અમદાવાદ
રાજ્યમાં છેલ્લા ઘણા વખતથી અનેક ઉદ્યોગ-ધંધામાં મંદીનો દૌર ચાલી રહ્યા છે. જેમાં સુરતનો હીરા ઉદ્યોગ, રાજકોટનો મશીનરી ઉદ્યોગ, મોરબીનો સિરામીક ઉદ્યોગનો સમાવેશ થાય છે. હવે મોરબીના પેપર ઉદ્યોગમાં પણ મંદીની મોકાણ શરૂ થઈ છે. 23 જેટલી પેપર મીલો પર ખંભાતી તાળા લાગી ગયા છે. પહેલા મોરબીના લીલાપર રોડ, સરતાનપર રોડ, માળિયા રોડ સહિત અલગ અલગ વિસ્તારમાં 75 જેટલી પેપર મીલો ચાલતી હતી. હવે માત્ર 52 જ પેપર મિલો જ બચી છે. સુરતના હીરા ઉદ્યોગમાં તો ઘણા વખતથી વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો છે. સંખ્યાબંધ હીરાના કારખાના બંધ થઈ ગયા છે, રત્ન કલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. જ્યારે રાજકોટનો મશીનરી ઉદ્યોગ પણ મંદીનો સામનો કરી રહ્યો છે. વેશ્વિક બજારોની નીતિ-રીતિને લીધે મશીનરી ઉધોગ મંદીમાં ધકેલાયો છે. જ્યારે મોરબીનો સિરામિક અને પેપર ઉદ્યોગ પણ મંદીનો સામનો કરી રહ્યો છે. મોરબી શહેર તેના ઉદ્યોગને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતું છે.
મોરબીને એક અલગ ઓળખ મળી હતી તે સિરામિક અને પેપર ઉદ્યોગને મંદીના વાદળોએ ઘેરી લીધો છે. બન્ને ઉદ્યોગના અનેક કારખાના બંધ થઈ ગયા છે. જે ચાલી રહ્યા છે તે પણ ઓછા પ્રોડકશનથી ચાલી રહ્યા છે અને ગમે ત્યારે તેને પણ તાળા વાગી જાય તો નવાઈ નહીં, મોરબીનો સિરામિક ઉદ્યોગના 200 જેટલા કારખાના સદંતર બંધ થઈ ગયા છે. જ્યારે પેપર મીલ ઉદ્યોગ વ્યાપક મંદીમાં ફસાયો છે. છેલ્લા અઢી વર્ષમાં 23 જેટલી પેપર મીલો પર ખંભાતી તાળા લાગી ગયા છે. પહેલા મોરબીના લીલાપર રોડ, સરતાનપર રોડ, માળિયા રોડ સહિત અલગ અલગ વિસ્તારમાં 75 જેટલી પેપર મીલો ચાલતી હતી. પરંતુ હાલ માત્ર 52 જ ચાલુ છે. હાલ જે કારખાના હાલ ચાલી રહ્યા છે તેમાં પણ પ્રોડક્શન પર 30થી 40 ટકાનો કાપ મુકવો પડ્યો છે. તો પ્રોડક્શન ઘટવાથી પડતર કિંમત પણ ઊંચી જતી રહી છે. જેના કારણે વૈશ્વિક બજારમાં મોરબીના પેપર મીલના ઉદ્યોગકારો ટકી શક્તા નથી. ઉદ્યોગકારોએ એવી માગણી કરી છે કે, સરકાર સસ્તા ભાવનો લિગ્નાઈટ કોલસો પૂરો પાડે અથવા વીજ પુરવઠામાં થોડી રાહત આપવામાં આવે, ઉદ્યોગમાં સોલાર સિસ્ટમ ફીટ કરાવે અને ઈમ્પોર્ટ થતાં પેપર વેસ્ટ પર સરકાર ડ્યુટી હટાવી દે તો મોરબીના પેપરમીલ ઉદ્યોગને થોડી હૂંફ મળી શકે તેમ છે.