વોશિંગ્ટન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (૩ માર્ચ) યુક્રેનને આપવામાં આવતી તમામ લશ્કરી સહાય રોકવાનો આદેશ આપ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે ઓવલ ઓફિસમાં થયેલી ઉગ્ર બોલાચાલીના થોડા દિવસો પછી જ આ આદેશ આવ્યો છે. બ્લૂમબર્ગે સંરક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે અમેરિકા યુક્રેનને આપવામાં આવી તમામ લશ્કરી સહાય ત્યાં સુધી રોકી રાખશે જ્યાં સુધી ટ્રમ્પ એ નક્કી કરી લેતા નથી કે ઝેલેન્સકી શાંતિ માટે સદ્ભાવનાથી પ્રતિબદ્ધ છે કે નહીં. ઓવલ ઓફિસમાં યોજાયેલી બેઠકમાં ઝેલેન્સકીએ રશિયા સાથે કોઈપણ શાંતિ કરાર સુનિશ્ચિત કરવા માટે સુરક્ષાની ગેરન્ટીની માંગ કરી હતી. ટ્રમ્પે આ અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે યુક્રેન ત્યારે જ પાછું આવવું જોઈએ જ્યારે તે શાંતિ માટે તૈયાર હોય. આ તંગદિલીભરી બેઠક પછી યુરોપિયન સાથીઓએ ઝડપથી યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવા અને શાંતિ રક્ષકો મોકલવાની યોજના બનાવવાનું શરૂ કર્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચેના ત્રણ વર્ષ લાંબા યુદ્ધનો શક્ય તેટલી વહેલી તકે અંત લાવવા માટે શાંતિ કરાર પર ભાર મૂકી રહ્યા છે. જોકે, ઝેલેન્સકીની સુરક્ષાની માંગણીએ કરારને જટિલ બનાવ્યો છે. ટ્રમ્પે પહેલાથી જ જાહેરાત કરી દીધી હતી કે શાંતિ કરાર પ્રક્રિયા આગળ વધે ત્યાં સુધી અમેરિકા તરફથી કોઈ સહાય પૂરી પાડવામાં આવશે નહીં. ટ્રમ્પના આદેશથી લશ્કરી સહાય પર કેટલી અસર પડશે તે હજુ સ્પષ્ટ નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર અનિશ્ચિત છે કે અગાઉના વહીવટીતંત્ર પાસેથી બચેલા 3.85 બિલિયન ડોલરના ભંડોળનો ઉપયોગ યુક્રેન માટે કરવામાં આવશે કે કેમ. આ અવરોધને કારણે અગાઉના સુનિશ્ચિત કરારો અને શસ્ત્રોની ડિલિવરી પણ જોખમમાં મુકાઈ છે જેમાં મહત્વપૂર્ણ યુદ્ધ સામગ્રી અને એન્ટી ટેન્ક હથિયારો પણ સામેલ છે. અમેરિકાનો આ નિર્ણય યુક્રેનને આર્થિક સહાય બંધ કરવા કરતાં વધુ છે. તે પહેલાથી જ પહોંચાડવામાં આવી રહેલી મહત્વપૂર્ણ લશ્કરી સહાયને પણ જોખમમાં મૂકે છે. આ ઉપરાંત અમેરિકા અને યુક્રેન વચ્ચે એક કરાર થવાનો હતો જે હેઠળ અમેરિકાને યુક્રેનના કુદરતી સંસાધનોમાંથી ભવિષ્યની આવકનો મોટો હિસ્સો મળવાનો હતો. જોકે, શુક્રવારની બેઠક પછી કરાર તૂટી રહ્યો હોય તેવું લાગતું હતું.