ગાંધીનગર
ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ દહેગામના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર અને તેમના મળતિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં પ્રવિણભાઈ મુળજીભાઈ પરમાર (54 વર્ષ) અને નિતેષકુમાર જેઠાલાલ રાજન (ટાઇપિસ્ટ)નો સમાવેશ થાય છે. ફરિયાદીની વેચાણ થયેલી ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરવા માટે ગાંધીનગર પ્રાંત અધિકારી અને કલેક્ટરની કોર્ટમાં RTS અપીલ દાખલ કરવામાં આવી હતી. આ અપીલના કાગળો ખોવાઈ જતાં, ફરિયાદીએ બંને કચેરીમાં અરજી કરી હતી.
આ દરમિયાન બંને આરોપીઓએ વેચાણ નોંધો રદ કરવા અને અપીલના કાગળો મેળવી આપવા માટે 18,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. છટકા દરમિયાન આરોપી નિતેષકુમારે લાંચની રકમ સ્વીકારી અને પ્રવિણભાઈને આપતા બંને રંગેહાથ ઝડપાયા હતા. આ કાર્યવાહી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે અને એમ.એસ. બિલ્ડિંગની પાછળના ભાગે 27 માર્ચ, 2025ના રોજ કરવામાં આવી હતી. ટ્રેપિંગ અધિકારી તરીકે પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એ.ચૌધરી અને સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક એ.કે.પરમારે કામગીરી સંભાળી હતી.