અમેરિકા અને યુક્રેન વચ્ચે ખનિજ કરાર પર હસ્તાક્ષર

Spread the love

યુક્રેન અને અમેરિકાએ આખરે બુધવારે ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ડીલ હેઠળ, અમેરિકાને યુક્રેનના નવા ખનિજ પ્રોજેક્ટ્સમાં વિશેષ એક્સેસ મળશે. બદલામાં, અમેરિકા યુક્રેનના પુનર્નિર્માણમાં રોકાણ કરશે. આ ડીલ હેઠળ, યુક્રેનના રિડેવલપમેન્ટ અને રિકનેટ્રક્શન માટે એક સંયુક્ત રોકાણ ફંડ બનાવવામાં આવશે. આ ઉપરાંત, ટ્રમ્પ સરકારે આ સોદા વિશે તાત્કાલિક ઘણી વિગતો જાહેર કરી નથી, અને તે પણ સ્પષ્ટ નથી કે તેની અમેરિકાની લશ્કરી સહાય પર શું અસર પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફાઈનલ ડીલમાં અમેરિકા દ્વારા કોઈપણ પ્રકારની સુરક્ષા સહાયની કોઈ નિશ્ચિત ગેરંટી આપવામાં આવી નથી.
યુક્રેનના અર્થતંત્ર મંત્રાલયે કહ્યું છે કે યુએસ આ ભંડોળમાં સીધી રીતે અથવા લશ્કરી સહાય દ્વારા યોગદાન આપશે, જ્યારે યુક્રેન તેના કુદરતી સંસાધનોના ઉપયોગથી થતી આવકનો 50% આ ભંડોળમાં ફાળો આપશે. મંત્રાલયે જણાવ્યું હતું કે ફંડના બધા પૈસા પહેલા 10 વર્ષ માટે ફક્ત યુક્રેનમાં જ રોકાણ કરવામાં આવશે. આ પછી, ‘નફો બે ભાગીદારો વચ્ચે વહેંચી શકાય છે.’ મંત્રાલયે એમ પણ કહ્યું કે ફંડના નિર્ણયોમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને યુક્રેનનો સમાન મત હશે. આ ડીલ ફક્ત ભવિષ્યમાં આપવામાં આવતી યુએસ લશ્કરી સહાયને આવરી લે છે, ભૂતકાળમાં આપવામાં આવેલી સહાયને નહીં.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી આ ડીલ માટે યુક્રેન પર દબાણ કરી રહ્યા હતા. ટ્રમ્પ વહીવટીતંત્રના મતે, આ પહેલ દ્વારા તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ સમજુતી પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ડીલ વોશિંગ્ટનમાં થઈ હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી આ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. ફેબ્રુઆરીના અંતમાં, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકા ગયા હતા, પરંતુ ત્યાં તેમનો રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે વિવાદ થયો હતો, જેના કારણે આ કરાર મુલતવી રાખવામાં આવ્યો હતો.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ કરાર રશિયાને સ્પષ્ટ સંદેશ આપે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર એક શાંતિ પ્રક્રિયા માટે કામ કરી રહ્યું છે જે લાંબા ગાળા માટે સ્વતંત્ર, સાર્વભૌમ અને સમૃદ્ધ યુક્રેનનું નિર્માણ કરશે.’ અને સ્પષ્ટપણે, કોઈપણ દેશ કે વ્યક્તિ જેણે રશિયાના યુદ્ધ મશીનને નાણાં પૂરા પાડ્યા છે તેને યુક્રેનના પુનઃનિર્માણથી ફાયદો થશે નહીં.
યુક્રેનના ખનિજોમાં અમેરિકાને હિસ્સો આપવાનો વિચાર સૌપ્રથમ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટ્રમ્પ ટાવર ખાતે મળેલી બેઠક દરમિયાન ટ્રમ્પ સમક્ષ રજૂ કર્યો હતો. જોકે જાહેરાતમાં ખનિજોનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ડીલમાં કુદરતી સંસાધનો પરના કરારોનો સમાવેશ થાય છે જે પહેલાથી જ વાટાઘાટો હેઠળ હતા. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન યુક્રેન સાથે મળીને કરારની વિગતોને ફાઈનલ કરશે.
ટેલિગ્રામ પરની એક પોસ્ટમાં, યુક્રેનિયન વડાપ્રધાન ડેનિસ શમીહાલે લખ્યું કે ડીલના ભાગ રૂપે બનાવવામાં આવનાર રોકાણ ભંડોળમાં બંને દેશોને સમાન મતદાન અધિકારો હશે, અને યુક્રેન તેની જમીન હેઠળના સંસાધનો, માળખાગત સુવિધાઓ અને કુદરતી સંસાધનો પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખશે. તેમણે એમ પણ કહ્યું કે આ રોકાણ ભંડોળમાંથી મળેલા નફાનું યુક્રેનમાં ફરીથી રોકાણ કરવામાં આવશે. શમીહાલે લખ્યું – “આ કરાર અમને પુનર્નિર્માણ માટે મોટા પ્રમાણમાં સંસાધનો લાવવા, આર્થિક વિકાસને ઝડપી બનાવવા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વ્યૂહાત્મક ભાગીદાર પાસેથી નવીનતમ ટેકનોલોજીની ઍક્સેસ મેળવવાની મંજૂરી આપશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *