પશુઓના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવાનો ગુજરાતના મહાનગરોમાંનો સૌપ્રથમ બાયોગેસ પ્લાન્ટ અમદાવાદના દાણીલીમડા અને બાકરોલ કરુણા મંદિર (ઢોરવાડા) ખાતે બનાવવામાં આવ્યો છે. છાણમાંથી રીસોર્સ, એનર્જી, રીયુઝ કરી દરરોજ 50 કિલો બાયોગેસ અથવા 40 યુનિટ ઈલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવશે. બંને જગ્યાએ મશીનરી ઉતારી અને પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આગામી 1 જુનથી ઉત્પાદન પ્રક્રિયા શરૂ થઈ જશે. બાયોગેસ પ્લાન્ટ નાખવાના કારણે દૈનિક ઉત્પન્ન થતા એક ટન જેટલા પશુના છાણ અને કચરામાંથી બાયોગેસનું ખાતર નર્સરી અને ઓર્ગેનિક ખેતીમાં પણ ઉપયોગમાં લેવામાં આવશે. બાકરોલ અને દાણીલીમડા કરૂણા મંદિર ખાતે રૂ. 64 લાખના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. રોજનો 1 ટન પશુના છાણ, ઘાસચારા વગેરેના ગ્રીન વેસ્ટનો ઉપયોગ કરી દૈનિક ધોરણે 50 કિ.ગ્રા. બાયોગેસ જનરેટ થશે. જેનો ઉપયોગ કોમ્યુનિટી કિચન, કેન્ટીન વગેરેમાં કરી શકાશે. કરૂણા મંદિરની મુલાકાતે ગૌ-વંશની સેવા અર્થે આવનારા મુલાકાતીઓ માટે ચા-કોફી, નાસ્તો કરવા કેન્ટીનમાં બાયોગેસનો ઉપયોગ કરવા આયોજન કરાશે.દૈનિક ધોરણે 40 યુનિટ ઇલેક્ટ્રીસીટી જનરેટ પણ કરી શકાશે. જેનો ઉપયોગ કરૂણા મંદિરની પ્રિમાઈસીસની લાઇટો માટે થવાથી વીજળીના બિલમાં ઘટાડો થશે. બાયોગેસની સાથે જનરેટ થતી સ્લરી સોઇલ (માટી) એનરીચર હોવાથી નર્સરી તથા ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગ કરી શકાશે.
બાયોગેસનું ખાતર પણ ઉત્પન્ન થશે. જે કીચન ગાર્ડન, નર્સરી તથા ઓર્ગેનીક ખેતીમાં ઉપયોગ કરી શકાશે. શાકભાજી, ફુલો, ફળો, પાંદડા, ફુડ વેસ્ટ, હોટલ, કીચન વેસ્ટ, હોર્ટીકલ્ચર વેસ્ટ વગેરે ઓર્ગેનીક ગ્રીન વેસ્ટનો ઉપયોગ કરી શકાશે. ઓર્ગેનીક ખેતી, કીચન ગાર્ડન, નર્સરી, ઓર્ગેનીક બાયો ખાતર, સોઈલ એનરીચર વગેરેના ઉપયોગથી જમીન ફળદ્રુપ બનશે. રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા શહેરમાંથી રખડતા પશુઓનો પકડી દાણીલીમડા અને બાકરોલ કરૂણા મંદિરમાં રાખવામાં આવે છે. કરૂણા મંદિરમાં દૈનિક ધોરણે 2500 કિ.ગ્રા જેટલુ છાણ- ગ્રીન વેસ્ટ જનરેટ થાય છે. Net Zero Cellની ગાઇડલાઇન મુજબ જનરેટ થતા છાણમાંથી રીસોર્સ, એનર્જી, રીયુઝ કરી છાણમાંથી વિવિધ પ્રોડકટસ્ બનાવવામાં આવે છે. દૈનિક ધોરણે જનરેટ થતાં છાણને મ્યુનિ. કોર્પોરેશનના બગીચા ખાતાની ગ્યાસપુર ખાતેની સાઇટમાં લઇ જઇ ખાડો કરી આ છાણ રાખવામાં આવે છે. નિયત સમય બાદ તે સુકાય જાય છે. આ પ્રક્રિયા થયા બાદ તૈયાર થતા ખાતરનો મ્યુનિ. કોર્પોરેશનના 62 જેટલા ગાર્ડનમાં દૈનિક ધોરણે 1500 કિ.ગ્રાથી પણ વધારે ખાતર તરીકે રોપા ઉછેર, નર્સરી, સોઈટ એનરીચર, તરીકે હાલમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાથી દૈનિક ધોરણે છાણ- સૂકા ઘાસનો ઉપયોગ કરી છાણાં, સ્ટીક, ખાતર વિગેરે બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ વૈદિક હોળી તથા શહેરના સ્મશાનોમાં અંતિમવિધિમાં થાય છે. ચાલુ વર્ષે વૈદિક હોળી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ કરી સાત ઝોનમાં 57 સ્થળોએ છાણમાંથી બનેલ છાણાં અને સ્ટીક પુરા પાડી હતી.