જેલમાં સજા ભોગવતા કેદીઓ માહિતીના અભાવે કાનૂની સલાહ અને સહાય મેળવવાના અધિકારથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કાનૂની સેવા સત્તામંડળના માધ્યમથી નિઃશુલ્ક ધોરણે કાનૂની સલાહ અને સહાય પૂરી પાડવામાં આવતી હોવાનું રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ. વિધાનસભામાં પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડોદરા મધ્યસ્થ જેલના કુલ ૧,૩૦૪ કેદીઓને કાયદાકીય સલાહ આપવામાં આવી છે. જેમાં કાચા કામના ૭૭૪ પુરૂષ, ૩૭૧ મહિલા મળીને કુલ ૧,૧૪૫ તથા પાકા કામના ૯૦ પુરૂષ, ૬૯ મહિલા મળીને કુલ ૧૫૯ કેદીઓને કાયદાકીય સલાહ આપવામાં આવી છે. તેવી જ રીતે કુલ ૫૩૮ કેદીઓને કાયદાકીય સલાહ આપવામાં આવી છે. જેમાં કાચા કામના ૫૨૪ પુરૂષ અને ૧૪ મહિલા કેદીનો સમાવેશ થાય છે. શ્રી જાડેજાએ જણાવ્યું વધુમાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યની જેલોમાં કાચા – પાકા કામના પુરૂષ અને મહિલા મળીને કુલ ૪૩,૭૭૯ કેદીઓને કાયદાકીય સલાહ તથા કાચા-પાકા કામના પુરૂષ અને મહિલા મળીને કુલ ૧૦,૧૫૮ કેદીઓને કાયદાકીય સહાય આપવામાં આવી છે.
શ્રી જાડેજાએ ઉમેર્યું કે, કેદીઓ જેલમુક્ત થયા બાદ ગૌરવભેર સ્વરોજગાર કરી શકે તે માટે તેઓને આઇ.ટી.આઇ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મારફતે ટુંકા ગાળાના રોજગારલક્ષી તાલીમ પૂરી પાડવામાં આવે છે. કેદીઓને પ્રશિક્ષિત કરીને કૌલશ્યયુક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કેદીઓને અભ્યાસની તક પૂરી પાડીને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટી મારફતે ડિગ્રી / પ્રમાણપત્ર આપવામાં આવે છે. શ્રી જાડેજાએ જણાવ્યું કે, જેલવાસ દરમ્યાન કેદીમાંથી સારો માનવ બને તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે. નિયત ધોરણ ધરાવનાર કેદીઓને વડોદરા ખાતેની દંતેશ્વર ઓપન જેલમાં મોકલવામાં આવે છે. જ્યાં ૮૦ એકર વિસ્તારમાં ખુ્લ્લા વાતાવરણમાં કેદીને કૃષિ અને કૌશલ્યલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે, જેથી જેલમુક્તિ બાદ સમાજમાં પુનઃ સ્થાપિત થવાની તેને તક મળે છે.