ગાંધીનગર
ગુજરાત વિધાનસભા ગૃહમાં થયેલા વર્ષ ૨૦૨૩ના તકેદારી આયોગના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, ભ્રષ્ટાચાર અને ગેરરીતિના મામલામાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ નંબર વન પર છે. આ વિભાગ સામે સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે, જે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારની સ્થિતિનો ચિતાર રજૂ કરે છે.
તકેદારી આયોગના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૩માં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કુલ ૧૧,૧૯૬ ફરિયાદો મળી હતી. આ ફરિયાદો વિવિધ સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હોવાની સૂચક છે. આ તમામ ફરિયાદોની તપાસ તકેદારી આયોગ દ્વારા કરવામાં આવી રહી છે.
રિપોર્ટમાં વિભાગવાર ફરિયાદોની સંખ્યા પણ દર્શાવવામાં આવી છે. જે મુજબ, સૌથી વધુ ફરિયાદો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સામે નોંધાઈ છે. આ વિભાગમાં કુલ ૨,૧૭૦ ફરિયાદો તકેદારી આયોગને મળી છે, જે દર્શાવે છે કે આ વિભાગમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિનું પ્રમાણ અન્ય વિભાગોની સરખામણીએ સૌથી વધુ છે.
શહેરી વિકાસ વિભાગ બાદ બીજા ક્રમે મહેસૂલ વિભાગ આવે છે. મહેસૂલ વિભાગ સામે તકેદારી આયોગને ૧,૮૪૯ ફરિયાદો મળી છે. જ્યારે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ત્રીજા ક્રમે છે, જેની સામે ૧,૪૧૮ ફરિયાદો નોંધાઈ છે. આ ત્રણેય વિભાગોમાં પણ ભ્રષ્ટાચાર અને ગેરરીતિની ફરિયાદોનું પ્રમાણ ચિંતાજનક છે.
આ ઉપરાંત, તકેદારી આયોગને ગૃહ વિભાગની ૧,૨૪૧ ફરિયાદો મળી છે, જે ચોથા ક્રમે છે. શિક્ષણ વિભાગની પ૯૬ ફરિયાદો અને માર્ગ અને મકાન વિભાગની ૪૮૬ ફરિયાદો પણ નોંધાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ સામે ૩૭૮ ફરિયાદો, સામાન્ય વહીવટ વિભાગ સામે ૩૬૦ ફરિયાદો મળી છે.
નર્મદા, જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગની ૩૮૫ ફરિયાદો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડની ૧૦૧ ફરિયાદો, પશ્ચિમ ગુજરાત વીજ કંપની સામે ૯૭ ફરિયાદો અને સરદાર સરોવર નર્મદા નિગમની પર ફરિયાદો તકેદારી આયોગને વર્ષ ૨૦૨૩ દરમિયાન મળી હતી.
તકેદારી આયોગનો આ રિપોર્ટ રાજ્યના સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની વાસ્તવિક સ્થિતિને ઉજાગર કરે છે. સૌથી વધુ ફરિયાદો શહેરી વિકાસ વિભાગ સામે નોંધાતા આ વિભાગમાં તપાસ અને દેખરેખ વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે. વિધાનસભામાં આ રિપોર્ટ રજૂ થયા બાદ હવે સરકાર આ દિશામાં શું પગલાં લે છે તે જોવાનું રહેશે.