રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર દર્દીઓ સાથે લુખ્ખાગીરી કરે છે આવું જાણીતા હાસ્યકલાકાર હકાભા ગઢવીએ વીડિયો જાહેર કરી કહ્યું છે. હકીકતમાં તેમની બહેનનો અકસ્માત થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં તેમને કડવો અનુભવ થયો હતો. જોકે હાલ તો સિવિલના સતાધીશોએ હકાભાનાં બહેન પહેલા અન્ય દર્દીનું સિટીસ્કેન ચાલુ હોવાને લઇ વધુ સમય લાગ્યો હોવાનો લુલો બચાવ કર્યો છે. ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા ક્યારે અને શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી વિશે હકાભા ગઢવીએ વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મોડા આવે છે અને દર્દીને પરેશાન કરે છે. લુખ્ખાગીરી કરતાં હોય તેવું વર્તન દર્દીઓ સાથે કરે છે. ગુજરાત સરકારની છબિ ખરડાય તેવી કામગીરી સિવિલ હોસ્પિટલ કરી રહી છે. તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી. મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બન્યા. એક સારો અને બીજો ખરાબ. આ 12-15 દિવસમાં મને સારો અનુભવ ગુજરાત પોલીસનો થયો. ખરાબ અનુભવ થયો મને સિવિલ હોસ્પિટલ રાજકોટનો. મારા બેન છે એ ગરીબ પરિવારના છે ગૌશાળામાં નોકરી કરે છે. તેઓ આખો પરિવાર રાજકોટથી હળવદ માતાજીના દર્શન કરવા માટે ચાલતાં-ચાલતાં જતા હતા. આ દરમિયાન વહેલી સવારે મારા બેનને એક ગાડીવાળો ટક્કર મારી જતો રહ્યો. તેમને માથામાં હેમરેજ થઈ ગયું. લોહી બહું નીકળી ગયું હતું. એ લોકો સીધા લઈ ગયા મોરબી સિવિલમાં ત્યાંથી રાજકોટ સિવિલમાં રિફર કરાયા. કલાક-બે કલાક ત્યાં બગડ્યા. લોહી બહુ નીકળતા ટાંકા લેવા પડ્યા. પછી સિવિલ હોસ્પિટલ રાજકોટ લાવ્યા. હું પણ ત્યાં પહોંચી ગયો. સાહેબ મને એવો ખરાબ અનુભવ થયો છે. સરકાર પુરુ ધ્યાન આપે છે પણ હોસ્પિટલવાળા કંઈ ધ્યાન આપતા નથી. જેટલી પ્રાઇવેટમાં છે તેટલી સિવિલ હોસ્પિટલમાં સુવિધા છે. પણ કોઇએ ધ્યાન આપ્યું નથી. 5 કલાકે સિટી સ્કેન થયો છે. 5 કલાકમાં માણસ મરી જાય. 10-12 ખાટલાની લાઇન છે. ત્યાં સીસીટીવી કેમેરા છે તમે ચેક કરી શકો છો. મેં કહ્યું આમને ફટાફટ લઇ લો. પણ એક લુખ્ખો વાત કરતો હોય તેમ એ ડોક્ટર મારી જોડે વાત કરતો હતો. વારો આવે તેમ આવે એમ ના આવે. આમ બેસી જાવ સાઇડમાં. મેં કહ્યું કે હુ હકાભા ગઢવી છું, કલાકાર છું. મારી જેવા માણસ જોડે તમે આવું વર્તન કરો છો તો નાના માણસ જોડે શું વર્તન કરતા હશો. હું એમ નથી કહેતો કે મારો વારો પહેલાં લઇ લો પણ આમા સિરિયસ કોણ છે એનો નંબર પહેલાં લઈ લો. કંઇ નહીં 5 કલાકે તો સિટી સ્કેન થયું અને 3 કલાકે તો મગજનો ડોક્ટર આવે છે. એટલે સરકાર અને આરોગ્ય મંત્રીને કહું છું કે તમે આમાં ચોક્કસ ધ્યાન આપજો. અહીં સિવિલ હોસ્પિટલ રાજકોટ પર. તેની પર ગરીબ માણસ નભે છે. એવું હોય તો ત્યાં તમે કોઇ ત્યાં તમારા માણસને સારવાર માટે મોકલો એટલે તમને ખબર પડી જાય. એટલી બેકાર સર્વિસ છે કે મેં એક મંત્રીને પણ ફોન કર્યો હતો. એ મંત્રીનું પણ આ લોકોએ માન રાખ્યું નથી. કોઇએ ધ્યાન આપ્યું નહીં. મારી જોડે સારા-સારા માણસો પણ હતા. હું મીડિયાને કહું છું કે તમે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાવ અને એક-એક દર્દીને પૂછો કે ત્યાં શું હાલત છે. સરકાર દવા આપે છે, સુવિધા આપે છે પણ ડોક્ટરો કોઇ સુવિધા આપતા નથી. આ મારો કડવામાં કડવો અનુભવ છે. હું મારી બેનને પ્રાઇવેટમાં લઈ જઇશ પણ નાના માણસો ક્યાં જશે? એનો મતલબ શું નાના માણસોએ હોસ્પિટલમાં મરી જવાનું છે. આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે ત્યાં. હકાભા નામ છે આટલી ઓળખાણ છે તો પણ મારું કામ ના થયું તો નાના માણસનું શું થતું હશે. કદાચ સરકારને ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે. જે સુવિધા હોય તે તો સરકાર આપી દે છે પણ સામે કામ કરવાવાળા તો હોવા જોઇએ ને. ત્યાં કામ કરવાવાળો એક પણ ડોક્ટર હાજર નહોતો. મગજના ડોક્ટરની જરૂર હોય તો બે-અઢી કલાકે આવે છે. સરકારને વિનંતી છે કે આમાં ચોક્કલ નોંધ લે. રાજકોટ સિવિલ હોસ્પિટલ આપણા ગુજરાતનું નાક કહેવાય. નાના માણસો મરે છે. ચોક્કસ ધ્યાન આપજો. આ તો હું ગયો તો મને ખબર પડી કે આતો આવું બધું ચાલે છે. મારી બેન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. મારી બેન માતાજીની દયાથી બચી ગઈ છે. હજુ ભાનમાં નથી આવ્યા. પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી. એમને ઓછા પૈસા લીધા. અડધા પૈસામાં દવા કરી દીધી. એ નહીં સારા.
હકાભા ગઢવી દ્વારા સિવિલ હોસ્પિટલ પર કરવામાં આવેલ આક્ષેપનો મામલે સિવિલ હોસ્પિટલના તબીબ હિરલ હાપાણીએ જણાવ્યું હતું કે, દર્દી 25 ફેબ્રુઆરીના સવારે 11.20 વાગ્યા આસપાસ આવ્યું હતું. ટ્રોમાના કારણે બ્રેનનું સીટી સ્કેન કરવાનું હતું. આ દર્દી જ્યારે હોસ્પિટલ ખાતે આવ્યું ત્યારે અન્ય દર્દીનું સિટી સ્કેન ચાલી રહ્યું હતું. 11:50 આસપાસ દર્દીનું સીટી સ્કેન શરૂ કરાયું હતું. સીટી સ્કેન દરમિયાન દર્દી હલતું હોવાના કારણે એનેસ્થેસિયા આપવાની ફરજ પડી હતી. જેને કારણે 12:15 કલાક આસપાસ દર્દીનું સીટી સ્કેન ફરીથી શરૂ કરાયું હતું. દર્દીને માત્ર 20થી 25 મિનિટ રાહ જોવી પડી હતી.
ઈન્ચાર્જ સિવિલ અધિક્ષક રાહુલ ગંભીરે જણાવ્યું હતું કે, હકાભાનાં બહેનના સિટીસ્કેન સમયે અન્ય પેશન્ટનું સિટીસ્કેન ચાલુ હતું. ત્યારબાદ તેમના બહેન હલતા હોવાથી બેભાન કરવા એનેસ્થેસિયા પણ આપવું પડ્યું હતું. બંને બાબતોના કારણે તેમના પેશન્ટનાં સિટીસ્કેનમાં વધુ સમય લાગ્યો હતો. સામાન્ય રીતે કોઈપણ દર્દીના સિટીસ્કેનમાં 10 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. પરંતુ આ દર્દીના સિટીસ્કેનમાં આગળ એક દર્દી હોવાથી અને દર્દીને એનેસ્થેસિયા આપવો પડ્યો હોવાથી વધારે સમય લાગ્યો હતો. ઇમરજન્સી હોય તેવા દર્દીનું સિટીસ્કેન કરવા જરૂર પડ્યે ડોક્ટર પણ સાથે જતા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજકોટની સિવિલ હોસ્પિટલ અગાઉ અનેકવાર જુદા-જુદા વિવાદોમાં આવી ચૂકી છે. અનેકવાર દવાઓ અને ઈન્જેક્શનોની અછત અને થેલેસેમિયા દર્દીઓ માટે રક્તની અછત જેવી બાબતે હોસ્પિટલ સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ઉંદર અને વંદાનાં ત્રાસની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે હવે જાણીતા હાસ્ય કલાકારે ખુદ પોતાની બહેનના ઈલાજ દરમિયાન થયેલી બેદરકારી અંગે વિગતો જાહેર કરી છે. જેને લઈ ફરી એકવાર સિવિલ હોસ્પિટલની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. જોકે હાલ તો સતાધીશોએ હકાભાનાં બહેન પહેલા અન્ય દર્દીનું સિટીસ્કેન ચાલુ હોવાને લઇ વધુ સમય લાગ્યો હોવાનો લુલો બચાવ કર્યો છે. ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા ક્યારે અને શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.