ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડાઃ ઘઉં-ચોખા રાશનનું રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી. ૨ કરોડ ટન ઘઉં-ચોખા ક્યાં ગાયબ થઈ જાય છે?
અમદાવાદ
ફુડ કોર્પોરેશનના ગોડાઉનમાંથી માર્ગમાંજ અનાજનો જથ્થો ‘પગ’ કરી જાય છેઃ સમગ્ર દેશમાં ૨૮ ટકા લીકેજ, બગાડને ગોડાઉનથી રેશન દુકાન સુધી પહોંચતું નથીઃ રાષ્ટ્રીય તિજોરીને મોટું નુકશાન સાથે સમગ્ર ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થાના ઘઉં-ચોખાનો ૪૩.૦૨ ટકા જથ્થાના લીકેજ-ગાયબ થવા અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લક્ષિત વિતરણ વ્યવસ્થા હેઠળ નિયમીત રીતે વિવિધ અનાજ આપવામાં આવે છે જેમાં લીકેજ એટલે કે કાળાબજારમાં ધકેલાઈ જતા અનાજ અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના ગોડાઉનમાં પણ હજારો ટન અનાજ સડી જાય છે. હાલમાં જ એક ઈકોનોમીક ર્થીક ટેન્ક દ્વારા આપવામાં આવેલા તારણ મુજબ સરકારી વિતરણનું ૨૮% અનાજ એટલે કે ૨૦ મીલીયન ટન ચોખા-ઘઉં આશરે કિંમત રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી. આ વાર્ષિક નુકસાન છે. આ ક્યાં જઈ રહ્યું છે ? કદાચ તે ખુલ્લા બજારમાં અથવા નિકાસ માટે મોકલવામાં આવી રહ્યું છે. હાઉસ હોલ્ડ કન્ઝમ્પશન એકસપેન્ડીચર સર્વેના ડેટા અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દર મહીને જે ડેટા રીલીઝ કરે છે તેના અભ્યાસ પરથી (ઓગષ્ટ ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૩ વચ્ચે) એ તારણ અપાયુ છે કે ૨ કરોડ ટન ઘઉં-ચોખા લાભાર્થી સુધી પહોંચ્યા જ ન હતા. આ એક મોટું રાષ્ટ્રીય નુકસાન છે અને તે અનાજ જે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાંથી નિકળે છે તે કયાં જાય છે ? તે ગંભીર બાબત છે. આ એક મોટો આર્થિક ભ્રષ્ટાચાર છે અને તેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થાય છે. ૨૮% બગાડ કે ખરેખર જરૂરિયાતમંદ સુધી ન પહોંચે તે એક મોટો મુદ્દો છે. સરકાર ટેકાના ઉંચા ભાવે આ અનાજ ખરીદે છે અને જરૂરિયાતમંદ વર્ગને મફત અથવા સાવ નીચા ભાવે તે પુરુ પાડે છે. સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં ડીજીટલ ટેકનોલોજી અપનાવી અને જોબ ઈન્વેસન સહિતના ઉપાયોની જાહેરાતો કર્યા છતા પણ રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ‘ગરીબો સુધી પહોંચતું નથી. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સમગ્ર દેશમાં ૨૮ ટકા લીકેજ, જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો બગાડ અટકાવવા જરૂરી છે. એક તરફ સતત કુપોષણનો ભોગ બની રહેલા બાળકો અને કુપોષિત મહિલાઓ દેશ માટે મોટો પડકાર છે ત્યારે, જાહેર વિતરણ વ્યવસ્થાના છીંડા માટે મક્કમતાથી પગલા ભરવામાં આવશે તો જ ભ્રષ્ટાચાર અટકશે અને ગરીબોને તેમના હક્કનું અનાજ મળશે.જાહેર વિતરણ વ્યવસ્થામાં સૌથી ઓછું લીકેજ ધરાવતા રાજ્ય તેલંગાણા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મિર, તામિલનાડુ રાજ્યોનો સમાવેશ થાય છે.
સૌથી વધુ લીકેજ ધરાવતા રાજ્યો
1 અરૂણાચલ પ્રદેશ ૬૩.૧૮ ટકા
2 નાગાલેન્ડ ૬૦.૩૬
3 ગુજરાત ૪૩.૦૨
4 હિમાચલ પ્રદેશ ૩૬.૨૭
5 ઉત્તરાખંડ ૩૫.૭૨
6 મહારાષ્ટ્ર ૩૫.૬૮
7 ઉત્તર પ્રદેશ ૩૩.૧૫
સૌથી ઓછુ લીકેજ ધરાવતા રાજ્યો
1 તેલંગાણા ૦.૩૦ ટકા
2 આંધ્રપ્રદેશ ૧.૨૦
3 કર્ણાટક ૬.૧૭
4 પશ્ચિમ બંગાળ ૯.૦૦
5 જમ્મુ કાશ્મિર ૯.૮૭
6 તામિલનાડુ ૧૫.૮૪
7 બિહાર ૧૯.૧૬