મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, મહેસૂલ વિભાગમાં પણ ક્રાંતિકારી મહેસૂલ સુધારાઓના અમલીકરણ થકી મહેસૂલી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શી બને તે માટે નાગરિકોના હિતમાં રાજ્ય સરકારે અનેક જનહિતલક્ષી સુધારાઓ કર્યા છે. ટૂંકાગાળામાં અનેક મહેસૂલી સુધારાઓના પરિણામે જ ક્રાંતિકારી પરિણામો મળ્યાં છે.
મંત્રીશ્રીએ મહેસૂલ વિભાગની માંગણીઓના સંદર્ભે સભ્યોના ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે, રાજ્યના ઝડપી વિકાસ માટે ઝડપી નિર્ણય જેમની કાર્યપધ્ધતિનો મહામંત્ર છે તેવા માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ 2021-22માં 46 નવી બાબતો સાથે રૂ. 4,547 કરોડનું બજેટ મહેસૂલ વિભાગનું છે. જે અગાઉ વર્ષ 2017-18માં 3,000/- કરોડ, વર્ષ 2018-19માં રૂ. 3,071 કરોડ હતો જેમાં ઉત્તરોત્તર સતત વધારો થતો રહ્યો છે.
મહેસૂલ મંત્રીશ્રીએ જણાવ્યું કે, વહીવટની સાથે રાજ્ય સરકારની આવક માટે પણ મહેસૂલ વિભાગ ખૂબ અગત્યનો વિભાગ છે. વર્ષ 2020-21ના નાણાંકીય વર્ષમાં રૂ. 8,582 કરોડથી વધુ મહેસૂલી આવક અંદાજવામાં આવી છે.
મહેસૂલ મંત્રીશ્રીએ જણાવ્યું કે, મહેસૂલ વિભાગની સેવાઓ સરળતાથી અને સામાન્ય લોકોને ઝડપથી મળી શકે તે માટે ટેકનોલોજીના ઉપયોગથી પરિવર્તન લાવવામાં આવ્યું છે. જેમાં, 7/12ના 1 કરોડ 20 લાખ કરતા વધુ સર્વે નંબરના મહેસૂલી રેકર્ડ ઓનલાઈન, 80 લાખથી વધુ સર્વે નંબરના 8 કરોડ જેટલા 7/12ના પાનાનું સ્કેનીંગ, અપલોડીંગ અને વેરીફીકેશન પૂર્ણ કરી ઓનલાઈન કરવામાં આવ્યાં છે તેમજ 6 કરોડથી વધુ ફેરફાર નોંધોના ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યાં છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં નવેમ્બર 2019થી i-ORA 2.0 (ઈન્ટીગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લીકેશન) સિસ્ટમ લાગુ કરી 25 જેટલી સેવાઓ ઓનલાઈન તે પૈકી 19 જેટલી સેવાઓને ફેસલેસ કરવામાં આવી છે. i-ORA પર તા.15.3.2021 સુધીમાં 1 લાખ 18 હજારથી વધુ અરજીઓ મળેલ છે. જે પૈકી 1 લાખથી પણ વધુ અરજીઓનો નિકાલ થયેલ છે. અરજીઓના નિકાલની ટકાવારી 92 ટકા જેટલી થવા જાય છે.
છેલ્લા બે વર્ષમાં i-ORA પોર્ટલ પર વારસાઈની 1 લાખ 97 હજારથી વધુ અરજીઓ ઓનલાઈન કરવામાં આવી જ્યારે ઈ-ધરા કેન્દ્રમાં વારસાઈ અંગેની કુલ 1 લાખ 86 હજાર અરજીઓ મળી છે. જે થકી 3 લાખ 83 હજારથી વધુ વારસાઈ નોંધો કરવામાં આવી છે. વર્ષ 2004 થી વર્ષ 2021 સુધીમાં ગામ નમૂના નં. 6, 7/12 તથા 8-અ ની ગ્રામ પંચાયત ખાતેથી 24 કરોડથી વધુ નકલો તથા ઈ-ધરા કેન્દ્ર ખાતેથી 50 કરોડથી વધુ નકલોનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, AnyROR પરથી ઓનલાઈન 100થી વધુ દેશોમાં રહેતા ગુજરાતીઓ પોતાની જમીનોની માહિતી ઓનલાઈન મેળવી રહ્યાં છે અને આજે પણ દર માસે 50 લાખ વાર સર્ચ થતી આ વેબસાઈટ એ તમામ સરકારી વિભાગોમાં સૌથી વધુ હિટ્સ ધરાવતી વેબસાઈટ છે.
ભૂમાફિયાઓને અંકુશમાં લઈ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા માટેનો કાયદા અંતર્ગત 2694થી વધુ અરજીઓ મળી છે. 983 અરજીઓની પ્રાથમિક તપાસ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 173 અરજીઓ મંજુર કરી, 112 એફ.આઈ.આર. (FIR), 451 ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ગેરકાયદેસર જમીન પચાવી પાડનારને 10 થી 14 વર્ષની સજા અને મિલકતની જંત્રી કિંમત સુધીના દંડની જોગવાઈ છે.
મંત્રીશ્રીએ જણાવ્યુ કે, સ્ટેમ્પ ડ્યૂટી મહેસૂલ આવકનો મહત્વનો સ્ત્રોત છે. તમામ પ્રકારના નોન જયુડીશીયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ તા.1/12/2019 થી બંધ થતાં રાજ્ય ભરમાં 4000 ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્રો જેનો કુલ 1 કરોડ 36 લાખ વધુ લોકોએ લાભ લીધો. જેનાથી રૂ. 3009 કરોડથી વધુ આવક થવા પામી છે. એટલું જ નહીં 337 જેટલાં ફ્રેન્કીંગ કેન્દ્રો કાર્યરત છે. જેનાથી રૂ. 2002 કરોડથી વધુ આવક. આમ, રજિસ્ટ્રેશન ફી, કોર્ટ ફી તેમજ અન્ય સ્ટેમ્પ ડ્યુટીની આવક મળીને રાજ્યને કુલ રૂ. 6410 કરોડથી વધુ સ્ટેમ્પ ડ્યુટીની આવક થવા પામી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકોના સમયની બચત થાય તે માટે વધુ દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2020-21માં 10 લાખ 25 હજારથી વધુ ઓનલાઈન દસ્તાવેજની નોંધણી થઈ જેના થકી રૂ. 802 કરોડની નોંધણી ફી અને રૂ. 198 કરોડથી વધુ સ્ટેમ્પ ડયુટીની ઓનલાઈન રકમ સ્વરૂપે રાજ્ય સરકારને આવક થઈ છે.
સ્ટેમ્પ ડ્યૂટી માફી અંતર્ગત મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ મિલકતની ખરીદી કરે તો 1 ટકા રજીસ્ટ્રેશન ફી ની માફી આપવામાં આવે છે. અત્યારસુધીમાં 27 લાખથી વધુ મહિલાઓને આ લાભ મળ્યો છે અને સરકાર દ્વારા રૂ. 1,763 કરોડથી પણ વધુ રજીસ્ટ્રેશન ફીની માફી આપવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, લેન્ડ રેકર્ડના મોર્ડનાઈઝેશન પ્રોગ્રામને મહેસૂલ વિભાગે સાકાર કરી 18,000થી વધુ ગામો અને 12 હજારથી વધુ પ્રમોલગેટ ગામોના 1 કરોડ 20 લાખથી પણ વધારે સર્વે નંબરોની રી-સર્વેની કામગીરી કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, રી-સર્વે પછી હક્ક પત્રક (ગામ નમુના નં. 7) સાથે જે તે સરવે નંબરનો નકશો આપનાર ગુજરાત પ્રથમ રાજય છે. ભારત સરકારની સ્વામિત્વ (SWAMITVA-સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપીંગ ઈમ્પ્રુવાઈઝ ટેકનોલોજી ઈન વિલેજી એરીયાઝ) યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા માપણી કરી દરેક મિલકત ધારકને પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવ્યાં છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, 708 જેટલી સૂચિત સોસાયટીઓમાં 63,600થી વધુ મિલકતને મંજુરી આપી છે. જેમાં 13 હજાર 200થી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ અને રાજ્યને અત્યાર સુધીમાં 186 કરોડ જેટલી મહેસૂલી આવક પ્રાપ્ત થઈ છે.
અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ અંતર્ગત મંત્રીશ્રીએ જણાવ્યું કે, 8 જિલ્લાના 197 ગામોની 714 હેકટર જેટલી જમીન સંપાદનની કામગીરી પ્રગતિ હેઠળ છે. ખેડૂતોની સંમતિથી 395 હેકટર જેટલી જમીનનું રૂ.2350 કરોડનું વળતર ચુકવીને જમીનના કબજા મેળવવામાં આવ્યાં છે અને મેટ્રો રેલ પ્રોજેકટના કામે 1.37 લાખ ચો.મી જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી ડીએફસીસીના કામે 2108 હેકટર જમીન અંગે રૂ.1723 કરોડ જેટલી રકમ ચુકવીને જમીનના કબજા મેળવવામાં આવ્યાં છે. આ ઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટ માટે નવી બ્રોડ ગેજ લાઈન, એઈમ્સ હોસ્પિટલ-રાજકોટ આમ વિવિધ જાહેરહેતુઓ માટે કુલ 84 લાખ ચો.મી. થી વધુ જમીન સંપાદન કરી.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકોને ઉપયોગી થાય તે માટેના વિવિધ વિકાસ કામો અંતર્ગત સરકારી ધારા ધોરણ મુજબ કુલ 400 લાખ ચો.મી.થી વધુ સરકારી જમીનની રાજ્યભરમાં ફાળવણી કરવામાં આવી છે. જેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, આવાસ યોજનાઓ, જી.આઈ.ડી.સી., શૈક્ષણિક હેતુઓ વગેરેનો સમાવેશ થાય છે.
ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદામાં સુધારા બાબતે મંત્રીશ્રીએ જણાવ્યું કે, શુદ્ધબુદ્ધિપૂર્વકના ઔદ્યોગિક ઉપયોગ માટે ખરીદ કરેલ હોય તેવી જમીન અંગે GDCR હેઠળ જાહેર કરેલા ઝોન મુજબ આવી જમીનનો ઉપયોગ કરવા માટે પરવાનગી આપવાની જોગવાઈ કરવામાં આવી છે અને નવી કલમ 63-AAA દાખલ કરી કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, શિક્ષણ, તબીબી શિક્ષણ અને આરોગ્ય જેવા હેતુઓ માટે પૂર્વ મંજુરીઓ સિવાય જમીનની ખરીદી કરી અને વિકાસની કામગીરી કરી શકે તે માટેની જોગવાઈનો ઉમેરો કરવામાં આવ્યો છે.
ખેડૂતલક્ષી સુધારા અંતર્ગત મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગણોતધારા હેઠળ નક્કી થયેલી ખરીદ કિંમત જે ગણોતિયાઓ ભરી શક્યા નથી તે માટે ખરીદ કિંમતની મુદત 30મી જૂન 2021 સુધી લંબાવવામાં આવી છે. વર્ષ 2016 થી 36 હજારથી વધુ ગણોતિયાઓએ લાભ લીધો છે.
સી.એમ. ડેશ બોર્ડ, 3400 જેટલાં ઈન્ડીકેટર્સ પરથી જાણકારી મેળવવાની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે રીતે રેવન્યુ વિભાગે પણ આ રીતની વ્યવસ્થા ગોઠવી R.M. ડેસ્ક બનાવેલ છે અને પેન્ડેન્સીનું મોનિટરિંગ અને નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, ક્ષેત્રીય કચેરીઓની કામગીરીની ઓનલાઈન તપાસ માટે મહેસૂલ તપાસણી કમિશ્નરશ્રીની કચેરીમાંથી “આઈરિસ” આઈરીસ (IRIS-Integrated Revenue Inspection System) મોડ્યુલ કાર્યરત કરવામાં આવી છે.
મહેસુલી સેવાઓ સુદ્રઢ બનાવવા સંદર્ભમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં 2059 અધિકારી/કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
“આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT સેલ)” હેઠળ સમગ્ર રાજ્યમાં કુલ 332 જેટલા જનસેવા કેન્દ્રો પરથી 283 જેટલી સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં 40 જેટલી વન ડે સર્વિસ તથા 48 જેટલી ઓનલાઇન સેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલું જ નહીં છેલ્લા 4 વર્ષમાં ‘ડિજીટલ ગુજરાત’ પોર્ટલ થકી સાડા ત્રણ કરોડથી વધુ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.