અમદાવાદ.
સરકારી નાણા કટકટાવવા માટે દર્દીઓને બિનજરૂરી સ્ટેન્ટ મુકાતા બે લોકોના મોતના ચકચારી કિસ્સામાં સામેલ ખ્યાતિ હોસ્પીટલના નવા- નવા કરતૂતો ખુલવા લાગ્યા છે. સરકારી યોજનાના તબીબો-અધિકારીઓ-વીમા કંપનીની મીલીભગત સ્પષ્ટ થતી હોય તેમ યોજનાની કામગીરી સંભાળતા બે તબીબો તથા વીમા કંપનીના એક અધિકારીને તપાસ માટે પોલીસે તેડાવ્યા છે. ઉપરાંત સાલ, સંજીવની, ક્રિષ્ના શેલ્બી, હોપ ફોર હાર્ટ તથા જીવરાજ મહેતા સહિત પાંચ અન્ય હોસ્પીટલોને સમન્સ પાઠવવામાં આવ્યા છે.
ખ્યાતિ હોસ્પિટલમાં લોકોના જીવ સાથે ચેડાં કરનાર તબીબો અને સંચાલકો જેટલા જ ગુનેગારો સરકારી અધિકારીઓ પણ છે. તેઓ પણ સાવ ખોટી રીતે થતાં ઓપરેશન માટે સરકારી યોજનાના રૂપિયા ખોટી રીતે પાસ કરીને સરકાર સાથે ઠગાઈ કરતા હતા. તેને પગલે પીએમજેએવાયના બે તબીબોને ક્રાઈમ બ્રાંચે સમન્સ પાઠવીને નિવેદન માટે બોલાવ્યા છે.
આ ઉપરાંત એક ઈસ્યોરન્સ કંપનીના અધિકારીને પણ બોલાવવામાં આવ્યા હોવાનું જાણી શકાયું છે. તપાસ એજન્સી હજુ રાજશ્રી કોઠારી અને સંજય પટોલિયાને ઝડપી શકી નથી, જયારે કાર્તિક પટેલ વિદેશમાં છે. ખ્યાતિ હોસ્પિટલના દલાલએ કડીના બોરીસણામાં કેમ્પ કરીને જે લોકો પાસે સરકારી યોજનાના કાર્ડ હતા. તેમને સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા અને કોઈપણ જરૂર નહીં હોવા છતાં તેમની એન્જીનીયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકી દેવાયા. જે પૈકી બે નિર્દોષ લોકોના મોત થયા. આ પ્રકરણની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચ ભલે કાર્તિક, રાજશ્રી અને સંજય પટોલિયાના ગુનેગાર માનતી નથી. પરંતુ હોસ્પિટલમાં તો કંઈક ખોટુ થયું જ છે તેમ માનીને તપાસ ચાલી રહી છે. પીએમજેએવાય અંતર્ગત ખોટી રીતે થતી સર્જરીના બિલ પાસ કરી દેતા આ યોજનાની કામગીરી સંભાળતા સરકારી અધિકારીઓ ડો. નિશિત અને ડો. પંકજને સમન્સ પાઠવીને નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે. એક ઈસ્યોરન્સ કંપનીના અધિકારીને પણ નિવેદન માટે બોલાવાયા હોવાનું જાણી શકાયું છે. ખોટા બિલ પાસ કરાવવા માટે ઓર્થોપેડીક સર્જન ન હોવા છતાં હાડકાંની સર્જરી કરાઈ હતી
ક્રાઈમ બ્રાંચની તપાસમાં એવી વિગતો સામે આવી રહી છે કે ખ્યાતિ હોસ્પિટલનાં હાડકાંના ડોકટર જ નહોતા તેમ છતા ભૂતકાળમાં સરકારી યોજનાના લાભ લેવા માટે હાડકાના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને તેના બિલ પણ પાસ કરી દેવામાં આવ્યા હતા. હવે કયારે કયારે હાડકાના ઓપરેશન થયા તેની તપાસ ચાલી રહી છે. ખ્યાતિ હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી કેટલા લોકોની સારવાર કરાઈ તેની તપાસ शरू અગાઉ પણ ઘણી વખત ખ્યાતિના કૌભાંડો અંગે સ્થાનિક પોલીસ સમક્ષ રજુઆતો થઈ હતી. પહેલાં પણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે આક્ષેપો થયા હતા. પરંતુ ખ્યાતિના વગદાર સંચાલકો બધુ મેનેજ કરી લેતા હતા. હવે આ પ્રશ્ન છેક દિલ્હી સુધી પહોંચ્યા છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી જેટલા લોકોએ જે સારવાર લીધી તે તમામ દર્દી અને તેમની સારવારની વિગતોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ વખતે વગદાર સંચાલકો પરીસ્થિતિ મેનેજ કરી શકતા નથી.