અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક
સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટુ વ્હીલરથી ઉપરનાં કોઈ પણ પ્રકારનાં વાહનો સ્ટોપ થઈ શકશે નહીં, યુ ટર્ન વર્જિત રહેશે
અમદાવાદ
અમદાવાદ શહેરના કાગડાપીઠ તથા મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાંકરિયા તળાવ ખાતે ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવનું આયોજન તા.૨૫/૧૨/૨૦૨૪થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી કરવામાં આવનાર છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે જાહેરનામામાં કહ્યું કે કાંકરિયા કાર્નિવલ દરમિયાન મોટા પ્રમાણમાં અને મર્યાદિત સમયમાં વાહનો સાથે આવતા લોકો તથા આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર સરળતાથી થાય અને સુચારુ ટ્રાફિક નિયમનની જાળવણીના હેતુસર વિસ્તારને ‘નો પાર્કિંગ ઝોન’ તથા ‘નો સ્ટોપ’ તથા ‘નો યુ ટર્ન’ જાહેર કરવા હુકમ કર્યો છે.
(૧) કાંકરિયા ચોકી ત્રણ રસ્તા થઈ રેલ્વે યાર્ડ થઈ ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઈ પુષ્પકુંજ સર્કલ થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ફુટબોલ ચાર રસ્તા થઈ લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરિયા ચોકી સુધીના સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટુ વ્હીલરથી ઉપરના કોઈ પણ પ્રકારનાં વાહનો સ્ટોપ થઇ શકશે નહીં. વળી, તમામ વાહનો નિર્ધારિત પાર્કિંગ જગ્યા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પાર્ક થઈ શકશે નહીં.
(૨) સમગ્ર કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતાં કોઈ પણ જગ્યાથી યુ ટર્ન લઇ શકાશે નહીં. આ સમગ્ર વિસ્તારને ‘નો યુ ટર્ન’ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.
તમામ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોને નીચે જણાવેલ માર્ગો પર સવાર કલાક ૮ થી રાત્રિના ૧ વાગ્યા સુધી અવર- જવર કરવા ઉપર પ્રતિબંધ
દાણીલીમડા ચાર રસ્તા થઇ શાહ આલમ થઇ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
ચંડોળા પોલીસ ચોકી ત્રણ રસ્તાથી શાહ આલમ થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
મણિનગર રેલ્વે સ્ટેશનથી મણિનગર ચાર રસ્તાથી રામબાગ ચાર રસ્તા થઇ કાંકરિયા તરફ આવતો રોડ.
કાગડાપીઠ ટીથી વાણિજ્ય ભવન થઈ કાંકરિયા તરફ આવતો રોડ.
રાયપુર દરવાજાથી બીગબજારથી પારસી અગિયારી ચાર રસ્તા થઇ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
ગુરુજી બ્રિજથી આવકાર હોલ ચાર રસ્તાથી હીરાભાઈ ટાવરથી ભૈરવનાથ ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો રોડ.
અપવાદ : કાર્યક્રમ સાથે સંકળાયેલાં વાહનો, ફરજમાં રોકાયેલાં સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.આ જાહેરનામાનો અમલ તા.૨૫/૧૨/૨૦૨૪થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી કરવાનો રહેશે.આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.