આ વર્ષે ગુજરાતમાં માર્ચ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આજે (11 માર્ચ, 2025) સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને પોરબંદર એમ 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. તો 5 જિલ્લામાં વોર્મ નાઇટનું એલર્ટ અને 19 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 12 માર્ચે કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ છે. આમ આ સ્થિતિ જોતા એમ લાગે છે કે આ ગરમી રાત્રે સૂવા નહીં દે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યનાં મોટાભાગનાં સેન્ટરોમાં છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે ગયો નથી. અમદાવાદ શહેરમાં પડી રહેલી આકરી ગરમીના કારણે કોર્પોરેશને પણ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તો સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી માટે બેલ વગાડવામાં આવશે. આ સાથે શહેરોના ટ્રાફિક સિગ્નલ સવારે 11થી સાંજે 5 સુધી બંધ રહેશે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એેન્ટિ સાઈક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસરથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આકરી ગરમી શરૂ થઈ છે. આ બંને સિસ્ટમની અસરથી હીટવેવનું મોજું ફરી વળતાં આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં 16 દિવસ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો છે. સોમવારે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું હતું. આજે રેડ એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન ભુજ શહેરમાં નોંધાયું હતું. માર્ચથી જ ગરમીનો પ્રકોપ ચાલુ થઈ જતાં તેની અસરો ખાળવા માટે મ્યનિ.એ હીટ એક્શન પ્લાન જાહેર કર્યો છે. એપ્રિલથી જૂન દરમિયાન શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી ઉપર ગયું હોય તેવા છેલ્લાં 25 વર્ષમાં 290 દિવસ રહ્યા છે. જેમાં 2024માં 19 દિવસ ગરમીનો પારો 43 ડિગ્રીથી ઉપર રહ્યો હતો. જ્યારે 2024માં 13 દિવસ તો રેડ એલર્ટ જાહેર કરાયું હતું. શહેરમાં ગરમી વધતાં મૃત્યુનું પ્રમાણ પણ વધે છે. ગત એપ્રિલમાં 5014 વ્યક્તિના મૃત્યુ સામે મેમાં 5306 અને જૂનમાં 5292 મૃત્યુ નોંધાયા હતા. એટલે કે મૃત્યુનું પ્રમાણ પણ વધે છે. જૂનમાં છેલ્લાં 25 વર્ષમાં મૃત્યુનું પ્રમાણ વધુ હતું.