ગાંધીનગર
ગુજરાતમાં અત્યાર સુધી ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ દ્વારા ફિઝિયોથેરાપીની કોલેજનું સંચાલન કરવામાં આવતું હતું. પરંતુ કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલને સમાવી લેતા સ્ટેટ એલાઈડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરી હોવાથી, કાનુની રીતે ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલને બંધ કરવું પડે તેવી સ્થિતિ હતી. જેના કારણે વિધાનસભામાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવાનું વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં કેન્દ્ર સરકારે “નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેસન્સની” રચના કરેલ છે. આ કમિશનનો હેતુ દેશભરના એલાઈડ અને હેલ્થકેર વ્યવસાયિકોના શિક્ષણ અને સેવાઓના ધોરણોના નિયમન અને દેખરેખ, સંસ્થાઓનું મુલ્યાંકન, સેન્ટ્રલ અને સ્ટેટ રજીસ્ટરની જાળવણી, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિગેરે કરવા માટેનો છે. આ એક્ટ હેઠળ કુલ-56 પ્રકારના એલાઈડ અને પેરામેડીકલ અભ્યાસક્રમોનો સમાવેશ કરીને 10 કેટેગરીમાં વિભાજિત કરાયા છે.
ભારત સરકારના આ કાયદાની કલમ-22ની જોગવાઈ મુજબ દરેક રાજ્યએ સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલની રચના કરવાની થતી હોવાથી ગુજરાત સરકારે પણ તા 26-11-2024ના જાહેરનામાથી “ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલ”ની રચના કરી છે. જેમાં તા.20-12-2024ના જાહેરનામાથી ચેરમેન તથા વિવિધ સભ્યોની પણ નિમણૂંક પણ કરાઇ છે. ભારત સરકારના એક્ટમાં સમાવિષ્ટ કુલ-56 વિવિધ એલાઈડ હેલ્થકેર અભ્યાસક્રમોમાં ફિઝીયોથેરાપી કોર્ષનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાતમાં હાલમાં ઉક્ત 56 અભ્યાસક્રમો પૈકી અંદાજે 30 જેટલા અભ્યાસક્રમો ચાલે છે.
રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલ સ્ટેટ એલાઈડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ દ્વારા ફિઝીયોથેરાપી કાઉન્સિલની તમામ કામગીરી પણ આવરી લેવામાં આવનાર હોવાથી ફિઝીયોથેરાપી કાઉન્સિલની હવે જરૂરીયાત રહેતી નથી તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું જેના પરિણામે આજનું રદ્દ કરવા બાબત વિધેયક ગુજરાત વિધાનસભામાંથી પસાર થતા રાજ્યમાં ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝીયોથેરાપી એક્ટ-2011નો અંત આવશે તેમ ઉમેર્યું હતું. ફિઝીયોથેરાપી કાઉન્સિલના અંતની સાથે કાઉન્સિલમાં કાર્યરત તમામ સ્ટાફને નવી બનાવવામાં આવેલ “ગુજરાત સ્ટેટ એલાઈડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ”માં સમાવી લેવામાં આવશે અને તેઓ આ નવી કાઉન્સિલમાં કાર્ય કરશે.
ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ એક્ટ, 2011 હેઠળની ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી , કાઉન્સીલનું ફંડ સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકારો અને જવાબદારીઓ સાથે સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલને તબદીલ થશે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં હાલ 05 સરકારી તેમજ 68 સ્વ-નિર્ભર મળીને કુલ-73 ફિઝિયોથેરાપી કોલેજો કાર્યરત છે. ફિઝીયોથેરાપી કાઉન્સિલમાં તા. 17-02-2025ની સ્થિતિએ કૂલ 21,668 ફિઝીયોથેરાપીસ્ટોનું રજીસ્ટ્રેશન થયેલ છે.