પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં નકલી અધિકારીઓ, કચેરીઓ, ટોલનાકા બાદ હવે પાટણ ખાતે ચાલતી નકલી એમ. કે. યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરવા શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી હતી. પટેલે આરોપ લગાવીને કહ્યું છે કે, વડલી હનુમાનપુરા ખાતે ગુગલ સર્ચ કરો તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે. એક શેડ બનાવેલો છે. જે માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે. એમ. કે. યુનિવર્સિટીમાં રાજસ્થાનના જિતેન્દ્ર યાદવ ભાગીદાર બન્યા છે. તે સનરાઈઝ યુનિવર્સિટી, રાજસ્થાનના માલિક છે, જેમની રાજસ્થાન SOG પોલીસે ફર્જી ડિગ્રીઓ બાબતે હાલમાં ધરપકડ કરી છે.
પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણમંત્રીને રજૂઆત કરી જણાવ્યું હતું કે, યુવાનોને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળે તે જોવાની રાજ્ય સરકારની ફરજ છે. પરંતુ રાજ્યમાં ખાનગી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જે યોગ્ય સ્ટાફ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતાં નથી. જેના લીધે વિદ્યાર્થીઓને નુકસાન થાય છે, પણ સાથેસાથે સરકારની પણ ટીકા થાય છે. ત્યારે પાટણ ખાતે સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા 2023 મંજૂર કરેલી ખાનગી એમ. કે. યુનિવર્સિટીની છે. આ બાબતે મેં વારંવાર વિધાનસભામાં પણ રજૂઆત કરી છે. આ યુનિવર્સિટી આરંભથી જ વિવાદમાં રહી છે. જે અંગે શિક્ષણના હિતમાં મારી રજૂઆત છે. પટેલે જણાવ્યું હતું કે, એમ. કે. યુનિવર્સિટી માટે ગુજરાત સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું. તેમાં એમ. કે. યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા, પાટણ દર્શાવલું છે.
UGCએ જે મંજૂરી આપી તેમાં પણ એમ. કે. યુનિવર્સિટી, પાટણનું સરનામું હનુમાનપુરા, પાટણ છે. પરંતુ અમે આ સાથે રજૂ કરેલા ગૂગલ ટેગ સાથેના તારીખ 12/9/24ના ફોટા જોતાં ઉપર દર્શાવલાં બંને સરકારી રેકર્ડમાં અધિકૃત રીતે જાહેર થયેલા સ્થળે એમ. કે. યુનિવર્સિટીનું માત્ર બોર્ડ દેખાય છે. ખાનગી યુનિવર્સિટી હોવા માટેના કોઈ ભવનો કે અન્ય સુવિધાની જગ્યાએ માત્ર ખેતપેદાશ સંગ્રહ માટેના ગોડાઉન જેવા બે મકાન છે. જે ખાનગી યુનિવર્સિટીની શરતોમાં હોવા જેવા દેખાતા નથી. આ જગ્યા પણ કાયદાની જોગવાઈ મુજબ યુનિવર્સિટી માગનાર ટ્રસ્ટના નામે છે કે નહીં તે તપાસનો વિષય છે.
ગુજરાતમાં નકલી જકાતનાકા, નકલી કોર્ટ, નકલી ડૉકટર પછી ખેતરોમાં નકલી યુનિવર્સિટીઓ પણ બનવા લાગી છે? UGCના નિયમો મુજબ નવી યુનિવર્સિટીઓ કેમ્પસ પણ બનાવી શકે નહીં માટે જાહેરનામાના સ્થળે યુનિવર્સિટી ન હોવી એ પ્રજા સાથે સીધી છેતરપિડી છે. મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, તાજેતરમાં આ એમ. કે. યુનિવર્સિટી, પાટણમાં રાજસ્થાનના જિતેન્દ્ર યાદવ ભાગીદાર બન્યા છે. આજ જિતેન્દ્ર યાદવ સનરાઈઝ યુનિવર્સિટી, રાજસ્થાનના માલિક છે, જેમની રાજસ્થાન SOG પોલીસે ફર્જી ડિગ્રીઓ બાબતે હાલમાં ધરપકડ કરી છે. આમ, ગુજરાતની પ્રજાના હિતમાં શિક્ષણનો વેપાર અને નકલી ડિગ્રી વેચનારા ગુજરાતમાં પોતાનો પાયો મજબૂત કરે તે પહેલાં આવી યુનિવર્સિટીને મંજૂરી કેવી રીતે મળી, યુનિવર્સિટી મંજૂરી અગાઉ કયા ઉચ્ચ અધિકારીઓએ શું અહેવાલ આપ્યા તેની CID ક્રાઇમ મારફતે તપાસ થાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતું.