અમદાવાદ
રાજ્યમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન ગરમીનું તાંડવ સહન કર્યા બાદ લોકોને આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે આજે કચ્છ,પોરબંદર,રાજકોટ અને સાબરકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જો કે, આવતીકાલથી રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળશે. પવનની દિશા પલટાતા રાજ્યનું તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે. આજે કચ્છ, પોરબંદર, રાજકોટ અને સાબરકાંઠા આ ચાર જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર ગુજરાત ઉપર આવતા પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો આવશે. હાલમાં ગુજરાત ઉપર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. જેથી તાપમાનમાં ઘટાડો આવશે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓની મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ કે તેનાથી ઓછું રહેવાની શક્યતાઓ છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન ધીમે ધીમે બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવતા અતિશય ગરમીથી રાહત મળશે. અમદાવાદ શહેરમાં આજે વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
12 માર્ચે મહત્વના સેન્ટર પર નોંધાયેલું મહત્તમ તાપમાન વિષે જણાવીએ, અમદાવાદ 40.7 ડિગ્રી , અમરેલી 41 ડિગ્રી, વડોદરા 40 ડિગ્રી, ભાવનગર 37.8 ડિગ્રી, ભુજ 40.2 ડિગ્રી, ડીસા 40.2 ડિગ્રી, દ્વારકા 32.8 ડિગ્રી, ગાંધીનગર 40.6 ડિગ્રી, જામનગર 38.4 ડિગ્રી, કંડલા 39 ડિગ્રી, નલિયા 39 ડિગ્રી, પોરબંદર 40.8 ડિગ્રી, રાજકોટ 42.1 ડિગ્રી, સુરત 38.5 ડિગ્રી અને વેરાવળ 32 ડિગ્રી નોંધાયું.
રાજકોટ શહેર-જિલ્લામાં ઉનાળાનાં પ્રારંભે ભારે ગરમીને લઈ લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આગામી 2 દિવસ હજુ પણ તાપમાનનો પારો વધવાની શક્યતા હોય રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનનો પારો વધતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. તેમજ શાળાઓનાં ગ્રાઉન્ડમાં શેડ બાંધવા અને ORS કોર્નર ઉભા કરવા અને પાણીની વ્યવસ્થા કરવા ઉપરાંત લોકોને પણ જરૂરી કામ સિવાય બપોરનાં સમયે ઘરની બહાર ન જવા જિલ્લાનાં આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. તો સાથે જ હીટ સ્ટ્રોક જેવા લક્ષણો જણાય તો તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું છે.
રાજકોટના અધિક જિલ્લા કલેકટર એ. કે. ગૌતમ દ્વારા હિટવેવથી બચવા માટે સામાન્ય લોકો માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હવાની અવરજવરવાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહેવું જોઈએ તો સીધો સૂર્ય પ્રકાશ અને ગરમીના તરંગોને અવરોધિત કરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે બપોરે 12 કલાકથી બપોરે 3 કલાકની વચ્ચે સખત પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ તો આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંકસ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ અંગે કોઇપણ તકલીફ જણાય તો 108 ઇમરજન્સી અથવા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર રાજકોટના ફોન નં.0281- 2471573 તથા ટોલ ફ્રી નં. 1077 પર સંપર્ક કરી શકાશે.
શહેરની તમામ હોસ્પિટલો, શહેરી આરોગ્ય કેન્દ્રો/શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રો, સ્મીમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તથા મસ્કતિ હોસ્પિટલને હીટવેવ મેનેજમેન્ટ અંગેની માર્ગદર્શિકા આપવામાં આવેલ છે તથા નેશનલ પ્રોગ્રામ ઓન કલાઈમેટ ચેન્જ એન્ડ હુમન હેલ્થ (NPCCHH) અંતર્ગત ઇન્ટીગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP)માં હીટ-સંબંધિત બીમારી (HRI) અને મરણનું દૈનિક રીપોર્ટીંગ કરવા જણાવવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ ODD પર હીટ-સંબંધિત બીમારી (HRI)ની IEC કરવામાં આવેલ છે. હોર્ડિંગ્સ, બેનર, પત્રિકાનું વિતરણ, ટીવી સ્ક્રોલ વગેરે દ્વારા હીટ-સંબંધિત બીમારી (HRI)ની IEC કરવામાં આવ્યું છે.તમામ શહેરી આરોગ્ય કેન્દ્રો/શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રો પર LED ડિસ્પ્લે યુનિટ પીઆર વીડિયો અને PPT દ્વારા તથા ORS કોર્નર બનાવી નાગરિકોને હીટ-સંબંધિત બીમારી (HRI) વિશે માહિતગાર કરવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાએથી મોકલવામાં આવતા હીટવેવ ને લગતા એલર્ટ મુજબ લોકોને સાવધ રહેવા માટે જણાવવામાં આવે છે.