આદિવાસી સમાજના પ્રશ્નોને લઇને કેબિનેટની બેઠકમાં બે આદિજાતિ મંત્રીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થયા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોને લઇને આદિવાસી ધારાસભ્યો અને આદિવાસી અગ્રણીઓની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગીરબરડા આલેચના રબારી,ચારણ અને ભરવાડ જાતિના કુટુબના વારસાદારોની તપાસનો કારિયા સમિતિનો અહેવાલ સ્વીકારીને 21913 વારસદારોને એસટીના પ્રમાણપત્રો આપવા અને આ સિવાયના એસટી જાતિના પ્રમાણપત્રોને આધારે નોકરી કે સરકારી લાભ લેતા લોકો સામે ત્રણ મહિનામાં તપાસ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવી તેવું નક્કી થયું છે. ઉપરાંત આદિજાતિના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિ સમાજને લોકોને નળ સે જળ યોજના નિષ્ફળ ગઇ અને બીજીબાજું આ વિસ્તારના હેડ પંપ,બોરમોટર અને અન્ય યોજનાઓ પણ બંધ કરવામાં આવી છે. આથી આ વિસ્તારને પાણી મળી રહે તે માટે હેડપંપ,બોરમોટર સહિતના પાણીની યોજનાઓ પુન:ચાલુ કરવાની માગ થઇ હતી. પાણી પુરવઠા મારફતે મીની વોટર વકર્સ,જુથ પાણી પુરવઠા યોજના માટે પાંચ વર્ષ સુધીનો મેન્ટન્સ ખર્ચ રાજય સરકાર ઉઠાવે તેવી પણ માગ થઇ હતી. આદિજાતિ સલાહકાર પરિષદમાં નક્કી થયા પ્રમાણે આ વિસ્તારના 10થી15 વર્ષ જુના રસ્તાઓ રીસફેસ કરવામાં આવે તેવી માગ પણ થઇ હતી.
સિંચાઇથી વંચિત આદિજાતિના તાલુકાઓમાં અલગથી યોજના બનાવાય તેવી પણ મુખ્યમંત્રીને રજૂઆત થઇ હતી. પાણી પુરવઠાની યોજનામાં 10 ટકા લોકફાળામાંથી આદિજાતિને મુકતી આપવાની માગ પણ કરાઇ હતી. આદિવાસીઓ માટે વન અધિકાર અધિનિયમ-2006ના જમીનના બાકી દાવાઓનો નિકાલ અને નામંજૂર કરાયેલા દાવાઓને સેટેલાઇટ ઇમેજ પ્રમાણે મંજૂર કરવાની સૂચન પણ કરાયું હતું.
સરકારી ભરતીમાં લઘુતમ લાયકાતનું ધોરણ ઘટાડો ઃ રાજ્ય સરકારની ભરતી એજન્સીઓ દ્વારા થતી કેટલીક ભરતીઓમાં લઘુત્તમ લાયકાત પ્રમાણે પુરતા આદિવાસી સમાજના ઉમેદવાર ઉપલબ્ધ થતા નથી. આવી સ્થિતિમાં આદિજાતિ ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાતમાં ઘટાડો કરવો જોઇએ,જેથી કરીને આદિજાતિ માટેની અનામત બેઠકોનો લાભ આદિજાતિના ઉમેદવારોને મળી શકે.