• કેગનાં અહેવાલ મુજબ ૨૦૦૪ થી ૨૦૨૩ દરમિયાન IKDRC કિડની હોસ્પિટલમાં ૨૯૭ બેકડોર ભરતી કોઈ પણ પ્રકાર ની જાહેરાત કે પરીક્ષા વગર કરી દેવા માં આવી છે, જ્યારે ડોકટર અધ્યાપન અધિકારી અને શિક્ષક જેવી ભરતી માં ૫૮ પૈકી ૩૪ને વગર જાહેરાતે નોકરી પધરાવી દેવામાં આવી.
• IKDRC કિડની હોસ્પિટલ માં ૧૨ નિવૃત સરકારી અધિકારીઓ ને કોન્ટ્રાક્ટ આધારે મુખ્યમંત્રીની મંજૂરી વગર ઊંચા પગારે નોકરી પધરાવી દેવા માં આવી છે
• ૨૦ વર્ષે MBBS પૂરુ કરનાર ડૉ. વિરેન ત્રિવેદી ૨૪ કલાકમાં રેસીડન્ટ મેડીકલ ઓફીસર (RMO)બનાવ્યા હોય તેવો કદાચ પહેલો કિસ્સો!
• ડૉ.ઉમંગ ઠક્કર જેમની પાસે અનુસ્નાતક ડીગ્રી ન હોવા છતાં નેશનલ મેડિકલ કાઉન્સિલ ના નિયમ વિરુદ્ધ એસોસિયેટ પ્રોફેસર બનાવી દેવા માં આવ્યા છે : કેગ અહેવાલ
અમદાવાદ
રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયા એ જણાવ્યું હતુ કે ગુજરાત રાજ્યનુ આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચાર અને ગેરરીતિનાં મામલે અવ્વ્લ આવવા માટેના નિરંતર પ્રયત્નો કરી રહ્યુ છે વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૩ સુધી ના ગાળા નો કેગ અહેવાલ માં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરટીઆઈના માધ્યમ થી મેળવેલ અહેવાલ દર્શાવે છે કે વર્ષ ૨૦૦૪ થી ૨૦૨૩ દરમિયાન IKDRC કિડની હોસ્પિટલમાં ૨૯૭ ભરતી કોઈ પણ પ્રકાર ની જાહેરાત કે પરીક્ષા વગર કરી દેવા માં આવી છે, જ્યારે ડોકટર અધ્યાપન અધિકારી અને શિક્ષક જેવી ભરતી માં ૫૮ પૈકી ૩૪ ની ભરતી કોઈ પ્રકાર ની જાહેરાત આપવા આવી નથી કે પરીક્ષા લેવામાં આવી નથી. IKDRC કિડની હોસ્પિટલમાં ૧૮૪૦ જેટલી નિયમિત ભરતી પૈકી માત્ર ૪૫૧ નિયમિત જગ્યા ભરવામાં આવી છે. કેગના અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૨ થી વર્ષ ૨૦૨૩ સુધી માં ૧૯૨ લોકો ની બારોબાર ભરતી કરી દેવા માં આવી છે. વર્ગ-૧માં ૧૯, વર્ગ-૨માં ૨૦, વર્ગ-૩માં ૧૪૬ અને વર્ગ-૪ માં ૭ લોકો ને હોસ્પિટલ એ પોતાની વ્યવસ્થા થી નોકરી લગાડી દીધા છે. IKDRC કિડની હોસ્પિટલમાં ૧૨ નિવૃત સરકારી અધિકારીઓ ને કોન્ટ્રાક્ટ આધારે મુખ્યમંત્રીની મંજૂરી વગર ઊંચા પગારે નોકરી પધરાવી દેવામાં આવી છે તેવું કેગનું અવલોકન છે. કિડની હોસ્પિટલ માં લાગતા વળગતા અને સગાવાદ માં નોકરી આપવા ના કિસ્સા સામે આવ્યા છે.
કેગ નું અવલોકન છે વિરેન ત્રિવેદી જેમને ખોટી રીતે પબ્લિક રિલેશન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યાર બાદ વિરેન ત્રિવેદી જેમને ૨૦ વર્ષ એ MBBS પૂર્ણ કરનાર ને માત્ર ૨૪ કલાક માં રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે નિમણૂક આપવા માં આવી છે. વિરેન ત્રિવેદી જેમને ૧૯૭૯ માં MBBS માં એડમિશન લીધેલ હતું તેમની મેડિકલ શિક્ષણ ની ઇન્ટર્નશિપ ૩૧ ઓક્ટોબર ૨૦૦૩ માં પૂર્ણ કરેલ તેમને ૧ નવેમ્બર ૨૦૦૩ ના દિવસે રેસીડન્ટ મેડિકલ ઓફિસર(RMO) તરીકે નિમણૂક મેળવી લીધી. કેગ અહેવાલ ના અવલોકન મુજબ વિરેન ત્રિવેદી ની ભરતી સંપૂર્ણ ગેરરીતિ થી કરવા માં આવી છે. વિરેન ત્રિવેદી દ્વારા જુલાઈ ૨૦૧૫ થી ૨૦૨૩ સુધી માં રિસર્ચ એકેડેમિક એલાઉન્સ જે તેમને મળવા પાત્ર નહોતું છતાં ૯.૪૦ લાખ ખિસ્સા માં સેરવી લીધા. વિરેન ત્રિવેદી ના નિવૃતિ બાદ ફરી પછી તેમની ઊંચા પગારે કોન્ટ્રાક્ટ ઉપર નિમણૂક આપવા આવી તેની મંજૂરી લેવામાં નથી આવી, તે રીતે ભરતી ગેરલાયક કરવા માં આવી છે.
યઝદી વાડિયા નામ ના વ્યક્તિ ની લાયકાત ના હોવા છતાં ખોટી રીતે નિમણૂક અને બઢતી આપી દેવા માં આવી. યઝદી વાડિયા જે ૧૨ પાસ અને રેડિયો મેકેનિક ઇલેક્ટ્રોનિક રેડિયો નું સર્ટીફીકેટ ધરાવે છે તેની સરકાર ની મંજૂરી વિના સિસ્ટમ મેનેજર બનાવી દીધા. સિસ્ટમ મેનેજર માટે લઘુતમ લાયકાત એન્જિનિયર હોવી જોઈએ. લઘુત્તમ લાયકાત ના હોવા છતાં આસિસ્ટન્ટ પ્રોફેસર ના પે સ્કેલ નો પગાર ચૂકવ્યો છે જે સરકારી પૈસા ના દુરુપયોગ છે. સરકાર ના નિયમ વિરુધ્ધ નિમણૂક અને બઢતી IKDRC માં આપી દેવા આવી છે. કેગ નું અવલોકન છે કે પૂરતા પુરાવા વગર રિસર્ચ એકેડેમિક એલાઉન્સ ના નામે ૧૨.૯૧ કરોડ રૂપિયા કિડની વિભાગ ના ફેકલ્ટી અને મેડિકલ ઓફિસરો એ ખેરવી લીધા છે.
કેગ ના ચોંકાવનારો ખુલાસો છે કે ડોક્ટર પ્રાંજલ મોદી જે કીડની હોસ્પિટલ ના ડિરેક્ટર છે તેમને ખોટી રીતે બઢતી આપવા આવી છે. પ્રાંજલ મોદી સાથે અન્ય ડોકટરો વૈભવ સુતરીયા, રાજકીરણ શાહ, દિવેશ એન્જિનિયર અને ઉમંગ ઠક્કર ને નેશનલ મેડિકલ કાઉન્સિલ ના નિયમ વિરુદ્ધ બઢતી આપવામાં આવી છે. ડોક્ટર ઉમંગ ઠક્કર જેમની પાસે અનુસ્નાતક ડીગ્રી ન હોવા છતાં નેશનલ મેડિકલ કાઉન્સિલ ના નિયમ વિરુદ્ધ એસોસિયેટ પ્રોફેસર બનાવી દેવા માં આવ્યા છે. સરકારના આરોગ્ય વિભાગ માં ભરતી – બઢતી કોભાંડ ના પર્દાફાશ કેગ ના રિપોર્ટ માં થયો છે. ગુજરાત માં લાખો યુવાનો બેરોજગારી નો માર સહન કરી રહ્યા હોય ત્યારે IKRDC કીડની હોસ્પિટલ દ્વારા લાગતા વળગતા ને વગર જાહેરાત અને પરીક્ષા વગર બારોબાર પાછલા બારણે થી નોકરી પધરાવી દીધી. આરોગ્ય વિભાગ માં ચાલતી ગેરરીતિ, કૌભાંડો ઉપર આરોગ્યમંત્રી ક્યારે પગલાં લેશે તે સવાલ થાય છે. સરકારના નાક નીચે વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર બનાવવા ની પ્રક્રિયા નું ઉત્તમ ઉદાહરણ છે.