
બેન્ક ઓફ બરોડા (બીઓબી) અને ખાનગી ક્ષેત્રની ટોચની બેન્ક એચડીએફસી બેન્કે વ્યાજદરમાં અનુક્રમે 0.50 ટકા અને 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો. આરબીઆઈએ રેપોરેટમાં નોંધપાત્ર ઘટાડો કરાયા બાદ બેન્કોએ તેના ગ્રાહકોને લાભ આપવાની શરૂઆત કરી છે. આગામી સમયમાં વધુ બેન્કો પણ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી સંભાવના છે.
બીઓબીએ રવિવારે ધિરાણ દર 50 બેઝિસ પોઈન્ટ એટલે કે અડધો ટકો ઘટાડ્યો હોવાનું જણાવ્યું હતું. બીજીતરફ એચડીએફસી બેન્કે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (એમસીએલઆર)માં તમામ મુદત પર 0.10 ટકાનો ઘટાડો કર્યો હતો. બીઓબીએ જણાવ્યું હતું કે, આરબીઆઈના નીતિગત ફેરફારના અનુસંધાનમાં બેન્ક દ્વારા રેપોરેટ સંલગ્ન ધિરાણ દર (આરએલએલઆર)માં 0.50 ટકાનો ઘટાડો કરાયો છે જેનો અમલ 7 જૂનથી થશે. બેન્કનો નવો ધિરાણ દર 8.15 ટકા રહેશે. જ્યારે એચડીએફસી બેન્કે પણ 7 જૂનથી અમલમાં આવે તે રીતે એમસીએલઆર ઘટાડતા એક માસ માટેનો દર 8.90 ટકા કર્યો હતો.
ત્રણ માસ માટેનો દર 8.95 ટકા જ્યારે છ મહિનાથી એક વર્ષ માટેની મુદતનો દર 9.05 ટકા રહેશે. બે અને ત્રણ વર્ષની મુદત માટેનો ધિરાણ દર અગાઉના 9.20 ટકાથી ઘટાડીને 9.10 ટકા કરાયો છે.