Visavadar and Kadi By Elections: રાજ્યમાં બે બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાશે.ભારતીય જનતા પાર્ટીએ કડી અને વિસાવદર પેટા ચૂંટણીને લઈ પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે.ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે જ્યારે વિસાવદર બેઠક પર કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
જૂનાગઢની વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કિરીટ પટેલ 2 ટર્મ જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. તાલાલા યાર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. કિરીટ પટેલનું રાતીધાર (તાલાલા) મૂળ વતન છે. હાલ જૂનાગઢ જિલ્લા ભાજપના મોટા નેતા છે.
19 જૂનના રોજ મતદાન
વિસાવદર વિધાનસભા બેઠક પર ગત 26 મે 2025થી ઉમેદવારીફોર્મ ભરાવાની શરૂઆત થઇ છે. ઉમેદવારો 2 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે. 3 જૂનના રોજ ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 5 જૂન 2025 છે. 19 જૂનના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. જ્યારે 23 જૂન 2025ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
કૉંગ્રેસે કડીમાં રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે
કડી બેઠક પર વર્ષ 2012માં કૉંગ્રેસના રમેશ ચાવડા ભાજપના હીતુ કનોડિયાને હરાવી જીત્યા હતા. કડી બેઠક વર્ષ 2012માં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2017માં ભાજપના સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય રમેશ ચાવડાને હરાવ્યા હતા અને વર્ષ 2025માં ભાજપે રિપીટ કરેલ સ્વ. કરશન સોલંકીએ કૉંગ્રેસના પ્રવીણ પરમારને હરાવ્યા હતા. વર્ષ 2025ની શરૂઆતમાં ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. જેના માટે હવે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
કડી વિધાનસભા બેઠક પર આગામી 19 જૂનના રોજ ચૂંટણી યોજાશે, જેની મતગણતરી 23 જૂનના દિવસે કરવામાં આવશે. આ વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા માગતા ઉમેદવારો 26 મેથી ફોર્મ ભરી શકશે. હવે આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.