સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા તો દર્દીઓને તપાસતા, સારવાર, સર્જરી કરતાં દૃશ્યો આપણા માનસપટલ પર અંકિત થયેલા છે, પરંતુ રોબોટથી સારવાર થાય એ સાંભળ્યું છે? અને એ પણ સરકારી હોસ્પિટલમાં!!! આશ્ચર્યચકિત થવાની જરૂર નથી, આ વાત તદ્દન સાચી અને વાસ્તવિક બની ગઈ છે. રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ બની છે.
અમદાવાદ સિવિલ મેડિસિટીની કેન્સર ઇન્સ્ટિટ્યૂટ(GCRI)માં રેડિયેશન થેરાપી માટે સાયબર નાઇફ રોબોટિક્સનો ઉપયોગ કરાય છે. અંદાજે ₹. 38 કરોડના ખર્ચે વસાવેલ આ સાયબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત ટ્યુમરની સાથે સાથે સામાન્ય પ્રકારના 5 (પાંચ) મી.મી. થી 3 સે.મી. સુધીની કદના સામાન્ય ટ્યુમરનું પણ સચોટ અને ન્યૂનતમ આડઅસર રહિત નિદાન કરી શકે છે. મહત્વની બાબત એ પણ છે કે, સરકારી સંસ્થામાં આ પ્રકારની સારવાર આપતું સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે.
અમદાવાદ ખાતે આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની રહી છે. ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લાં ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે GCRI જાણીતું નામ બન્યું છે.