
અયોધ્યામાં રામમંદિરના શિખર પર 42 ફૂટ ઊંચો ધર્મ ધ્વજસ્તંભ લગાવવામાં આવ્યો છે. હવે સ્તંભના સૌથી ઉપરના ભાગ પર ધજા લગાવવામાં આવશે. રામમંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, મંદિરનું શિખર 161 ફૂટ ઊંચું છે. આ ધ્વજસ્તંભ અમદાવાદની એક કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ધજા લગાવ્યા પછી, મંદિરની ઊંચાઈ 203 ફૂટ હશે. આ ધ્વજસ્તંભનું વજન 5.5 ટન છે અને તે પિત્તળથી બનેલો છે. તેનું આયુષ્ય લગભગ 100 વર્ષ છે. તેને 60 કારીગરોએ 7 મહિનામાં તૈયાર કર્યો હતો.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે મંગળવારે સવારે 6:30 વાગ્યે, એન્જિનિયરો 160 ફૂટની ઊંચાઈ પરના શિખર પાસે હાજર હતા. અહીં 2 ક્રેનની મદદથી ધ્વજસ્તંભ લગાવવામાં આવ્યો. ધીમે ધીમે તેને સીધી રીતે ઊંચો કરવામાં આવ્યો અને પછી ક્રેનની મદદથી મુખ્ય શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો. આ પ્રક્રિયા સવારે 8 વાગ્યા સુધી ચાલુ રહી.

રામમંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ધ્વજસ્તંભ ગુજરાતના અમદાવાદની એક કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2024માં તેને ટ્રક દ્વારા અયોધ્યા લાવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે શિખર તૈયાર નહોતું. તેથી ધ્વજસ્તંભ રામમંદિર પરિસરમાં રાખવામાં આવ્યો હતો. હવે શિખર બન્યા પછી, તેને સ્થાપિત કરાયો છે. આ પહેલાં, 14 એપ્રિલે સવારે, અયોધ્યામાં રામમંદિરના મુખ્ય શિખર પર કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ કળશની પૂજા કરવામાં આવી. આ પછી, તેને મુખ્ય શિખર પર વૈદિક મંત્રોચ્ચાર અને હવન-પૂજા સાથે સ્થાપિત કરવામાં આવ્યો હતો.
રામમંદિરની 800 મીટર લાંબી દીવાલમાં બનેલાં 6 મંદિરોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ મંદિરોમાં મૂર્તિઓ સ્થાપિત કરવાની પ્રક્રિયા 30 એપ્રિલના રોજ અક્ષય તૃતીયાથી શરૂ થશે. આ માટે, બધાં મંદિરોમાં સફેદ આરસપહાણથી બનેલું 2 ફૂટ ઊંચું સિંહાસન પણ તૈયાર કરવામાં આવ્યું છે. રામમંદિર સંકુલમાં જ 10 એકર જમીન પર શૂ રેક બનાવવામાં આવશે. સામાન રાખવા માટે લગભગ 62 કાઉન્ટર હશે. 10 એકર જમીન પર એક પૂજાસ્થળ બનાવવામાં આવશે જ્યાં ભક્તો પૂજા કરી શકશે.
કુબેર ટેકરા અને સાધના સ્થાન સુધી હરિયાળી હશે. પહેલા માળે રામ દરબારમાં રામ અને સીતાની મૂર્તિઓ સાડા ચાર ફૂટ ઊંચી છે, જ્યારે ત્રણેય ભાઈઓની મૂર્તિઓ સાડા ત્રણ ફૂટ ઊંચી છે. હનુમાનજી સીતારામનાં ચરણોમાં બેસશે. હનુમાનજીની બેઠક મુદ્રામાં મૂર્તિની ઊંચાઈ દોઢથી બે ફૂટ રહેશે.રામ દરબારની સ્થાપના માટે સફેદ આરસપહાણનું સિંહાસન બનાવવામાં આવ્યું છે. તેના પર ભવ્ય કોતરણી કરવામાં આવી છે. સામે મંડપ બનેલો છે. તેના સ્તંભો પણ કોતરેલા છે અને જયપુરના ગુલાબી રેતીના પથ્થરમાંથી બનેલા છે.
70 એકરના રામમંદિર સંકુલમાં કુલ 18 મંદિરોનું નિર્માણ ચાલી રહ્યું છે. આ મંદિરોમાં પરકોટાનાં દેવી-દેવતાઓનાં 6 મંદિરો, સપ્ત મંડળના ઋષિઓ- સંતોનાં 7 મંદિરો, મુખ્ય રામલલ્લા મંદિરનો ભોંયતળિયું, પહેલો માળ અને રામ દરબાર મંદિર, શેષાવતાર મંદિર, કુબેરેશ્વર મહાદેવ મંદિર અને ગોસ્વામી તુલસીદાસ મંદિરનો સમાવેશ થાય છે.