ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તેમજ રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં IFFCO, કલોલ એકમના સુવર્ણ જયંતી સમારોહ તેમજ બીજ સંશોધન કેન્દ્રની સ્થાપના કાર્યક્રમ યોજાઇ ગયો હતો.
શ્રી અમિતભાઈ શાહે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ખૂબ શુભ દિન છે. આજે ચૈત્ર નવરાત્રિની નવમી પણ છે, રામનવમી પણ છે અને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે. આ ત્રણેય સુભગ સંયોગ આજના દિવસે છે અને આ જ દિવસે ઇફકોના કલોલ પ્લાન્ટની સુવર્ણ જયંતી અને આજે કલોલ પ્લાન્ટમાં બીજ અનુસંધાન કેન્દ્રનું ભૂમિપૂજન પણ થયું છે. ઇફકોની ૫૦ વર્ષની ગૌરવશાળી યાત્રાએ ભારત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં કો-ઓપરેટીવ અને કોર્પોરેટ બંને સંસ્કાર ભેગા થઈને કામ કરે તો કેટલું અદભુત પરિણામ આવે એવું અકલ્પનીય ઉદાહરણ બેસાડવાનું કામ કર્યું છે. ઇફકોની ભાવના ખેડૂતોને મદદ કરવાની અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હોય, માર્કેટિંગ હોય, બ્રાન્ડિંગ હોય, કે ઘર ઘર સુધી પહોંચ બનાવવાની હોય કોઈપણ કોર્પોરેટ કંપનીને શરમાવે તેવી કુશળતા ઇફકો બતાવી છે. આજે ભારત ખાદ્યના ક્ષેત્રમાં આત્મનિર્ભર છે તેમાં ઇફકોની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. આ સંસ્થાએ ખેડૂતોને ફર્ટિલાઈઝર સાથે જોડ્યા અને ફર્ટિલાઈઝરને કો ઓપરેટિવ સાથે જોડવાનું કાર્ય ઇફકો એ કર્યું છે અને આજે તેના કારણે ૫૦ વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પૂર્ણ કરી ઇફકો ગૌરવમય છે. ઇફકોની શતાબ્દી ઉજવાશે ત્યારે વિશ્વભરની સહકારી સંસ્થાઓમાં ઇફકોનો ડંકો આજની જેમ જ વાગતો હશે તેવી વિશ્વાસ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, કલોલમાં જ્યારે ઇફકોનો પ્લાન્ટ ૫૦ વર્ષ પહેલા સ્થપાયો ત્યારે એ જમાનામાં એક મોટી ક્રાંતિ ગણાતી હતી. નેનો યુરિયા, નેનો DAP, નેનો લિક્વિડ યુરિયા, લિક્વિડ DAP તેના માટે રિસર્ચ કર્યા, પ્રયોગો કરી અને સિદ્ધિ મેળવી અને જ્યારે ઉત્પાદનમાં તબદીલ કરવાની વાત આવી ત્યારે સમગ્ર ભારતમાં ઇફકો નંબર વન રહ્યું છે. અવસ્થીજીની દુરંદેશી અને સાતત્યપૂર્ણ ફોલોઅપના કારણે આજે ઇફકો નેનો યુરિયા અને ઇફકો નેનો DAP એ સમગ્ર વિશ્વની અંદર ભારતના કો ઓપરેટિવ ક્ષેત્રની ગૌરવપૂર્ણ છાપ મૂકી છે. ઇફકોએ ક્ષમતા પણ વધારી, ખેડૂતના ખેતર સુધી પહોંચ પણ વધારી અને RND કરી આધુનિકતાને લેબોરેટરીના પ્રયોગોને લેન્ડ સુધી પહોંચાડવાનું કામ પણ ઇફકો કર્યું છે. આપણે સૌ કો-ઓપરેટિવ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છીએ. ૭૫ વર્ષથી સહકારિતા મંત્રાલય સ્વતંત્ર બનવું જોઈએ દેશની ખૂબ મોટી કો ઓપરેટિવ મૂવમેન્ટ નધણીયાતી પડી હતી તેને સ્ટ્રક્ચર કરવાનું, એનું પોષણ કરવાનો અને કોર્પોરેટના જમાનામાં કો ઑપરેટિવને અન્યાય થતો હતો તેની સામે અવાજ ઉઠાવી અન્યાય સમાપ્ત કરવો મંત્રાલય ના હોય ત્યાં સુધી સંભવ જ ન હતું. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વતંત્ર સહકાર મંત્રાલય સ્થાપવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણયની સાથે એક પછી એક લગભગ ૬૨ અભૂતપૂર્વ મહત્વપૂર્ણ પગલાં લઈ અને હમણાં જ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપી. કોંગ્રેસે પોતાના સ્વભાવ પ્રમાણે વિરોધ કર્યો કે ત્રિભુવન કાકાનું નામ કેમ રાખવામાં આવ્યું ત્યારે સંસદમાં પણ કહ્યું હતું કે, ત્રિભુવન કાકા આખી જિંદગી કોંગ્રેસી રહ્યા ને તમે કોંગ્રેસીઓ વિરોધ કરો છો તમને શરમ આવવી જોઈએ ત્યારે એમને ખબર જ નહોતી કે ત્રિભુવન કાકા કોંગ્રેસના નેતા હતા. પરંતુ નરેન્દ્રભાઈ કોણ કૉંગ્રેસ, કોણ ભાજપ એની જગ્યાએ કોનું કેટલું યોગદાન તે જોઈ આ દેશ ચલાવવાવાળા નેતા છે. અમૂલનું બીજ આજે વટવૃષ બનીને સમગ્ર વિશ્વમાં નામ છે તેવી એક સંસ્થા બનાવી અને એમના નામે આ કો ઓપરેટિવ યુનિવર્સિટી બનાવી. આ યુનિવર્સિટી પેક્સથી લઈ એપેક્ષ સુધી સહકારિતાના દરેક ક્ષેત્રમાં આધુનિક શિક્ષણ કો ઑપરેટિવનું શિક્ષણ અને પારદર્શિતા લાવવાનું કાર્ય કર્યું છે. સમગ્ર દેશની સહકારિતા ગતિવિધિઓને AI જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ કરી અનેક પ્રકારના વિશ્લેષણો અને તેના આધાર પર તારણો અને તારણોના આધાર પર આવનાર ૫૦ વર્ષની સહકારી ગતિવિધિઓની દિશા નક્કી કરવાનું કાર્ય આપણી આ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના તજજ્ઞો કરશે.
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, ત્રણ રાષ્ટ્રીય સ્તરની કો ઑપરેટિવ બનાવી એક ખેડૂતોની ઉપજ વિશ્વના બજારમાં જાય એટલા માટે રાષ્ટ્રીય એક્સપોર્ટ કો ઑપરેટિવ લિમિટેડ બનાવી, દ્વિતીય ઓર્ગેનિક પ્રોડક્ટના સર્ટિફિકેટ બ્રાન્ડિંગ સાથે સારા ભાવ મળે તે હેતુથી ખેડૂતો માટે નેશનલ કો ઑપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ બનાવી, અને તૃતીય આધુનિક બીજ ખેડૂતને મળે અને તે બીજની ખેતી ૨ એકરનો ખેડૂત પણ કરી શકે અને જૂના હાઈબ્રિડ વગરના મીઠા બીજોનું સંગ્રહ, સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે તેના માટે બીજ કો ઑપરેટિવ બનાવવાનું કામ પણ રાષ્ટ્રીય સ્તર પર અત્યાર સુધી કરવામાં આવ્યું છે અને આજે ઇફકોએ બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના કરી છે. ઇફકોનો રેકોર્ડ છે જે વસ્તુને ઇફકોએ હાથમાં લીધી તેને લોજીકલ એન્ડ સુધી પહોંચાડવાનું કાર્ય આપણું ઇફકો કરે છે. આ બીજ અનુસંધાન કેન્દ્ર જમીનમાં ઉત્પાદકતા વધારશે, ઉત્પાદનને પોષણ યુક્ત બનાવશે, ઓછું પાણી, ઓછું ખાતર વપરાય તેવા બીજોનું સંશોધન કરશે અને હજારો વર્ષોથી ખેતીમાં સચવાયેલા બીજોની જાતને સાચવવાનું કામ પણ આ બીજ અનુસંધાન કેન્દ્ર આવનાર દિવસોમાં રાષ્ટ્રીય બીજ કો ઑપરેટિવની સાથે જોડાશે. અત્યારે ભલે નાનકડી તકતીમાં હોય જ્યારે ૫૦ વર્ષ પહેલા ઇફકોનો પાયો નંખાયો ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે ઇફકો ક્યાં પહોંચશે અને આજે બીજ અનુસંધાન કેન્દ્રનો પાયો નંખાયો છે, આ બીજ અનુસંધાન કેન્દ્ર પણ આપણા દેશના ખેડૂતોના સમૃદ્ધિનું મોટું કારણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, સહકારી સંસ્થાઓને મજબૂત કરવી હોય તો પ્રાથમિક સહકારી મંડળીઓ, પ્રાથમિક સહકારી ડેરીઓને મજબૂત કરવી પડે તેના માટે એમનું કોમ્પ્યુટરાઇડ્ઝેશન, નવા કામોને પેક્સને જોડવાનું કાર્ય, ડેરીની અંદર સંપૂર્ણ અર્થતંત્રનું સમાવેશિકરણ થાય. જેમાં પશુનું ગોબર હોય, ચામડું હોય, હાડકા હોય, ખોરાક હોય, દૂધ હોય કે દૂધથી બનતું દરેક ઉત્પાદન હોય સમગ્ર ચક્રને કો ઑપરેટિવમાં લાવવાનું કાર્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારનો સહકાર વિભાગ આવનાર દિવસોમાં કરવાનો છે. ખાતરની ઉત્પાદન ક્ષમતા ૯૦ લાખ મેટ્રિક ટન, વેચાણ ૧૧૦ લાખ મેટ્રિક ટન, કારોબાર ૪૦ હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ઇફકોનું થયું છે અને ૩૨૦૦ કરોડ રૂપિયાનો નફો થયો છે. ઇફકોએ પરિવર્તન માટે અનેકરૂપ સફળ પ્રયત્નો કર્યા છે. ૫૦ વર્ષમાં કેમિકલ ફર્ટિલાઈઝરથી નેનો ફર્ટિલાઈઝર, બાયો ફર્ટિલાઈઝર સુધીની યાત્રા ઇફકોના તત્વદાનમાં થઈ. પહેલા હાઈ કોસ્ટ અને લો એફિસિયન્સીમાં શરૂઆત કરી અને આજે લો કોસ્ટ અને હાઈ એફિસિયન્સી સુધી પહોંચવાનું કાર્ય ઇફકોએ કર્યું છે. પહેલાના જમાનામાં ખેડૂત સાયકલ પાછળ બે થેલી ફર્ટિલાઈઝર બાંધીને જતા હતા આજે ખિસ્સામાં બે ફર્ટિલાઈઝરની બોટલ લઈને જઈ શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલા વિચારતા હતા કે ઇફકોને એક્સપોર્ટ વધારે ન કરવું કારણ કે વિશ્વભરમાં વેચાણ થઈ જાય અને દેશના ખેડૂતો રહી જાય પણ ઇફકોએ ઉત્પાદન ક્ષમતા જ એટલી વધારી છે કે સમગ્ર દુનિયા ઇફકોની આ પ્રોડક્ટ પાછળ ઘેલી છે. તે સાબિત કરે છે કે ઇફકોનું વૈજ્ઞાનિક અનુસંધાન સંપૂર્ણ રૂપે જમીન પર સ્થાપિત થયું છે. આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ પણ છે અને સહકારિતા વર્ષનું ઉદ્ઘાટન પણ ઇફકોના તત્વધાનમાં ભારતમાં જ થયું છે. ઇફકોના ૫૦ વર્ષ ખેતી, અનાજનું ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની સદ્ધરતાને સમર્પિત રહ્યા છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આવનાર ૫૦ વર્ષ તમામ ઉદ્દેશ્યોને સંકલ્પબદ્ધ રાખી ખેતીને આધુનિક બનાવી, સૌથી વધુ ઉત્પાદક બનાવવી અને જમીનનું સંરક્ષણ કરવું અને દેશના પર્યાવરણનો બચાવ કરવો અને એનું સંરક્ષણ કરવું. ચાર ઉદ્દેશ્યને સાથે રાખી નવા ચાર ઉદ્દેશ્યને જોડીને ઇફકો આ ૫૦ થી ૧૦૦ વર્ષની યાત્રા પૂર્ણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ૫૦ વર્ષની ગૌરવશાળી યાત્રામાં, ૫૧ થી ૧૦૦માં વર્ષની યાત્રાની શરૂઆતમાં અને બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપનામાં જોડાવાની તક બદલ શ્રી શાહે આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રામનવમીની શુભેચ્છાઓ પાઠવતા સંબોધનમાં જણાવ્યું કે, પ્રભુશ્રી રામ લંકા પર ચઢાઈ કરવા ગયા ત્યારે સુગ્રીવ, હનુમાનજી અને વાનર સેનાનો સહકાર મળેલો. સહકારિતા ભારતની સદીઓ જૂની પરંપરા છે. દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ દેશના પ્રથમ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી નાનામાં નાના માનવી, ખેડૂત, ગરીબ, વંચિત સૌના વિકાસને નવી દિશા મળી છે. આજે કલોલ ખાતેના પ્રથમ યુરિયા પ્લાન્ટનો સુવર્ણ જયંતી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે શ્રી અમિતભાઈ શાહના હસ્તે કલોલ પ્લાન્ટમાં બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ થયો છે તે બદલ સૌ ઇફકો પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. સહકારિતા ક્ષેત્રનું પાયોનર સ્ટેટ ગુજરાત બન્યું છે. ૫૭ સહકારી મંડળીઓથી શરૂ થયેલી ઇફકો સંસ્થામાં આજે ૩૬ હજાર મંડળીઓ જોડાયેલી છે. શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં રિસર્ચને પણ ખૂબ મહત્વ મળ્યું છે. ઇફકો દ્વારા વિશ્વના પહેલા લિક્વિડ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું અને દેશભરના ખેડૂતો માટે આ ક્રાંતિકારી સાબિત થયું છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં ભારત હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. ૨૦૧૩-૧૪ ના બજેટમાં સહકાર વિભાગ માટે રૂ.૧૨૨ કરોડનું બજેટ હતું જે આજે દસ ઘણાના વધારા સાથે રૂ.૧૧૯૦ કરોડ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને વિકસિત ભારત ૨૦૪૭ નિર્માણનો કોલ આપ્યો છે. વિકસિત ભારત ૨૦૪૭માં ખેડૂતો, દૂધઉત્પાદકો અને સહકાર ક્ષેત્રના સૌ સક્રિય સહયોગથી સહકારથી સમૃદ્ધિના મંત્રને સાથે મળીને શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સાકાર થશે તેવો વિશ્વાસ શ્રી પટેલે વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ઇફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ અને ગાંધીનગર લોકસભા પ્રભારીશ્રી મયંકભાઇ નાયક, કલોલ વિધાનસભા ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી જયેશભાઈ રાદડિયા, ઇફકોના ઉપાધ્યક્ષશ્રી બલવીરસિંહ, પ્રબંધક નિર્દેશકશ્રી ઉદયશંકર અવસ્થી, ગાંધીનગર જિલ્લા ભાજપા પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ, ઇફકોના ડિરેક્ટરશ્રીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.