અમદાવાદ
એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીએ કરંટ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં ગરમીનો પારો રોજેરોજ ઊંચો જઈ રહ્યો છે. અત્યારે એ હાલ છે કે દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. રવિવારે કંડલા એરપોર્ટ પર દેશમાં સૌથી વધુ 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રવિવારે 11 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 44.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર શહેર વધુ એકવાર અગનભઠ્ઠી બની ગયું. અમદાવાદમાં પણ તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું હતું. આજે પણ હવામાન વિભાગ દ્વારા 10 શહેરમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ અમદાવાદ દ્વારા આગામી 10 એપ્રિલ સુધી રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 08 એપ્રિલ સુધી કચ્છમાં સીવિયર હીટવેવ યથાવત રહેશે.ઉતર ગુજરાતમાં પણ આગામી 04 દિવસ હિટવેવ યથાવત રહેશે. 11 એપ્રિલથી રાજ્યમાંથી હીટવેવ દૂર થાય તેવી શકયતાઓ છે.
આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહતમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે ગરમીથી બચવા પુષ્કળ પાણી પીવા, શરીરને સુતરાઉ કપડાથી ઢાંકવા અને માથું ખાસ ઢાંકવા સૂચન કર્યું છે. ઉતર પશ્ચિમી પવનોથી રાજ્યમાં તાપમાનમાં વૃદ્ધિ થઈ છે. જો કે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો પણ આવશે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહીવત છે. ત્યારબાદ તાપમાન 02 થી 04 ડિગ્રી જેટલું ઘટે તેવી સંભાવના છે. 10 એપ્રિલ સુધી ગુજરાત ક્ષેત્ર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની સંભાવના છે. ગુજરાત ક્ષેત્રમાં 10 એપ્રિલ અને કચ્છ તેમજ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 09 એપ્રિલ સુધી હીટવેવ યથાવત રહેશે.
હવામાન વિભાગ દ્વારા હીટવેવને પગલે આજે કચ્છમાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ, તેમજ સુરેન્દ્રનગર, બોટાદ,ભાવનગર, જૂનાગઢ અને સુરતમાં યેલો એલર્ટ આપવામાં આવેલ છે. આવતીકાલે પણ કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવેલ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. બોટાદ, ભાવનગર અને સુરતમાં આવતીકાલે યલ્લો એલર્ટ આપવામાં આવેલ છે. 09 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં હીટવેવને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. તો મોરબી,સુરેન્દ્રનગર અને રાજકોટમાં હીટવેવને પગલે યલો એલર્ટ આપવામાં આવેલ છે 10 એપ્રિલના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠા ખાતે યલો એલર્ટ આપવામાં આવેલ છે.
હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ ગુજરાતના ઇતિહાસમાં એપ્રિલ મહિનામાં કંડલા એરપોર્ટ ખાતે વર્ષ 2019 માં 46.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયેલું છે. જ્યારે અમદાવાદમાં 1958 માં 46.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયેલું છે. ઊનાળાના પ્રારંભથી જ સૂર્યનારાયણ એ પોતાની તાકાત બતાવવાનું શરૂ કરી દીધું છે. દિવસે ને દિવસે સતત ગરમીનો પારો વધી રહ્યો છે. જેને લઈને લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા છે. શહેર,નગર અને ગામડાઓમાં 12 વાગ્યા પછી જાણે કર્ફ્યૂ લાગી જતું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત ગ્રામ્યની વાત કરીએ તો બારડોલી, કામરેજ, ઓલપાડ, માંગરોળ, પલસાણા, માંડવી, મહુવા, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં પણ સતત તાપમાન વધી રહ્યું છે. હાલ ગરમીનો પારો 41 ડિગ્રી ક્રોસ કરી ગયો છે.જેને લઈને રસ્તાઓ,શેરીઓ સુમસામ જોવા મળી રહી છે. એકલ દોકલ વાહનો જ અને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે.વેપારીઓ પણ દુકાનોના શટર પાડી ઘરે જઈ રહ્યા છે.ત્યારે અંગ દઝાડતી ગરમી ને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છેકે વધી રહેલા હીટવેવ ને લઈને રાજ્યનું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને દરેક જિલ્લાના મુખ્ય શિક્ષણ અધિકારીઓને અનુકૂળ લાગે એ પ્રમાણે શાળાનો સમય સેટ કરવા જણાવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં તાપમાનનો પારો 43 ડીગ્રીને પાર થયો છે. જેને લઈને અતિશય ગરમી પડતા તેની સાઈડ ઇફેક્ટ સામે આવી રહી છે. ભારે ગરમીનાં કારણે હાલ હિટસ્ટ્રોક અને લૂ લાગવા જેવા બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં કુલ 24 જેટલા આવા દર્દીઓ સામે આવ્યા છે. જેમાં પણ 15 જેટલા કેસ છેલ્લા 3 દિવસમાં નોંધાયા છે. આગામી સમયમાં હજુપણ તાપમાનનો પારો ઊંચકાય તેવી શક્યતા હોય 108 એમ્બ્યુલન્સની કામગીરી વધુ સઘન કરવામાં આવી છે. અને હાલ ORS સહિતની તમામ જરૂરી સગવડ સાથે 44 એમ્બ્યુલન્સ ખડેપગે રાખવામાં આવી છે. 108 સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી મુજબ હાલ તાપમાનનો પારો 42 ડીગ્રીને પાર પહોંચ્યો છે. જેને લઈને 108 એમ્બ્યુલન્સને પણ ભારે ગરમીને કારણે થતા હિટસ્ટ્રોક અને લૂ લાગવા ઉપરાંત ઝાડા-ઉલટી થવાના વધુ કોલ મળી રહ્યા છે.
સપ્તાહની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં હિટસ્ટ્રોક રિલેટેડ 24 કેસો નોંધાયા છે. જેમાં ગત 4થી 6 એપ્રિલ સુધીમાં 14 કેસ નોંધાયા છે. એટલે કે છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારના કેસોમાં ડબલ જેટલો વધારો નોંધાયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં હજુ તાપમાનનો પારો ઉપર જવાની શક્યતા છે. જેને લઈને રાજકોટ જિલ્લામાં ચાલતી તમામ 44 એમ્બ્યુલન્સમાં ORS, ગ્લુકોઝ, ઓક્સિજન, ICU, એસી, દવાઓ અને ઇંજેક્શન સહિતની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. એટલે કે આ તમામ એમ્બ્યુલન્સ હાલ હિટસ્ટ્રોકને લગત રોગોની તાત્કાલિક સારવાર કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ સિવાય પણ દરરોજ રૂટીન ઇમરજન્સી જેવી કે અકસ્માત, આપઘાત સહિતના રોજ 230 કરતા વધુ કેસો પણ હાલ સામે આવી રહ્યા છે.
જોકે હિટસ્ટ્રોક રિલેટેડ કેસોમાં વધારો થતાં તેના માટે ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેને લઈને હિટસ્ટ્રોકને લગતા કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 1 સપ્તાહમાં જ નોંધાયેલા 24 પૈકી 14 કેસો માત્ર 3 દિવસમાં જ નોંધાયા છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધતા આ પ્રકારના કેસોમાં વધારો થવાની પૂરતી શક્યતા છે. જોકે આ માટે 108 દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ 20 બેડનો ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. તેમજ દવાઓ સહિતની તમામ જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને હિટસ્ટ્રોકને કારણે કોઈ વ્યક્તિને જીવ ગુમાવવો ન પડે તે માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે.