તટસ્થ તપાસ માટે રાજ્ય સરકારની SIT બનાવી તપાસ કરાવો. ૧૦૦ કરોડ નહી ૨૦૦ કરોડથી વધુનો ભ્રષ્ટાચાર નીકળશે. – અમિત ચાવડા
ગાંધીનગર
વિધાનસભા ખાતે વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનમાં જે રીતે બેરોકટોક, કોઈના પણ ડર વગર સરકારના માનીતા અને સરકારના મળતિયા, જે ભાજપના આગેવાનો, કાર્યકારી છે એમના દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક ફરિયાદો મળી છે. મનરેગા યોજના ગરીબ વર્ગના લોકોને ૧૦૦ દિવસના રોજગારની ગેરંટી આપવાવાળો કાયદો આપ્યો. આ કાયદા હેઠળ રોજગાર આપવાને બદલે ભાજપના નેતાઓ અને એમના મળતિયાઓ છે એમણે ખિસ્સા અને તિજોરી ભરવાનું કામ કર્યું છે. જાન્યુઆરી મહિનામાં ફરિયાદ પુરાવાઓ સાથે સરકારને આપી, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો મળી છે. એમાં રાજ્ય સરકારના મંત્રી અને એમના પરીવારના જે લોકોની એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. ભાજપના સ્થાનિક આગેવાનોના આશીર્વાદથી ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે એની તપાસ થવી જોઈએ. અનેક ગામો એવા છે જ્યાં માટી-મેટલ રસ્તા, આર.સી.સી. રોડ, કુવાના કામ હોય, ચેકડેમના કામ, વોટરશેડ અને મનરેગાના અનેક કામો છે જ્યાં સ્થળ પર એકપણ કામ કરવામાં આવ્યું નથી. એની સામે બારોબાર લાખો રૂપિયા ઉપાડી ચુકવવામાં આવ્યા છે. શ્રી અમિતભાઈ ચાવડા દ્વરા પુરાવા સાથે રજૂઆત કરવામાં હતી કે એકલા દાહોદ જીલ્લામાં ૧૦૦ કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં થઇ રહ્યો છે. સરકારે જાન્યુઆરીની રજુઆતમાં પણ કોઈ તપાસ ના કરાવી, ત્યાર પછી માર્ચ મહિનામાં પુરાવા સાથે રજુઆતો આપી, વિધાનસભાના સત્રમાં પણ પુરાવા સાથે પ્રશ્નોત્તરીમાં પણ રજૂઆત થઇ અને અન્ય રીતે પણ રજૂઆત થઇ. પણ સરકારે એમના માનીતા અને એમના મંત્રીના જે નજીકના લોકો છે, પરિવારના લોકો છે એમને બચાવવાનો પ્રયત્ન કર્યો છે.
શ્રી ચાવડાએ વધુમાં જણાવ્યું કે હમણાં જયારે જીલ્લા કક્ષાએ તપાસની શરૂઆત થઇ, જીલ્લાના ડી.ડી.ઓ., ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર, ટી.ડી.ઓ.એ તપાસ કરી જેમાં ૩૫ જેટલી એજન્સીઓ દ્વારા ૭૧ કરોડનું કૌભાંડ થયું હોય એવી એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. જે એજન્સીઓ સામે એફ.આઈ.આર. નોંધવામાં આવી એમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીના પરિવારના લોકો પ્રોપરાઈટર છે, એજન્સીના ભાગીદાર હોવાની હકીકતો બહાર આવી છે. આ એફ.આઈ.આર.માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અનેક કામો એવા છે જે સ્થળ પર થયા જ નથી અને લાખો રૂપિયા બારોબાર ચુકવવામાં આવ્યા છે. આ કોઈ એક દિવસનું કૌભાંડ તો છે નહિ, છેલ્લા કેટલાય વર્ષોથી કૌભાંડ ચાલે છે. તપાસ તો ફક્ત દેવગઢ અને ધાનપુર તાલુકાની જ તપાસ છે, થોડા જ ગામોની તપાસ થઇ છે અને ૭૧ કરોડનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે. જો આખા દાહોદ જીલ્લાની તપાસ કરવામાં આવે તો મારા માનવા મુજબ અમારો તો આક્ષેપ ૧૦૦ કરોડના ભ્રષ્ટાચારનો છે પણ આ આંકડા જોતા એટલું ચોક્કસ છે કે આ આંકડો અનેક ગણો વધી જાય અને ૨૦૦ કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર ખાલી એક જ દાહોદ જીલ્લામાં થયો હોવાની હકીકતો બહાર આવી રહી છે.
વધુમાં શ્રી ચાવડાએ જણાવ્યું કે ગઈકાલે ત્યાના અનેક ગામના સરપંચોએ, આગેવાનોએ વિડીયો અને હકીકતો સાથે વિગતો આપી છે કે જેના ચૂકવણા પાંચ વર્ષ પહેલા થઇ ગયા એવી જગ્યાએ આજે તપાસ થાય એ પહેલા તાત્કાલિક રસ્તા બનાવવા માટે ૫૦-૧૦૦ જેસીબી કામે લગાડવામાં આવ્યા છે. પોલિસના પ્રોટેક્શન સાથે, જે ગામના વર્ષો પહેલા ચૂકવણા થઇ ગયા એ કામ અત્યારે સ્થળ પર કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. એટલે તપાસ થાય એ પહેલા કામ થઇ ગયા છે એવા પુરાવા ઉભા કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
શ્રી ચાવડાએ જણાવ્યું કે બધા જ તાલુકામાં તપાસ થાય તો ઘણા મોટા ભ્રષ્ટાચારના આંકડા બહાર આવશે અને ખાલી એક સરકારના મંત્રીની સંડોવણી નહિ પણ ભાજપના અનેક નેતાઓની સંડોવણી બહાર આવશે. મારી રાજ્ય સરકાર પાસે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી પાસે માંગણી છે કે જો ખરેખર પારદર્શક વહીવટ ચાલતો હોય, ખરેખર સરકાર પણ આ કૌભાંડીઓને, ભ્રષ્ટાચારીઓને બચાવવા માંગતી ન હોય તો ખાલી જીલ્લા કક્ષાની તપાસ સમિતિ ન હોય, રાજ્ય કક્ષાની એસ.આઈ.ટી. બનાવવામાં આવે, રાજ્ય કક્ષાના પ્રમાણિક અધિકારીઓને દાહોદ મોકલવામાં આવે અને આખા દાહોદ જીલ્લાના બધાજ ગામોમાં મનરેગા અને બીજી યોજનાઓમાં જે ડુપ્લીકેટ કામો થયા છે, જે કામો થયા વગર ચૂકવણા થયા છે એ તમામ કામોની તટસ્થ તપાસ કરાવવા માટે રાજ્ય કક્ષાની એસ.આઈ.ટી. બનાવવાની માંગણી કરીએ છીએ.
શ્રી ચાવડાએ જણાવ્યું કે એજન્સીઓના સરકાર પાસે હજુ પણ ૧૫૦ કરોડ રૂપિયા લેવા માટેના બીલો અત્યારે ચૂકવણા કક્ષાએ છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એવી કોઈપણ એજન્સીના પૈસા ચુકવવામાં ન આવે, અન્યથા જે મેળાપીપણાવાળા લોકો છે, કૌભાંડીઓ છે એ પૈસા લઈને જતા રહેશે અને ત્યાર પછી તપાસના નાટકો થશે.
સરકારની ગંભીરતાનો અભાવ તો સ્પષ્ટ રીતે દેખાય છે કે જે બી. એમ. પટેલ ત્યાના નિયામક હતા, જેના નામથી એફ.આઈ.આર. કરવામાં આવી. એક બાજુ એફ.આઈ.આર. કરે છે અને બીજી બાજુ એમની બદલી થઇ જાય છે. જે તાલુકામાં ટી.ડી.ઓ. છે, જે તટસ્થતાથી તપાસ કરવા માંગતા હતા એ ટી.ડી.ઓ.ની પણ બદલી થઇ જાય છે. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર કાં તો મંત્રીના પરિવારને બચાવવા માંગે છે, કૌભાંડીઓને બચાવવા માંગે છે કાંતો એમના કે કૌભાંડી મળતિયાઓ છે એમના વધારે નામ બહાર ન આવી જાય એના માટેનો પ્રયત્ન થઇ રહ્યો છે અને તપાસને દબાવવામાં આવી રહી છે. મારી સરકારને અને મંત્રીશ્રીને પણ વિનંતી છે કે જે મંત્રીશ્રી સામે, એમના પરિવારના સભ્યો સામે એફ.આઈ.આર. નોંધાઈ હોય એમને પોતાના પદ પર એક દિવસ પણ રહેવાનો અધિકાર નથી. એમણે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને કહેવું જોઈએ કે તપાસ થાય અને અમે નિર્દોષ સાબિત ના થઈએ ત્યાં સુધી હું મારા પદ ઉપરથી રાજીનામું આપું છું. આવી છે નૈતિકતા? ગંગાજળની વાતો કરે સરકાર અમે ભ્રષ્ટાચારીઓ પર પગલા લઈએ છીએ એવા મુખ્યમંત્રીશ્રી દાવા કરે, વાહવાહી મેળવે પણ જયારે પોતાના જ મંત્રીમંડળના એક મંત્રી પર, એના પરિવારના લોકો પર આટલા મોટા આક્ષેપ થતા હોય, એફ.આઈ.આર. થતી હોય તો રાજ્ય સરકારની કે મુખ્યમંત્રીશ્રીની એવી નૈતિક હિંમત છે ખરી કે પોતાના મંત્રીને કહે કે રાજીનામું આપો તો તટસ્થ તપાસ થાય. સરકારમાં નૈતિક હિંમત હોય તો મંત્રીશ્રીનું રાજીનામું માંગે અને મંત્રીમાં નૈતિક હિંમત હોય તો તપાસ થાય અને નિર્દોષ પુરવાર ના થાય ત્યાં સુધી પોતાના પદ પરથી રાજીનામું આપે એવી ગુજરાતના લોકોની અપેક્ષા છે અને એવી માંગણી પણ કરીએ છીએ.