાએ નિવેદન આપ્યું છે કે, ‘ખ્યાતિ હોસ્પિટલને આવા કોઈ કેમ્પની મંજૂરી માંગી નહતી કે તંત્ર દ્વારા આવી કોઈ મંજૂરી આપવામાં આવી નહતી. બોરીસણા ગામમાં આ કેમ્પ યોજ્યો એની જિલ્લા-તાલુકા તંત્ર તો શું પણ ગામના આજુબાજુના લોકોને પણ ખબર નહતી. ફક્તને ફક્ત બોરીસણા ગામના આયુષ્માન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે.” અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકી ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં ગઈકાલ સાંજથી જ કોઈ જવાબદાર ડૉક્ટર હાજર નથી. હોસ્પિટલના ડિરેક્ટર અને ચેરમેન સહિતના લોકો પણ ગેરહાજર છે. માત્ર એક જ ડૉક્ટર ICU માં હાજર છે. આ સાથે ગ્રામજનોએ જાણાવ્યું હતું કે સરકારી યોજનાના નામે મોતનો વેપલો ચાલતો હોય તેમ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતુ. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે. ઘટના બાદ હોસ્પિટલ માંથી ડોક્ટરો ગાયબ થયા છે.