ગુજરાત પોલીસમાં સંચાલનથી લઈ સુરક્ષા સુધી મોટો ફેરફાર: IG રેન્જ કચેરીઓ માટે નવી માળખાકીય વ્યવસ્થા, સ્ટ્રાઈકિંગ ફોર્સ પણ ફાળવાઈ
રાજ્યના ડીજીપી વિકાસ સહાયે ગુજરાત પોલીસના સંચાલન અને કાયદા વ્યવસ્થા ક્ષેત્રે વધુ અસરકારક કામગીરી માટે એક મોટો નિર્ણાયક પગલું ભર્યું છે. અત્યાર સુધી જે વહીવટી માળખું રાજ્યની વિવિધ રેન્જ કચેરીઓમાં કાર્યરત હતું, તેનું પુનઃગઠન કરવાનું નક્કી થયું છે.
નવા નિર્ણય મુજબ દરેક રેન્જ હેડક્વાર્ટરમાં ત્રણ જુદી-જુદી શાખાઓ બનાવવામાં આવશે: વહીવટી, ક્રાઈમ ટેબલ-1 અને ક્રાઈમ ટેબલ-2.
15 એપ્રિલ સુધી અમલ ફરજિયાત
આ નવો મોડેલ 15 એપ્રિલ, 2025 સુધીમાં અમલમાં મુકવાનો છે અને દરેક રેન્જ IG કચેરીએ આ બદલાવને લાગુ કરવા જરૂરી પગલાં લેવા ફરજિયાત કરાયું છે. આ સાથે દરેક રેન્જને તાત્કાલિક કામગીરી માટે એક સ્ટ્રાઈકિંગ ફોર્સ પણ ફાળવવામાં આવશે.
શું હશે નવી ત્રણ શાખાઓનું કામ?
વહીવટી શાખા:
અધિકારીઓ-કર્મચારીઓની બદલી, રજા, પ્રમોશન, અને શિસ્ત સંબંધિત કાર્યવાહી જેવી કામગીરી માટે ખાસ બનાવાઈ છે.
ક્રાઈમ ટેબલ-1:
આ શાખા હેઠળ રેન્જના તમામ જિલ્લાઓમાં થતા ગુનાઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની દેખરેખ રાખી શકાશે.
ક્રાઈમ ટેબલ-2:
નવા અમલમાં આવેલા ત્રણ ફોજદારી કાયદાઓ (જેમ કે નવો ગુનાઓનો કોડ)ના અમલની દેખરેખ માટે આ શાખા જવાબદાર રહેશે.
સ્ટાફ ફાળવણી પણ નક્કી
નવા માળખામાં કાર્યની અસરકારકતા માટે દરેક શાખામાં સ્પષ્ટ રીતે સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.
ક્રાઈમ ટેબલ-1:
1 PI, 1 PSI, 1 ASI અને 7 કોન્સ્ટેબલ/હેડ કોન્સ્ટેબલનો સ્ટાફ નિર્ધારિત કરવામાં આવ્યો છે. સુરત જેવી વ્યસ્ત રેન્જ માટે 2 PIની ફાળવણી રહેશે.
ક્રાઈમ ટેબલ-2:
1 PI, 1 PSI, 2 હેડ કોન્સ્ટેબલ અને 3 કોન્સ્ટેબલને સમાવિષ્ટ કરાયા છે.
સ્ટ્રાઈકિંગ ફોર્સ:
દરેક રેન્જ IGને વધારાના 2 સશસ્ત્ર ASI અથવા હેડ કોન્સ્ટેબલ અને 6 સશસ્ત્ર કોન્સ્ટેબલ આપ્યા.. જે કોઈપણ કાયદાકીય બગાડ પર તાત્કાલિક રિસ્પોન્સ માટે તૈયાર રહેશે.
ફાયદા શું થશે?
આ બદલાવોથી એક તરફ રેન્જ કચેરીઓ પર કાર્યભાર ઘટશે, તો બીજી તરફ દરેક ગુનાના કેસ કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર ઝડપી કાર્યવાહી શક્ય બનશે. સાથે જ કાયદાની અમલવારી પણ વધુ મજબૂત થવાની આશા છે.