ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને એક્સટેન્શન મળે તેવી શક્યતા

Spread the love

 

DGP વિકાસ સહાય 30મી જુને નિવૃત થવાના છે,

સરકાર ત્રણ મહિનાનું એક્સટેન્શન આપે તેવી શક્યતા,

નવા DGP તરીકે K L N રાવઅને G S મલિક દાવેદાર

અમદાવાદઃ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય આ મહિનાના અંતમાં એટલે કે 30મી જુનના રોજ વય મર્યાદાને કારણે નિવૃત થશે. રાજ્યના પોલીસ વડા તરીકે વિકાસ સહાયની સરાહનીય કામગીરી રહી છે. વિકાસ સહાયની જગ્યાએ નવા ડીજીપી કોણ બનશે તેની અટકળો શરૂ થઈ છે.

હાલ સિનિયોરિટી મુજબ તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક અને કે.એલ.એન રાવના નામ ચર્ચામાં છે. ત્યારે ડીજીપી વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તેવી પણ શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય આગામી તા. 30 જૂને નિવૃત્ત થવાના છે. પોલીસ વડાની જગ્યા કોણ સંભાળશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. જો કે વિકાસ સહાયને એક્સટેન્શન મળે તેવી પણ ચર્ચા છે. જો વિકાસ સહાયને એક્સટેન્શન નહીં મળે તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક ડીજીપી બનવાના પ્રબળ દાવેદાર બની શકે છે. તેની સાથે કે.એલ.એન રાવનું નામ પણ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, કે.એલ.એન રાવ ઑક્ટોબર 2027 અને જી.એસ.મલિક નવેમ્બર 2028માં નિવૃત્ત થવાના છે.

સૂત્રોના કહેવા મુજબ જેલ વડા એવા કે.એલ.એન રાવ સાથે અતીક અહેમદે જેલમાંથી કરેલા વીડિયો કોલ જેવો વિવાદ પણ સંકળાયેલો છે. આ વીડિયો કોલ ઉત્તર પ્રદેશ પોલીસે શોધી કાઢ્યો હતો અને તે સમયે જેલના વડા તરીકે તેઓ હતા. સરકાર રાજ્યના પોલીસ વડા તરીકે કોઈપણ વિવાદિત ચહેરો ન આવે તે માટેની પ્રાથમિકતા રાખે તેવું માનવામાં આવે છે, ત્યારે નીરજા ગોટરૂ પણ સિનિયર છે. પરંતુ આ બધાની વચ્ચે જીએસ મલિક સરકારની ગુડ બુકમાં હોવાની સાથે પોતાની કામ કરવાની સ્ટાઈલ અને મેનેજમેન્ટ માટે જાણીતા છે એટલે આ મહિનાના અંતમાં વિકાસ સહાય નિવૃત્ત થાય તો અથવા તેમને એક્સટેન્શન મળે અને તે પછી પણ ડીજીપી બનવાની રેસમાં જીએસ મલિક પ્રથમ અને ત્યારબાદ બીજા અધિકારીઓના નામ ચર્ચામાં છે.

પોલીસબેડામાં એવી પણ અટકળો ચાલી રહી છે કે વિકાસ સહાય નિવૃત્ત થશે તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક ડીજીપી બનશે. આ જ રીતે અગાઉ આશિષ ભાટિયા ડીજીપી બન્યા હતા. પરંતુ અમદાવાદના કેટલાક વિવાદના કારણે સંજય શ્રીવાસ્તવ ડીજીપી બની શક્યા નહીં અને આશિષ ભાટિયાને એક્સટેન્શન મળ્યું હતું. પરંતુ આ વખતે જો વિકાસ સહાયને એક્સટેન્શન મળે તો ડીજીપીની રેસમાં સૌથી આગળ જીએસ મલિક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *