
નવી દિલ્હી
નવી દિલ્હીમાં નેહરૂ વિહાર વિસ્તારમાંથી નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બાળકીનો મૃતદેહ સૂટકેસમાંથી મળી આવ્યો હોવાનો દાવો કરાયો છે. પીડિતાના પરિવારે આરોપ લગાવતા જણાવ્યું કે, આ ચકચારી બનાવને કેટલાક સ્થાનિક યુવકોએ જ અંજામ આપ્યો છે. પોલીસે પીડિતાના પરિવારની ફરિયાદને આધારે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. દિલ્હીમાં બાળકી પર બળાત્કાર અને બાદમાં હત્યાના બનાવથી ખળભળાટ મચી ગયો છે. પોલીસને ઘટનાની વિગતો મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પીડિતાની હત્યા કરીને તેને સૂટકેસમાં મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બાળકીના પિતા બેશુદ્ધ અવસ્થામાં દીકરીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પોલીસની એક ટીમ પહોંચી ત્યારે હોસ્પિટલના તંત્રએ જણાવ્યું કે, બાળકી હોસ્પિટલ પહોંચે તે અગાઉ જ તેનું મોત થઈ ગયું હતું. બાળકીના મોં તથા શરીરના ભાગે ગંભીર ઈજાના નિશાન છે. શરીરના અન્ય અંગો ઉપર પણ ઈજા પહોંચી છે.