અમદાવાદ
અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાંથી મોટાપાયે નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે. AMC ફૂડ વિભાગે શહેરમાં અલગ-અલગ ઠેકાણે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં મોટાપાયે નકલી પનીરનો જથ્થો ઝડપાયો. પનીરનો આ જથ્થો સીઝ કરાયો છે. આ ડુપ્લીકેટ પનીર હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં સપ્લાય કરવામાં આવતું હતું જે-જે જગ્યાએથી આ પનીરનો જથ્થો ઝડપાયો તેમાંથી કેટલીક જગ્યાએ તો નામ વગરની જગ્યાએ જ જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે કુલ 508 કિલો પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદના ઠક્કરનગરમાં આવેલી સતનામ ડેરીમાંથી પનીરનો જથ્થો ઝડપાયો.. સતનામ ડેરીમાંથી કુલ 144 કિલો પનીરનો જથ્થો ઝડપાયો. જ્યારે વસ્ત્રાલના એક ગોડાઉનમાંથી 119 કિલો પનીરનો જથ્થો ઝડપાયો. જીવરાજ પાર્કની વિજય ડેરીમાંથી 11 કિલો પનીર જપ્ત કરાયું હતું તો વિશ્વાસ સિટીમાં કૃષ્ણા ડેરીમાંથી 119 કિલો પનીર જપ્ત કરાયુ હતું. રિચ આઇસ્ક્રીમ ડેરીમાંથી 35 કિલો પનીર જપ્ત કરાયુ હતું.
કેવી રીતે ઓળખવું પનીર?
- તમને ખબર જ હશે કે પનીર દૂધમાંથી બને છે. જો પનીર દૂધમાંથી બને છે તો તેમાં દૂધ જેવો સ્વાદ અને ગંધ હશે. જો દૂધની ગંધ ન હોય તો સમજવું કે પનીર ભેળસેળયુક્ત છે. તે દૂધમાંથી બન્યું નથી.
- પનીરનો એક નાનો ટુકડો લો અને તેને તમારી હથેળીઓ પર ઘસો. જો તેનો રંગ ભૂરો થઈ જાય તો તે નકલી છે અને જો તે સફેદ રહે તો તે અસલી પનીર છે. નકલી પનીર રબર જેવું દેખાશે અને સ્પર્શ કરવામાં પણ કઠણ અને અઘરું લાગશે. અસલી પનીર નરમ અને સ્પંજી હોય છે જેને તમે સરળતાથી કાપી શકો છો
- જો તમે પેકેજડ પનીર ખરીદી રહ્યા છો તો તેના પર લખેલી બધી વિગતો વાંચો. એક્સપાયરી ડેટ અને તેના ઘટક તત્ત્વો વિશે ખાસ વાંચો. પનીર દૂધ અને લીંબુનો રસ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે.
- એક ટુકડો પાણીમાં નાખો અને તેને બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળો પછી તેને પ્લેટમાં કાઢી લો. ઠંડુ થયા પછી તેમાં આયોડિન ટિંકચરના ટીપાં ઉમેરો. જો તે વાદળી રંગનું દેખાય તો સમજવું કે તેને દૂધમાં ભેળવીને બનાવવામાં આવ્યું છે. અસલી પનીર દૂધ જેવું લાગે છે. તે મોંમાં કઠણ લાગતું નથી અને ખાવાની સાથે જ ઓગળી જાય છે. જો તે મોંમાં ઓગળી ન જાય તો તે નકલી હોઈ શકે છે. જો તમારે તેને લાંબા સમય સુધી ચાવવું પડે અને તે રબર જેવું લાગે, તો તમે નકલી પનીર ખાઈ રહ્યા છો.
- પનીરનો નાનો ટુકડો આગ પર શેકી જુવો જો તે બળી જાય તો તે નકલી પનીર છે.