ઇઝરાયલે યમનના બે બંદરો પર હુમલો કર્યો

Spread the love

 

 

ઇઝરાયલે શુક્રવારે યમનના હોદેઇદાહ અને સાલીફ પોર્ટ પર હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેનો ઉપયોગ શસ્ત્રોના પરિવહન માટે થઈ રહ્યો હતો. યમનમાં હુતી સમર્થક ટીવી ચેનલ અલ મસિરાહે આ હુમલાની પુષ્ટિ કરી છે. અહેવાલો મુજબ, ઇઝરાયલની સેનાએ આ બે બંદરો પર 30થી વધુ બોમ્બમારો કર્યો હતો. આમાં 1 વ્યક્તિનું મોત થયું અને 9 લોકો ઘાયલ થયા. હુમલા બાદ ઇઝરાયલે કહ્યું છે કે જો હુતી બળવાખોરો હુમલા બંધ નહીં કરે તો તેમના હાલ હમાસ અને હિઝબુલ્લાહના નેતાઓ જેવા થશે. ઇઝરાયલે ગયા વર્ષે મોહમ્મદ દેઇફ, યાહ્યા સિનવાર અને હસન નસરાલ્લાહની હત્યા કરી હતી. ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ આ કાર્યવાહીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે અમારા પાઇલટ્સે હુતી આતંકવાદીઓના બે ઠેકાણાઓ પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. આપણે હૂતીઓને વધુ નુકસાન પહોંચાડીશું. નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે હુતીઓ પાછળ ઈરાનનો હાથ છે. હુતીઓ ફક્ત એક પ્યાદા છે. તેમની પાછળ જે તાકાત છે, જે તેમને સાથા આપે છે અને નિર્દેશ આપે છે, તે ઈરાન છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહ્યું કે જો હુતી બળવાખોરો ઇઝરાયલ પર મિસાઇલ હુમલા ચાલુ રાખશે, તો તેમને અને તેમના નેતાઓને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યું કે જે રીતે ઇઝરાયલની સેનાએ હમાસના મોહમ્મદ દેઇફ, યાહ્યા સિનવાર અને હસન નસરાલ્લાહ સાથે કર્યું હતું, તેવી જ રીતે યમનમાં અબ્દુલ મલિક અલ-હુતી સાથે પણ કરવામાં આવશે. ઓક્ટોબર 2023માં ઇઝરાયલ દ્વારા ગાઝા પર હુમલો કરવામાં આવ્યા બાદ હુતી બળવાખોરોએ પેલેસ્ટિનિયનોને સમર્થન આપ્યું હતું. તેઓ ઇઝરાયલ અને લાલ સમુદ્રમાં ઇઝરાયલ સમર્થક દેશોના જહાજો પર હુમલો કરી રહ્યા હતા.

અલ જઝીરાના અહેવાલ મુજબ, માર્ચમાં ગાઝામાં યુદ્ધવિરામ ઉલ્લંઘન બાદ હુતી બળવાખોરોએ ઇઝરાયલ પર ઓછામાં ઓછા 34 મિસાઇલો અને ડ્રોન હુમલા કર્યા છે. આ પહેલા 4 મેના રોજ, હુતી બળવાખોરોએ ઇઝરાયલના સૌથી વ્યસ્ત એરપોર્ટ, બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો. મિસાઇલથી એરપોર્ટ પરિસરમાં એક રસ્તા અને એક વાહનને નુકસાન પહોંચાડ્યું હતું. ઇઝરાયલની સેનાએ સ્વીકાર્યું છે કે તેમની ડિફેન્સ સિસ્ટમ આ મિસાઇલને રોકવામાં નિષ્ફળ રહી. બીજા જ દિવસે, ઇઝરાયલની સેનાએ યમનમાં હુતી બળવાખોરોના નિયંત્રણ હેઠળના બંદર શહેર હોદેદાહ પર ભારે બોમ્બમારો કર્યો હતો. સેનાના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઇઝરાયલી વાયુસેનાના 20 ફાઇટર જેટ્સે ભાગ લીધો હતો. આ માટે વિમાનોએ 2000 કિમીનું અંતર કાપ્યું. ઇઝરાયલી યુદ્ધ વિમાનોએ ઓછામાં ઓછા 50 લક્ષ્યો પર બોમ્બમારો કર્યો. ત્યારે ઇઝરાયલે કહ્યું હતું કે હવે તે દરેક મિસાઇલ હુમલાનો જવાબ હવાઈ હુમલાથી આપશે. જોકે, શુક્રવારનો હુમલો અમેરિકા-હુતી કરાર પછી ઇઝરાયલનો પહેલો હુમલો છે.
ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી હુતી બળવાખોરો વિરુદ્ધ ઓપરેશન ‘રફ રાઇડર’ શરૂ કરવામાં આવ્યું હતું. આમાં, અમેરિકન દળોએ મિસાઇલો અને ડ્રોનથી 1000થી વધુ હુતી ઠેકાણાઓ પર હુમલો કર્યો. સેંકડો હુતી લડવૈયાઓ અને ઘણા મોટા હુતી નેતાઓ માર્યા ગયા, જેમાં મિસાઇલ અને ડ્રોન કાર્યક્રમોના સીનિયર નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ પછી, આ વર્ષે 6 મેના રોજ અમેરિકા અને હુતી બળવાખોરો વચ્ચે એક કરાર થયો હતો. જેમાં બંને પક્ષો એકબીજા પર હુમલો ન કરવા સંમત થયા છે. જોકે, હુતી બળવાખોરોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઇઝરાયલ સામે હુમલા ચાલુ રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *