
સિવિલ હોસ્પિટલના રેડિયોલોજીસ્ટ વિભાગમાં છ-છ તબિબો હોવા છતાં એક્સ-રે, સીટી સ્કેન કે સોનોગ્રાફી માટે આવતા દર્દીઓને કલાકો સુધી લાઇનો બેસી રહેવાની ફરજ પડી રહી છે. જોકે રિડિયોલોજીસ્ટ વિભાગની બહાર દર્દીઓની લાઇનો થાય નહી અને તબિબો એક્સ-રે, સીટીસ્કેન અને સોનોગ્રાફી વિભાગમાં હાજર રહે અને તેનું રિપોર્ટીંગ કરાવવામાં આવે તેવી સુચના રાજ્યના આરોગ્ય અગ્રસચિવે સૂચના આપી હતી. તેમ છતાં હજુ તેની અમલવારી થતી નહી હોવાનું એક્સ-રે, સીટીસ્કેન અને સોનોગ્રાફી કરાવવા લાગતી લાંબી લાઇનો ઉપરથી લાગી રહ્યું છે.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સારવાર અને નિદાન સઘન કરવામાં આવ્યું છે. જેને પરિણામે ઓપીડી સારવાર લેતા દર્દીઓની સંખ્યા હાલમાં અંદાજે 3000ને પાર કરી ગઇ છે. ઉપરાંત ઇન્ડોર દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે તેની વચ્ચે સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં એક્સ-રે, સીટીસ્કેન અને સોનોગ્રાફી માટે જતા ઓપીડી અને ઇન્ડોર દર્દીઓને કલાકો સુધી લાઇનોમાં બેસી રહેવાની ફરજ પડી રહી છે. જોકે ઘણાં રિપોર્ટમાં દર્દીઓને તારીખ આપીને ત્રણ કે ચાર દિવસ પછી બોલાવવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગની બહાર અને અંદર દર્દીઓની લાઇનો જોઇને રાજ્યના મુખ્ય આરોગ્ય અધિકારી ધનજંય દ્વિવેદી ચોંકી ઉઠ્યા હતા. રેડિયોલોજી વિભાગમાં છ તબિબો ફરજ બજાવતા હોવા છતાં કેમ લાઇનો લાગે છે. ઉપરાંત તબિબો કેટલા હાજર રહે છે સહિતની માહિતી લઇને તેમાં સુધારો કરવાની સુચના આપી હતી. તેમ છતાં હજુય રેડિયોલોજી વિભાગમાં એક્સ-રે, સોનોગ્રાફી અને સીટીસ્કેન કરાવવા માટે દર્દીઓની લાંબી લાઇનો જોવા મળે છે.
ત્યારે રેડિયોલોજી વિભાગના તબિબોની ડ્યુટી ફિક્સ કરવાની સાથે સાથે એક્સ-રે, સીટીસ્કીન અને સોનોગ્રાફીનું રિપોર્ટીંગ પણ કરવામાં આવતું નથી. આથી રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતા તબિબોની ડ્યુટી ફિક્સ કરીને એક્સ-રે, સોનોગ્રાફી અને સીટી સ્કેનમાં ફરજ બજાવતા નહી હોવાથી લાઇનોમાં ઉભા રહેવાની ફરજ પડી છે. આથી તબિબો ફરજિયાત ડ્યુટી બજાવે તે દિશામાં નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી આશા સાથે દર્દીઓમાં ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે દર્દીઓને તકલીફ પડે નહી તેવું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે કે નહી. આરોગ્ય સચિવની સૂચના છતાં તેનો અમલ નહીં થતાં દર્દીઓમાં રોષ ફેલાયો છે.