ગાંધીનગર
ગુજરાત રાજયની શાળાઓમાં ધોરણ 1થી 5 માં ટેટ-1 પાસ શિક્ષક ભરતીમાં જગ્યા વધારવાની માગ સાથે વધુ એક વખત આજે ગાંધીનગર જીવરાજ મહેતા ભવન ખાતે ઉમેદવારોએ ભારે સૂત્રોચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા વખતથી ઉમેદવારો જગ્યા વધારાની માગ સાથે સરકારમાં રજૂઆત કરતા આવ્યાં છે. જો કે, આજદિન સુધી માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ નહીં આવતાં ઉમેદવારો વિરોધ કરવા ઉમટ્યાં હતા. આ દરમિયાન પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોને ડીટેઇન કરી લીધા હતા. આ વચ્ચે એક ઉમેદવારની તબિયત લથડી જતાં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો.
વિરોધ કરી રહેલા ટેટ-1 પાસ ઉમેદવારે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં માત્ર 7 હજાર જેટલી જ ભરતી કરી છે. મોટી ભરતીની માત્ર વાતો જ થાય છે. 21 હજાર જેટલી જગ્યાઓ ખાલી હોવા છતાં સરકાર માત્ર 5 હજારની જ ભરતી કરી રહી છે. જગ્યાઓ ખાલી છે તો જ્ઞાન સહાયકની કેમ ભરતી કરો છો? અમને તો જ્ઞાન સહાયકમાં પણ નથી લીધા અને અમારી કાયમી ભરતી પણ નથી કરતા ત્યારે અમારે ક્યાં જઉં? સુરતથી આવેલા રેખાબેને જણાવ્યું કે, મે મારા પુત્રને PTC કરાવ્યું છે. હું મારા છોકરાના હક માટે આવી છું.
પ્રજ્ઞનેસે જણાવ્યું કે, હું 1થી5નો ટેટ પાસ ઉમેદવાર છું. અમે છેલ્લા 10 વર્ષથી સૌથી મોટી ભરતી આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. અત્યારે 21 હજારની જગ્યા ખાલી છે તેની સામે માત્ર 5 હજારની ભરતીની જાહેરાત કરાઈ છે. ત્યારે અમારી એ માગ છે કે, ઓછામાં ઓછી 10 હજારથી 12 હજારની ભરતી કરવામાં આવે.
ઉમેદવારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, લાયક ઉમેદવારો નોકરી માટે વર્ષો સુધી રાહ જુએ છે. આ શું ખરેખર ન્યાયસંગત છે? દેશમાં શિક્ષણની ગુણવત્તા વધે માટે ધોરણ 1 થી 5 માં ભરતી માટે વધુ જગ્યાઓ વધારો કરવામાં આવે. હાલની ભરતી પ્રક્રિયામાં ધોરણ 1 થી 5 માટે માત્ર 5000 જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે.
RTI માહિતી અનુસાર 31/05/2025 સુધીમાં કુલ 21,354 જગ્યાઓ ખાલી રહેશે. તેમજ 31/05/2025 સુધીમાં 3,374 શિક્ષકો નિવૃત્ત થશે. જેના કારણે ખાલી જગ્યાઓનો આંકડો વધુ વધી જશે. આ સંજોગોમાં માત્ર 5000 જગ્યાની ભરતી પૂરતી નથી અને તે વધારવી અત્યંત જરૂરી છે. વધુમાં, 31/07/2024 સુધીમાં 16,181 જગ્યાઓ ખાલી રહેશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, 31/10/2024 સુધીમાં 1,799 શિક્ષકો નિવૃત્ત થશે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે TET 1 ઉમેદવારો માટે પૂરતી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.
મહત્ત્વ નું છે કે, TET-1 પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે, અને તેને પાસ કરવા માટે ઉમેદવારો ભારે મહેનત કરે છે. ધોરણ 1 થી 5માં કોઈ વિષય વાર પદ્ધતિ અમલમાં નથી તો પ્રોવિઝનલ મેરિટમાં સમાવેશ ઉમેદવારોને જગ્યા વધારો કરીને સમાવિષ્ઠ કરવામાં આવે.
આ વર્ષની ભરતીમાં ચાલુ નોકરી કરી રહેલ ઉમેદવારો એ ફોર્મ ભરેલ છે, જે બોન્ડની રકમ ભરીને વતનના મોહમાં જગ્યા બગાડવા માટે તૈયાર છે. તો ઉમેદવારોને આમ પણ જગ્યાની ઘટ વર્તાશે. અન્ય ડીગ્રીવાળાને જ્ઞાન સહાયક, શાળા સહાયક બધામાં ઓછા પગારની પણ તક છે. પરંતુ PTC વાળા માટે આવી કોઈ તક નથી.
વર્ષ 2023માં લેવાયેલી TET 1 પરીક્ષામાં માત્ર 3% ઉમેદવારો પાસ થયા હતા, જે દર્શાવે છે કે પાસ થનાર ઉમેદવારોની સંખ્યા ખૂબ ઓછી છે કેમ કે પરીક્ષા ખુબ અઘરી હોય છે. વર્ષ 2011 થી 2023 સુધી TET-1ની માર્કશીટ વેલીડીટીનું આ છેલ્લુ વર્ષ છે. ત્યારબાદ પરિપત્ર મુજબ નવી શિક્ષણનીતિ મુજબ પરીક્ષા લેવાશે, જેમાં અમો ઉમેદવારો લાયક નહીં રહીએ. આ છેલ્લી તક છે. ઘણા ઉમેદવારો ઉંમર મર્યાદાને પહોંચી ગયા છે, વય મર્યાદાને લીધે ભવિષ્યમાં તેઓ ઉમેદવારીને પાત્ર નહિ રહે. જેથી આ ભરતી તેમના માટે છેલ્લી તક બની શકે છે.
RTI અનુસાર ઘણી જગ્યાઓ ખાલી છે, તેથી ભરતીમાં પૂરતી જગ્યા વધારો જરુરી છે. TET-1 પાસ થયેલા ઉમેદવારોને ન્યાય આપવા માટે, આ ભરતીમાં જગ્યા વધારો કરવાની તાતી જરૂરિયાત છે. આ ન્યાયસંગત માંગણી પર શાસન દ્વારા યથાશીઘ્ર અનુકૂળ નિર્ણય લેવામાં આવે તેવી અમારી માગ છે.
ઉમેદવારોની મુખ્ય માંગણીઓ
- RTI દ્વારા ખુલાસો થયેલી ખાલી જગ્યાઓને ધ્યાને લઈ, ધોરણ 1 થી 5 માટે પુરતી સંખ્યામાં ભરતી કરવામાં આવે
- RTIના આંકડાઓના આધારે ભરતીની સંખ્યા ફરીથી નક્કી કરવામાં આવે.
- પ્રોવિઝનલ મેરીટ અને જગ્યા વધારાને કોઈ સબંધ નથી, એટલે જગ્યા ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે.
- જગ્યા વધારો કરી તબક્કાવાર ક્રમિક ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે.
- શિક્ષક-વિદ્યાર્થી ગાળાની (Ratio) જાળવણી: નવી નીતિ મુજબ, શિક્ષક-વિદ્યાર્થી ગાળો 1:40 હોવું જોઈએ, જ્યારે પછાત વિસ્તારોમાં તે 1:29 છે. ગુણવત્તાસભર શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે, આ બાબતને ધ્યાનમાં રાખી જગ્યા વધારો અનિવાર્ય છે.