——–
૫૪૦૦ જેટલા શહેરી અને ૫૬૦૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી વાંધા સૂચનો મળ્યાં
——–
રાજય સરકારને મળેલ કુલ રજુઆતો પૈકી ૬૭૦૦ જેટલી પ્રવર્તમાન જંત્રી દર ઓછા કરવાની અને ૧૭૫૫ જેટલી જંત્રી દર વધારવાની મળી
………..
જિલ્લા કક્ષાની સમીતિ દ્વારા ૧૫ દિવસમાં વાંધા- સૂચનોની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ સરકારને રજુ કરાશે
……………………………
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર હિતને ધ્યાને લઇ જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ (rationalisation) કરી, વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી, જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતાં.
આનુસંગિક પરિબળોનું સાપેક્ષ યોગ્ય પૃથ્થકરણ કરી, જરુરી ફેરફાર કરી મળેલ ભાવો ને ધ્યાને લઈ, “શહેરી વિસ્તાર” અને “ગ્રામ્ય વિસ્તાર” માટે જિલ્લાવાર અલગ-અલગ ભાગમાં વિવિધ હેતુઓ માટેના ભાવોથી તૈયાર થયેલ મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા તા.૨૦/૧૧/૨૦૨૪ના રોજ વાંધા-સુચન માટે પ્રસિધ્ધ કરવામાં આવી હતી.
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, શરૂઆતમાં પ્રસિધ્ધ કરેલ જંત્રી બાબતે વાંધા સૂચનો મંગાવવા માટે ૨૦/૧૨/૨૦૨૪ સુધીની અવધિ રાખવામાં આવી હતી. જે જાહેર હિતને ધ્યાને લઇને તા. ૨૦/૦૧/૨૦૨૫ સુધી લંબાવવામાં આવી હતી. વધુમાં ઓનલાઇનની સાથે ઓફલાઇન પણ વાંધા – સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ હતી.
આ બે મહિનામાં રાજ્ય સરકારને કુલ ૧૧,૦૪૬ જેટલા વાંધા સૂચનો મળ્યા છે. જેમાંથી ૫૪૦૦ જેટલા શહેરી વિસ્તારમાંથી જ્યારે ૫૬૦૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે.
વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, જંત્રી દર ઓછા કરવા માટે કુલ ૬૭૫૩ , જંત્રી દર ખુબ જ ઓછા છે તે વધારવા માટે કુલ ૧૭૫૫, સર્વે નંબર ખોટા વેલ્યુઝોનમાં સમાવેશ કરવા ૯૪, સર્વે નંબરનો સમાવેશ જંત્રી માં થયેલ ન હોય તેવી ૨૬૮ અને ૨૧૭૬ જેટલા અન્ય વાંધા – સૂચનોની અરજી રાજ્ય સરકારને મળી છે.
જેમાંથી સૌથી વધારે અમદાવાદ જિલ્લામાંથી ૨,૧૭૯અને સૌથી ઓછી તાપી જિલ્લામાંથી કુલ ૦૭ જેટલી વિવિધ વાંધા-અરજી મળી છે.
હવે આ વાંધા – સૂચનોના નિકાલ માટે જિલ્લા કક્ષાએ નાયબ કલેકટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી દ્વારા મળેલ સૂચનોની પ્રાથમિક ચકાસણી કરીને જિલ્લા કક્ષાની સમીતિમાં આખરી નિર્ણય માટે મોકલવાની કામગીરી હાથ ધરાશે. જે સમગ્ર પ્રક્રિયા ૧૫ દિવસમાં પૂર્ણ કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવશે.