રાજકોટમાં હાર્ટએટેકની ઘટનાઓ ઘાતક બની રહી છે. રાજકોટમાં હાર્ટએટેકથી 7 લોકોના મૃત્યુ થયા છે. માત્ર 72 કલાકમાં રાજકોટ શહેર અને જિલ્લામાં હાર્ટએટેકથી 7 લોકોના મૃત્યુ નિપજતા હાહાકાર મચી ગયો છે. શહેરના કોઠારિયા, ગાંધીગ્રામ, શાપર વેરાવળ, વેલનાથપરા સહિતના વિસ્તારોમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા સામે આવ્યા છે. હાર્ટએટેકથી મોટાભાગે 50 થી 60 વર્ષીય લોકોના મૃત્યુ થયા છે.
હાર્ટ એટેકથી 6 પુરુષ અને 1 મહિલાનું મૃત્યુ થયું છે.
મૃતકોના નામ
- બિપીનભાઈ સિદ્ધપુરા, ઉંમર વર્ષ 52
- રિદ્ધિબેન ગંગલાણી, ઉંમર વર્ષ 51
- નારાયણભાઈ ઠુમ્મર, ઉંમર વર્ષ 53
- હરુભાઈ ભૂરીયા, ઉંમર વર્ષ 55
- શૈલેષભાઈ બારૈયા, ઉંમર વર્ષ 35
- બરક્તભાઈ દોભાણી, ઉંમર વર્ષ 56
- રવીન્દ્રભાઇ બહેરા, ઉંમર વર્ષ 54
ઠંડીમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં પણ ઝડપથી વધારો થાય છે. ત્યારે મનમાં પ્રશ્ન ચોક્કસથી થાય કે ઠંડીમાં હાર્ટ એટેક આવવાનું જોખમ શા માટે વધી જાય છે ? તો તમને જણાવી દઈએ કે શિયાળાના કારણે શરીરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. જેના કારણે બ્લડપ્રેશર વધી શકે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. શિયાળા દરમિયાન હાર્ટ પેશન્ટે પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું હાર્ટની હેલ્ધી રાખવા માટે ડાયેટમાં ફળ, લીલા શાકભાજી, નટ્સ અને આખા અનાજનું પ્રમાણ વધારવું. શિયાળા દરમિયાન તરસ ઓછી લાગે છે તેથી લોકો પાણી પીવાનું પણ ઓછું કરે છે. પરંતુ આ ઋતુમાં હેલ્ધી રહેવું હોય તો દિવસ દરમિયાન જરૂરી માત્રામાં પાણી પીતા રહેવું તેના કારણે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી જશે. જે લોકોની લાઈફસ્ટાઈલ દોડધામ ભરેલી હોય અને સતત સ્ટ્રેસ રહેતો હોય તેમણે સ્ટ્રેસ મેનેજમેન્ટ પર ધ્યાન આપવું. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર હાર્ટ પેશન્ટ માટે સ્ટ્રેસ જોખમી છે. શિયાળામાં જરૂરી છે કે તમે ગરમ કપડાં પહેરો. ઘણા લોકો ઠંડીમાં પણ ફેશન માટે ગરમ કપડાં પહેરવાનું ટાળે છે. પરંતુ આમ કરવું તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. ઠંડીમાં હંમેશા આખું શરીર કવર થાય તેવા ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું જોઇએ.
શિયાળામાં વ્યાયામ સૌથી વધારે જરૂરી હોય છે. જો ઠંડીના કારણે તમે બહાર જઈ શકતા ન હોય તો ઘરમાં પણ નિયમિત રીતે ઓછામાં ઓછી 30 મિનિટ કોઈપણ હળવો વર્કઆઉટ કરો. તેનાથી હાર્ટની હેલ્થ સારી રહેશે. ઠંડા વાતાવરણમાં ખાવા-પીવાની આદતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલીક આદતોનું પાલન કરવું જોઈએ. તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ અને દરરોજ યોગા કરવા જોઈએ. શિયાળામાં લોકોને સૂર્યપ્રકાશ ઓછો મળે છે જેના કારણે વિટામિન ડીની ઉણપ થાય છે. વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે, તમારે તમારા આહારમાં પૂરકનો સમાવેશ કરવો જોઇએ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ, બીપી સહિતની દવાઓનો સ્ટોક ખાલી થઈ ગયો છે. દર્દીઓ હોસ્પિટલ કેમ્પસના મેડિકલમાંથી દવા લેવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ દર્દીઓની હાલત કફોડી બની છે. ડાયાબિટીસ માટેની ટેનાલીયિયરટીન ટેબ્લેટ, તાણ આંચકી માટેની લેવીટીરામસિટામ, બ્લડપ્રેશર માટેની સ્પાયરોનોલેક્ટોન, માનસિક બીમારી માટેની અધાથાયોપિન, વિટામિન ડી સીરપ દરદીઓને મળતું નથી. દર્દીઓ બહારના મેડિકલમાંથી દવાઓ ખરીદવા મજબૂર બન્યા છે. અગાઉ પણ થેલેસેમીયા સહિત અનેક ઇન્જેક્શન અને દવાઓને લઈ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી હતી.