
જુનાગઢ
જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ઈ મેમોના મુદ્દે બીલખા પોલીસ સ્ટેશનમાં માથાકૂટ કરી જમાદાર પર રોફ જમાવ્યો હોવાનો વિડિયો 12 જાન્યુઆરીએ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ સરપ્રાઈઝ વાહન ચેકિંગ દરમિયાન 28 ડિસેમ્બરે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની કાર ટ્રાફિકને અડચણરૂપ હોય હટાવવાનું કહેતા ડ્રાઈવરે પોલીસ કર્મી પર રોફ જમાવ્યો હતો. જેથી કારનો ઇ-મેમો આપવામાં આવ્યો હતો. જેના પગલે હેમંત ખવાએ બીલખા પોલીસ સ્ટેશન પર પહોંચી માથાકૂટ કરી હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા સાથે ઘર્ષણ કરી ધમકાવ્યા હતા. ‘તમને ડ્રાઇવરે ધારાસભ્યની ગાડી છે તેમ કહ્યું હતું?, અહીં રાખશું, તમે ઓફ ડ્રેસમાં ગાડી રોકી શકો નહિ’ તેમ કહી ધારાસભ્યએ પોલીસ સ્ટેશનમાં બેસીને રોફ જમાવી દમ મારી ઉગ્ર બોલાચાલી કરી હતી. જેનો પોલીસ કર્મીએ વીડિયો ઉતારી લીધો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
દરમ્યાન ધારાસભ્યની કારને ઈ-મેમો આપનારા હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાની ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજાએ ગત તા. 20 જાન્યુઆરીના રોજ સિંગલ ઓર્ડરથી બદલી કરી જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટરમાં મૂકી દીધા હતા. જોકે ધારાસભ્ય ખવાએ જણાવ્યું હતું કે, હું થોડો બદલી કરાવી શકું ? હું તો વિપક્ષનો ધારાસભ્ય છું. હેમંત ખવા, ધારાસભ્ય કહ્યું,”મારી ગાડી સાઈડમાં જ હતી. હેડ કોન્સ્ટેબલ ઓફ ડ્રેસમાં હતા. નિયમો તો એમણે પણ પાળવાનાં હોય અને તે નિયમો પાળે છે કે કેમ તે જોવાની જવાબદારી અમારી હોય છે. બાકી તેની ખાતાકી તપાસ હશે તેમાં બદલી થઈ હશે”. કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ ધારાસભ્યની કારને ઇ-મેમો આપ્યો તેના 15 દિવસ બાદ તેમની બદલી થઈ હતી. બીલખા પોલીસનો મથકમાં 3 વર્ષ પૂરા થતાં જાહેર હિતમાં બદલી થઈ હતી. પરંતુ ઇ-મેમો મામલાની સાથે કંઈ લાગતું વળતું નથી. માત્ર પેટર્ન બનાવી દીધી છે. > એમ. એમ. હિંગોરા, પીએસઆઇ