૫ વર્ષમાં સાવજોની સંખ્યામાં ૨૧૭નો વધારો, કુલ ૮૯૧ સંખ્યા

Spread the love

 

 

 

 

ગુજરાતમાં સિંહની વસતીનો આંકડો જાહેર કરવામાં આવ્યો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર આંકડો જાહેર કર્યો. ગુજરાતમાં હાલ ૮૯૧ સાવજ છે. વર્ષ ૨૦૨૦માં ગુજરાતમાં અંદાજે ૬૭૪ સિંહ હતા. વર્ષ ૨૦૨૫માં ૮૯૧ નોંધાયા છે. ૫ વર્ષમાં સિંહોની વસતીમાં ૨૧૭નો વધારો થયો છે ૧૧ મે થી ૧૩ મે વચ્ચે થઈ હતી સિંહોની વસતી ગણતરી હાથ ધરાઇ હતી.

ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીનો ૧૬મો તબક્કો પૂર્ણ થયો છે, આ ગણતરીએ રાજ્યના ૧૧ જિલ્લાઓના ૫૮ તાલુકાઓમાં ૩૫,૦૦૦ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લીધો, જેમાં ૩,૨૫૪ લોકોની ટીમે અથાગ પ્રયાસો કરીને ૮૯૧ સિંહોની હાજરી નોંધી છે. આ આંકડો ગુજરાતના સિંહ સંરક્ષણના પ્રયાસોની સફળતાનું પ્રતીક છે અને રાજ્યના વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરે છે.

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ ૧૦ મેથી ૧૩મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે ૧૬મી સિંહ વસ્તી ગણતરી – ૨૦૨૫ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા ૮૯૧ થઈ છે, જેમાં ૧૯૬ નર,330 માદા,૧૪૦ પાઠડા, ૨૨૫ બચ્ચા નોંધાયા છે.

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘મેક ઈન ઇન્ડિયા’ના લોગોમાં એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છે. ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રયસ્થાનરૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌ-થમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી.

પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭, વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧, વર્ષ ૨૦૧૫માં કુલ પર૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.
એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે.

ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે. સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી.
તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવ્યા હતા. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગળપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવી હતી. સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે.

જેથી સિંહ તેમજ તેના ગળપનુ લોકેશન મેળવવામાં મદદ મળે છે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જી.આઇ.એસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો.

 

સિંહોની કુલ વસ્તી – ૮૯૧
નર – ૧96
માદા – 330
પાઠડા – ૧૪૦
બચ્ચા – ૨૨૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *