ગુજરાતી લોકસાહિત્યના ખ્યાતનામ કલાકાર ભીખુદાનભાઈ ગઢવીએ લોકડાયરામાંથી સંન્યાસની જાહેરાત છે. પદ્મશ્રીથી સન્માનિત થનાર લોકગાયકે અચાનક લોકડાયરાને રામ રામ કરી દેતા લોકસાહિત્ય રસિકોને મોટો આંચકો લાગ્યો છે. તેમણે આ જાહેરાત આઈશ્રી પીઠડ માના એક કાર્યક્રમમાં કરી હતી, તેમણે આજ પછી ક્યારેય ડાયરો ન કરવાની જાહેરાત કરી છે. લોક ગાયક ભીખુદાન ગઢવીએ સ્ટેજ પરથી જાહેરાત કરતા કહ્યું કે, “આ પીઠડ માંના સાનિધ્યમાં એકવાર પ્રોગ્રામ થઈ જાય પછી, ક્યાંય જીવું ત્યાં સુધી પ્રોગ્રામ કરવા નથી. અહીં આવશું ત્યારે માંના દર્શન કરવા આવીશું, પીઠડ માંના દર્શન કરવા આવીશું, પરંતુ અહીં કે બીજે ક્યાંય પણ પ્રોગ્રામ કરવા નથી.” લોકગાયક ભીખુદાન ગઢવીએ ગુજરાત સિવાય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ લોક સાહિત્યને પહોંચાડવાનું કામ કર્યું છે. પોતાની રસાળ શૈલીથી પ્રસંગ કથા વર્ણનની ખૂબીએ લાખો લોકોના દિલ જીત્યા છે. લોક-સાહિત્યના આ જાણીતા કલાકાર 4 દાયકાથી લોક સાહિત્ય, સંસ્કૃતિ અને પૌરાણિક વાતોને હાસ્યરસ અને માર્મિક ભાષા દ્વારા લોકોને પીરસી રહ્યા છે. લોક સાહિત્ય ક્ષેત્રે પોતાના યોગદાન માટે સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.