દારૂકેસમાં 15 છોકરામાંથી 10 પટેલ સમાજના હોય છે, શું કામ અવળા રસ્તે ચડો છો? શું પતન તરફ જવાનું? : ઉર્વીશા મેંદપરાએ પટેલ સમાજના કાર્યક્રમમાં યુવાવર્ગની સમસ્યા અંગે અને યુવા પેઢીને સ્પષ્ટ વાત કહી દીધી
સુરત
આજે દરેક સમાજની અંદર યુવા પેઢી અલગ અલગ પ્રકારના નશાના રવાડે ચડી રહી છે. વ્યસનના કારણે પોતાનું જીવન તો નરકાગાર કરે છે, પરંતુ તેમની સાથે સાથે તેમના પરિવારનો પણ ધનોતપનોત નીકળી જાય છે. આજે દારૂ, ડ્રગ્સ અને અફીણ જેવા વિવિધ નશા તરફ યુવા વર્ગ આકર્ષાતો જાય છે. આ કોઇ એકમાત્ર સમાજનો પ્રશ્ન નથી, પરંતુ લગભગ તમામ સમાજના યુવાવર્ગની સમસ્યા છે અને તેમની સામે ઊભા થયેલા પડકારોથી ચિંતા વધે છે. સમાજના બુદ્ધિજીવી પ્રબુદ્ધ લોકો સમાજમાં સારા વિચારોનું વાવેતર થાય એવા પ્રયાસો કરી રહ્યા છે, સમાજને સારી દિશા બતાવવાનો પ્રયાસ જે-તે સમાજના લોકો કરે એ પણ સ્વાભાવિક છે. સુરતના સરથાણા વિસ્તારમાં ફરજ બજાવતાં પીએસઆઇ અને પાણીદાર પાટીદાર દીકરી એવા ઉર્વીશા મેંદપરાએ હિંમતવાન બનીને પટેલ સમાજના કાર્યક્રમમાં જ સમાજને અરીસો બતાવી દીધો છે.
સરથાણા વિસ્તારનાં મહિલા પીએસઆઇ અને પાટીદાર દીકરીએ સમાજના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમારા લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય તેમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ પર નીકળીએ છીએ, એટલે કે આટલા કેસ આજે કરવાના છે. દારૂકેસમાં 15 છોકરામાંથી 10 તો પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઇને બહુ દુ:ખ થાય છે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ, તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઇક આવું કહે એટલે વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું કે કોઇપણની ભલામણ આવે… કોઇપણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને છોડવાનો નથી. એક રાત એ અંદર લોકઅપમાં રહેશે તો તેને ખ્યાલ આવશે કે આ વસ્તુ ના કરાય. ખૂબ વિચારવાની વાત છે. અત્યારે સમાજની તમામ વ્યક્તિઓ બેઠી છે એટલે હું કહેવા માગું છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો. તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરોને અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50 ટકા પટેલ સમાજના હોય છે. શું કામ અવળા રસ્તે ચડો છો. પટેલ સમાજે આટલી નામના મેળવી છે. આટલું આગળ વધ્યા છે તો શું કામ પતન તરફ જવાનું. આજુબાજુની વ્યક્તિ પણ અમને કહેતી હોય છે કે સાહેબ, તમારો સમાજ છે. તમારો સમાજ છે. કેટલી શરમ આવે છે, એટલે થોડું વિચારવાની વાત છે.